બેન્ઝોઇન : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટાયરેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Styrax benzoin Dry (હિં., મ., બં., ગુ., લોબાન; અં. benzoin tree) છે. તે લગભગ 12 મી. સુધીની ઊંચાઈ ધરાવતો ક્ષુપ અથવા વૃક્ષ છે અને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઈસ્ટ ઇંડિઝનું મૂલનિવાસી છે. તેનાં પર્ણો અંડાકાર-લંબચોરસ (ovate–oblong) કે અંડાકાર-ભાલાકાર (ovate–lanceolate) હોય છે. પુષ્પો કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં અને રોમિલ હોય છે. તેનાં ફળ પ્રાવર પ્રકારનાં અને દ્વિબીજમય હોય છે. વૃક્ષના થડ પર 6થી 7 વર્ષથી શરૂ કરી 20 વર્ષ સુધી વર્ષમાં ત્રણથી ચાર વાર ત્રિકોણાકાર કાપા મૂકી કાષ્ઠ ખુલ્લું કરવામાં આવે છે; તેમાંથી અઠવાડિયામાં રાળ(resin)નો સ્રાવ થાય છે. બીજી વારના કાપામાંથી નીકળતો દૂધિયા રંગનો સ્રાવ ઔષધ તરીકે વપરાય છે. તેને બેન્ઝોઇન બદામ કહે છે. બધા સ્રાવોને યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરી બેન્ઝોઇન બનાવવામાં આવે છે.
B. benzoin કે S. paralleloneurum Perk.માંથી પ્રાપ્ત કરેલા બેન્ઝોઇનને સુમાત્રા બેન્ઝોઇન અને S. tonkinensis. Craib ex Hartwichને સિયામ બેન્ઝોઇન કહે છે. તે અસ્થાયી, અપારદર્શક, કઠણ, સફેદ અથવા લાલ સ્રાવનો બનેલો હોય છે. તે લાલ તપખીરી દ્રવ્યમાં સંવૃત છે. કેટલીક વાર તેને લાકડાના ટુકડા કે કોલોફોની ચોંટેલાં હોય છે. ભગ્ન સપાટી અસમ હોય છે. બેન્ઝોઇનની વાસ બાલ્ઝામિક અને રુચિકર હોય છે. સ્વાદ તીખો હોય છે. બેન્ઝોઇનમાં મુખ્ય રાસાયણિક ઘટક બાલ્ઝામિક ઍસિડો (આશરે 20 %) છે. તેમાં સિનેમિક ઍસિડ આશરે 11 % અને બેન્ઝોઇક ઍસિડ આશરે 9 % હોય છે. આ ઉપરાંત તેમાં સિયારેઝિનૉલિક ઍસિડ અને સુમારેઝિનૉલિક ઍસિડ અને તેમના એસ્ટર હોય છે. વેનિલિન, સ્ટાયરોલ અને ફિનિલ પ્રોપિન સિનામેટ છે, જે સુવાસ આપે છે.
સિયામ બેન્ઝોઇન S. tonkinensisના છેદ કરેલા પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે. તે થાઇલૅન્ડ, ઉત્તર લાઓસ અને ઉત્તર વિયેટનામમાંથી મેળવવામાં આવે છે. તેમાં મુખ્યત્વે કોનિફેરિલ બેન્ઝોએટ, મુક્ત બેન્ઝોઇક ઍસિડ અને સિયારેઝિનોલિક ઍસિડ છે. વળી વેનિલિન, સિનેમિલ બેન્ઝોએટ અને સિયારેઝિનોટેનોલ છે.
બેન્ઝોઇન(લોબાન)નો ઉપયોગ જંતુરોધક અને કફોત્સારક તરીકે થાય છે. તે બેન્ઝોઇનેટેડ ચરબી બનાવવામાં પણ વપરાય છે. ટિંક્ચર બેન્ઝોઇન કમ્પાઉન્ડમાં તે જંતુનાશક તરીકે, ઘા રૂઝવવા માટે, ઉધરસમાં તથા શ્વાસની તકલીફમાં નાસ લેવામાં ઉપયોગી છે. બેન્ઝોઇન ધૂપ કરવામાં તથા અગરબત્તીની બનાવટમાં વપરાય છે. તે મૂત્રવર્ધક (diuretic), તથા વાતહર (carminative) છે. પશુઓને પડેલાં ચાંદાં વગેરે માટે પણ તે ઉપયોગમાં લેવાય છે. વાર્નિશ તથા પ્લાસ્ટિકની જલસહ (waterproof) સ્તરિત (laminated) ચાદરો બનાવવા પણ તે વપરાય છે.
કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ