બેથર્સ્ટ ટાપુ : ઑસ્ટ્રેલિયાના નૉધર્ન ટેરિટરી રાજ્યના ઉત્તર કિનારા પરના ડાર્વિન બંદરથી વાયવ્યમાં આશરે 70 કિમી. અંતરે તિમોર સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 11° 30´ દ. અ. અને 130° 10´ પૂ. રે. તદ્દન નજીક પૂર્વ તરફ આવેલા મૅલવિલે ટાપુથી આ ટાપુને અલગ પાડતી 1.5 કિમી. પહોળી આપ્સલે  સામુદ્રધુની આવેલી છે. આ ટાપુ આશરે 70 કિમી. લાંબો અને 55 કિમી. પહોળો છે. આખોય ટાપુ આદિવાસીઓના અનામત સ્થળ જેવો છે. અહીં વસતા આશરે એક હજાર લોકો પૈકી મોટાભાગના તીવી જાતિના આદિવાસીઓ છે. 1911માં રોમન કૅથલિક ધર્મગુરુ એફ. એક્સ. ગ્સેલે આ ટાપુના પૂર્વ તરફના છેડા પર એક ધર્મપ્રચાર-મથક સ્થાપેલું.

ગિરીશભાઈ પંડ્યા