બેન્ઝાઇલ આલ્કોહૉલ (α–હાઇડ્રૉક્સિટૉલ્યુઈન; ફીનાઇલ મિથેનૉલ; ફીનાઇલકાર્બિનૉલ) : આછી વાસ ધરાવતું પાણી જેવું સફેદ પ્રવાહી. અણુસૂત્ર C6H5CH2OH; અણુભાર 108.14. તે ચમેલી (jasmine) તથા અન્ય ફૂલો, જલકુંભી (water hyacinth), અપૂર્વ ચંપક (ઇલાંગ–ઇલાંગ) તેલ, પેરુ અને ટોલુ બાલ્સમ, સ્ટૉરૅક્ષ વગેરેમાં એસ્ટર સ્વરૂપે રહેલો હોય છે.

બેન્ઝાઇલ ક્લોરાઇડના જળવિભાજનથી, બેન્ઝાઇલ એમાઇનની નાઇટ્રસ ઍસિડ સાથેની પ્રક્રિયાથી અથવા બેન્ઝાલ્ડિહાઇડ સાથે પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડની પ્રક્રિયા (કોનિઝારો પ્રક્રિયા) દ્વારા મેળવી શકાય છે.

તેનું ગ. બિં. 15.19° સે.; ઉ.બિં. 204.7° સે. અને ઘનતા 1.04 (25° સે.) છે. તેનો સ્વાદ ચચરાટવાળો હોય છે. પાણીમાં તે થોડેક અંશે દ્રાવ્ય છે. આલ્કોહૉલ, ઈથર, ક્લૉરોફૉર્મ જેવાં દ્રાવકો સાથે મિશ્ર થઈ શકે છે. અતિવિષાક્ત. તેનું નાઇટ્રિક ઍસિડ વડે ઉપચયન કરતાં બેન્ઝાલ્ડિહાઇડ, જ્યારે ક્રોમિક ઍસિડ વડે ઉપચયન કરતાં બેન્ઝોઇક ઍસિડ મળે છે. 140° સે. તાપમાને હાઇડ્રોક્લોરિક ઍસિડ અને ફૉસ્ફરસ વડે અપચયન થઈ ટૉલ્યુઈન મળે છે. આલ્કોહૉલીય (alcoholic) સાંદ્ર પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ સાથે તેનું નિસ્યંદન કરતાં ટૉલ્યુઈન અને બેન્ઝોઇક ઍસિડ મળે છે.

બેન્ઝાઇલ આલ્કોહૉલ મુખ્યત્વે દ્રાવક તરીકે વપરાય છે. આ ઉપરાંત તે બેન્ઝાઇલ સંયોજનોની બનાવટમાં, દવા તરીકે, જીવાણુરોધક (antimicrobial) તરીકે, ચલચિત્રોની રંગીન ફિલ્મના ડેવલપર તરીકે, બેન્ઝાઇલ એસ્ટર તથા ઈથરના મધ્યસ્થી (intermediate) પદાર્થ તરીકે, નાયલૉન તંતુને તેમજ કાપડ અને પ્લાસ્ટિકની ચાદરોને રંગવા માટે, પૉલિઇથિલીન ફિલ્મને ગરમી વડે ચુસ્ત બંધ કરવા (heat sealing) માટે, સૌંદર્યપ્રસાધનો તથા મલમોમાં, કેટલાક પાયસોમાં, બૉલ-પૉઇન્ટ પેનની અને સ્ટેન્સિલની શાહીમાં પણ વપરાય છે. દ્રાવક તરીકે તે કેટલાક રંગો (dyestuffs), સેલ્યુલોઝ એસ્ટર, મીણ, શલ્કલાખ (shellac), સરેશ, કેસીન (ગરમ હોય ત્યારે) વગેરેને ઓગાળવા વપરાય છે.

સંજય શાહ