બેન્ઝાલ્ડિહાઇડ (બેન્ઝોઇક આલ્ડિહાઇડ) : કડવી બદામનું તેલ. રંગવિહીન, બાષ્પશીલ, કડવી બદામ જેવી વાસવાળું તૈલી પ્રવાહી. અણુસૂત્ર C6H5CHO; બંધારણીય સૂત્ર
અણુભાર 106.12. તે 1803માં અલગ કરવામાં આવ્યું હતું. 1830માં લીબિગ અને વૉહલરે તેનું બંધારણ નક્કી કરેલું. તે કડવી બદામના મીજ(kernel)માં, ચેરી, પીચ તથા ચેરી લૉરેલ(laurel)નાં પાન વગેરેમાં એમિગ્ડેલિન નામના ગ્લાયકોસાઇડ સ્વરૂપે મળી આવે છે. આનું મંદ ઍસિડ વડે જળવિભાજન કરતાં તે મુક્ત બને છે. કડવી બદામમાં તે એમિગ્ડેલિનના ઉત્સેચકીય વિઘટન દ્વારા મુક્ત સ્વરૂપે મળી આવે છે.
તેનું સંશ્લેષણ બેન્ઝાલ ક્લોરાઇડ અને ચૂનામાંથી; બેન્ઝાઇલ આલ્કોહૉલના નાઇટ્રિક ઍસિડ વડે ઑક્સિડેશન દ્વારા; કૅલ્શિયમ બેન્ઝોએટ અને કૅલ્શિયમ ફૉર્મેટના મિશ્રણના નિસ્યંદનથી; કાર્બન ડાઇસલ્ફાઇડમાં ઓગાળેલા ટોલ્યુઈન સાથે ક્રોમિયમ ઑક્સિ-ક્લોરાઇડની પ્રક્રિયાથી કરી શકાય છે.
ઔદ્યોગિક રીતે તેને ટોલ્યુઈનમાંથી પ્રથમ તેનું બેન્ઝાઇલ ક્લોરાઇડમાં રૂપાંતર કરી અને ત્યારબાદ તેને લેડ નાઇટ્રેટ સાથે ગરમ કરીને મેળવાય છે.
C6H5CH2Cl + Pb(NO3)2 = 2NO2 + PbCl·OH + C6H5CHO
અથવા ટોલ્યુઈનનું બેન્ઝિલિડિન ક્લોરાઇડ (C6H5CHCl2)માં રૂપાંતર કરી તેની દબાણ હેઠળ જલીય કૅલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને પણ મેળવાય છે.
C6H5CHCl2+Ca(OH)2 = CaCl2 + C6H5CHO + H2O
ટોલ્યુઈનનું ઍસિડની હાજરીમાં જુદા જુદા ધાત્વીય ઑક્સાઇડ (જેવા કે મૅંગેનીઝ ડાયૉક્સાઇડ, સિરિક ઑક્સાઇડ, નિકલ અને કોબાલ્ટના પેરૉક્સાઇડ) સાથે સીધું ઑક્સિડેશન કરતાં શુદ્ધ બેન્ઝાલ્ડિહાઇડ મળે છે, જે ક્લોરિનયુક્ત વ્યુત્પન્નોની અશુદ્ધિથી મુક્ત હોય છે.
બેન્ઝીન ઉપર કાર્બન મોનૉક્સાઇડ (CO) તથા હાઇડ્રોક્લોરિક ઍસિડ(HCl)ના મિશ્રણ વડે (H.CO.Cl તરીકે) ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી પણ તે મેળવી શકાય (ગેટરમેન પ્રક્રિયા).
બેન્ઝાલ્ડિહાઇડ પ્રબળપણે વક્રીભવની (strongly refractive) (વક્રીભવનાંક, 1.5440થી 1.5464) છે. તેને રાખી મૂકતાં તે પીળાશ પડતું બને છે. તેનું ઠારબિંદુ – 56° સે. અને ઉત્કલનબિંદુ 179.1° સે. છે. પાણીમાં તે થોડુંક દ્રાવ્ય છે. જ્યારે આલ્કોહૉલ, ઇથર વગેરે સાથે મિશ્ર થઈ જાય છે. વરાળ સાથે તેનું ઝડપથી બાષ્પનિસ્યંદન થાય છે. બેન્ઝાલ્ડિહાઇડ ઝડપથી ઉપચયન પામી બેન્ઝોઇક ઍસિડમાં ફેરવાય છે. આથી તેને હવાચુસ્ત અને પ્રકાશ ન મળે તેવાં પાત્રોમાં રાખવામાં આવે છે.
તે આલ્ડિહાઇડના તમામ લાક્ષણિક ગુણધર્મો ધરાવે છે, જેમ કે તે બેન્ઝોઇક ઍસિડમાં ઝડપી ઑક્સિડેશન પામે છે; સિલ્વરક્ષારનું રિડ્ક્શન કરે છે; તે હાઇડ્રોજન, હાઇડ્રોસાયનિક ઍસિડ અને સોડિયમ બાઇસલ્ફાઇડ સાથે યોગશીલ નીપજો આપે છે; તે ઑક્ઝાઇમ અને હાઇડ્રેઝોન બનાવે છે. બીજી તરફ તે એલિફેટિક આલ્ડિહાઇડ કરતાં ઘણી બાબતોમાં જુદું પડે છે; જેમ કે, તે એમોનિયા સાથે યોગશીલ નીપજ બનાવતો નથી, પણ તેની સાથે જોડાઈને હાઇડ્રોબેન્ઝામાઇડ (C6H5CH)3N2 બનાવે છે; તેને આલ્કોહૉલિક પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ સાથે હલાવતાં એકસાથે તે ઑક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અનુભવી પોટૅશિયમ બેન્ઝોએટ અને બેન્ઝાઇલ આલ્કોહૉલ આપે છે (S. Cannizzaro, 1881); તેને આલ્કોહૉલિક પોટૅશિયમ સાયનાઇડ સાથે ગરમ કરતાં તે સંઘનન પામી બેન્ઝોઇન C6H5CH(OH)COC6H5 આપે છે.
તે રંગકો માટે રાસાયણિક મધ્યવર્તીઓ (intermediates), સોડમકારક (flavoring) દ્રવ્યો, અત્તરો અને ઍરોમેટિક આલ્કોહૉલ બનાવવામાં વપરાય છે. વિવિધ તેલ, રેઝિન, સેલ્યુલોઝ-ઇથર, સેલ્યુલોઝ એસિટેટ અને નાઇટ્રેટ જેવા કેટલાક પદાર્થો માટે તે દ્રાવક તરીકે પણ વપરાય છે. તે સિનેમિક ઍસિડ, બેન્ઝોઇક ઍસિડ, મૅન્ડેલિક ઍસિડ, ઔષધીય બનાવટો તથા ફોટોગ્રાફી માટેનાં દ્રવ્યોમાં પણ વપરાય છે.
તે પ્રબળપણે વિષાળુ (highly toxic) છે.
સંજય શાહ