બેથર્સ્ટ : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં મધ્ય ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 33° 20´ દ. અ. અને 149° 35´ પૂ. રે. સિડનીથી 210 કિમી. અંતરે પશ્ચિમ તરફ આવેલું આ શહેર મૅક્વેરી નદીના દક્ષિણ કાંઠા પરના ફળદ્રૂપ મેદાની ભાગમાં વસેલું છે. અહીંની ગોચરભૂમિ રાજ્યભરમાં સારામાં સારી ગણાય છે. સંગૃહીત ખાદ્ય ચીજોના ડબાઓ ઉપરાંત અહીં ફળો તથા શાકભાજી પર પ્રક્રિયા કરીને અહીંનાં કારખાનાંઓમાં તેના વાતશૂન્ય સીલબંધ ડબા તૈયાર થાય છે. અન્ય કારખાનાંઓમાં પગરખાં તેમજ ઇજનેરી માલસામાનનું ઉત્પાદન લેવાય છે. બેથર્સ્ટ અગત્યનું રેલમથક છે. ન્યૂ સાઉથ વેલ્સની ‘સેન્ટ્રલ મૅપિંગ ઑથોરિટી’નું વડું મથક પણ અહીં આવેલું છે. આ શહેર તેમજ જિલ્લો શૈક્ષણિક સુવિધાઓ માટે જાણીતાં બનેલાં છે. ઉચ્ચ શિક્ષણની એક કૉલેજ પણ અહીં આવેલી છે. બેથર્સ્ટ 1815માં સ્થપાયેલું છે. 1851માં આ સ્થળની નજીકમાં સોનાની ખાણો મળી આવેલી તે પછીથી આ શહેર વિકસતું ગયેલું છે.

બેથર્સ્ટ નામ ધરાવતાં બીજાં બે નગરો એક પશ્ચિમ આફ્રિકાના ગામ્બિયામાં ઍટલાન્ટિકને કિનારે ગામ્બિયા નદીમુખ પર (13° 10´ દ. અ. અને 16° 50´ પ. રે.) તથા બીજું કૅનેડાના ન્યૂ બ્રુન્સવિકમાં (47° 37´ ઉ. અ. અને 65° 49´ પૂ. રે.) આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા