બેતુલ : મધ્યપ્રદેશના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 52´ ઉ. અ. અને 77° 56´ પૂ. રે.ની આજુબાજુનો 10,043 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે વાયવ્ય અને પશ્ચિમે હોશંગાબાદ જિલ્લો, પૂર્વમાં છિંદવાડા જિલ્લો, દક્ષિણમાં મહારાષ્ટ્રનો અમરાવતી જિલ્લો તથા પશ્ચિમમાં અમરાવતી અને પૂર્વનિમાડ જિલ્લાઓ આવેલા છે. જિલ્લાનું નામ જિલ્લામથક બેતુલ (હવે તે ત્યાંથી 5 કિમી. અગ્નિકોણમાં આવેલા બેતુલ-બઝાર નામથી ઓળખાય છે.) પરથી પડેલું છે. આજનું બેતુલ અગાઉ ‘બદનૂર’ નામથી ઓળખાતું હતું. જિલ્લામથકનું સ્થાન 1822માં બેતુલ ખાતે ખસેડાયેલું.

ભૂપૃષ્ઠ : જિલ્લાની દક્ષિણ સરહદ પરના ઘાટની નીચેનાં થોડાંક ગામોને બાદ કરતાં જિલ્લાનો બાકીનો લગભગ બધો જ ભાગ સાતપુડા ઉચ્ચપ્રદેશમાં આવેલો છે. ભૂપૃષ્ઠ-રચનાની ર્દષ્ટિએ જોતાં, આ જિલ્લો મધ્યસ્થ ઉચ્ચપ્રદેશ છે અને ટેકરીઓ તથા જંગલોથી ઘેરાયેલો છે. આ ટેકરીઓ અને જંગલોનો પ્રદેશ ઉત્તર તરફ પહોળો જ્યારે પૂર્વ અને દક્ષિણ તરફ સાંકડો વિભાગ રચે છે. જિલ્લાને મુખ્ય ત્રણ કુદરતી વિભાગોમાં વહેંચેલો છે : (1) રેતીખડકોથી બનેલો ઉત્તર વિભાગ, (2) ટ્રૅપ-ખડકોથી બનેલો મધ્યસ્થ ઉચ્ચપ્રદેશ અને (3) દક્ષિણનો પહાડી વિભાગ. જિલ્લામાંથી જ નીકળતી પૂર્વ તરફ વહેતી બેલ નદી અને પશ્ચિમ તરફ વહેતી મચના નદી જિલ્લાના નાના-મોટા બે વિભાગો રચે છે : રેતીખડકોથી બનેલો ઉત્તરતરફી 2 વિભાગ અને દક્ષિણ તરફનો ટ્રૅપરચિત B વિભાગ. સાતપુડાની મુખ્ય હારમાળા જિલ્લાના ઈશાન ખૂણે ઉત્તરવિભાગીય રેતીખડકોમાં આવી જાય છે. પૂર્વ તરફ રાણીપુરનો નાનો ખીણભાગ આવેલો છે. ત્યાંથી જંગલો સાફ કરી નાખવામાં આવેલાં છે. ત્યાંની જમીન ઘઉંના પાક માટે ખૂબ જ માફક આવે છે. ઉત્તરના રેતીખડકોની અડધી ભૂમિ હારમાળાથી આવરી લેવાયેલી હોવાથી ખેતી માટે ઉપયોગી બની શકતી નથી. અહીંની ટેકરીઓની વચ્ચે વચ્ચે આવેલા ચાર ખીણપ્રદેશોમાંથી નાનાં નાનાં નદીનાળાં વહે છે ત્યાં રેતાળ જમીનો તૈયાર થયેલી છે, પરંતુ તે ખેડાણને યોગ્ય નથી; તેમ છતાં ત્યાં આછીપાતળી ખેતી થાય છે ખરી. બેલ નદીની ખીણનાં ઉત્તરતરફી ગામડાંની જમીનો શેરડી અને ઘઉંને માફક આવે છે.

બેતુલ જિલ્લો (મધ્યપ્રદેશ)

મધ્યનો ઉચ્ચપ્રદેશ બેલ–મચના નદીઓની દક્ષિણ તરફ આવેલો છે, જે દક્ષિણ દિશામાં ટેકરીઓનો એક પટ્ટો રચે છે. આ ઉચ્ચપ્રદેશના દક્ષિણ ભાગમાં તાપી નદીની ખીણ કોતરનું ભૂમિલક્ષણ બનાવે છે. બેલ નદીથી દક્ષિણ તરફનો બધો જ ઉચ્ચપ્રદેશીય ભાગ અસમતળ છે. ઉચ્ચપ્રદેશ પર બહુ જંગલો નથી. ઊંચાણવાળા ભાગો હલકી પહાડી જમીનોવાળા છે, પરંતુ ખીણભાગો ઓછીવત્તી ફળદ્રૂપ કાળી જમીનો ધરાવે છે, તેથી ત્યાં ઘઉં અને શેરડી ઉગાડી શકાય છે. અહીં આંબાનાં ઝાડનાં ઝુંડ સિવાય અન્ય કોઈ વૃક્ષો જોવા મળતાં નથી. આ ઉચ્ચપ્રદેશીય ભાગમાં બે વિસ્તારો ખૂબ જ ફળદ્રૂપ ગણાય છે :

(1) બેતુલ નગરની આસપાસનાં લગભગ 50 જેટલાં ગામોને આવરી લેતો નાનો મેદાની વિભાગ; (2) મુલતાઈ તાલુકાથી દક્ષિણમાં અંભોરા અને તાપીની ખીણોના ભાગો. મેદાની ભાગો કાળી જમીનોવાળા છે. મુલતાઈ નગર નજીક પૂર્વ તરફના ભાગોની ઊંચાઈ 120 મીટર જેટલી છે, પરંતુ ત્યાંથી દક્ષિણ અને પશ્ચિમ તરફનો ભાગ નીચાણવાળો છે. અહીંની ઉચ્ચપ્રદેશીય ભૂમિ અસમતળ અને પથરાળ છે તથા સાંકડી ખીણોથી ભેદાયેલી છે. આખાય ઉચ્ચપ્રદેશમાં જળપુરવઠો ઓછી ઊંડાઈએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. બેતુલ નજીકનાં ગામડાંઓમાં કૂવાઓનું પ્રમાણ પણ ઘણું છે. તાપીની દક્ષિણે ભેંનોદેહી અને અથનૂરની ખીણ પણ ફળદ્રૂપ છે. 9થી 16 કિમી. પહોળી આ ખીણમાં ઘઉંના વાવેતર માટેની જમીનો તૈયાર થયેલી છે. (3) દક્ષિણની ટેકરીઓ : અહીંના ઉત્તર વિભાગને બાદ કરતાં બાકીની બધી બાજુઓ ટ્રૅપની ટેકરીઓથી ઘેરાયેલી છે. તે સાતપુડાની દક્ષિણ હારમાળા રચે છે અને વરાડ સુધી વિસ્તરેલી છે. પૂર્વ તરફની ટેકરીઓના સાંકડા પટ્ટાના ઊંડા કોતરમાં થઈને વર્ધા નદી પસાર થાય છે. દક્ષિણ તરફના પૂર્વ છેડા પરનો પહાડી પટ્ટો સાંકડો છે, જે પશ્ચિમ તરફ જતાં પહોળો બને છે. નૈર્ઋત્ય તરફ આ પટ્ટો ઉત્તર–દક્ષિણ 24 કિમી. જેટલો પહોળો બની રહે છે. અહીં ટેકરીઓના ઢોળાવો સીધા છે, ખીણો સાંકડી છે અને મથાળાના ભાગ સપાટ તેમજ પહોળા છે. પશ્ચિમ તરફના ખામલા ઉચ્ચપ્રદેશના પહોળા શિરોભાગ પર દસથી પંદર જેટલાં ગામ પણ વસેલાં છે. અહીંની છીછરી જમીનોમાં જુવારનું વાવેતર થાય છે.

ઉચ્ચપ્રદેશની સરેરાશ ઊંચાઈ આશરે 600 મીટર જેટલી છે. તેનો સામાન્ય ઢોળાવ પૂર્વથી પશ્ચિમ તરફનો છે. મેદાની ભાગની ઊંચાઈ ઉત્તર અને વાયવ્ય તરફ 450 મીટરની છે. બેતુલ ઉચ્ચપ્રદેશ 657 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે. મુલતાઈ ઉચ્ચપ્રદેશ તેનાથી 120 મીટર વધુ ઊંચો છે. પશ્ચિમ તરફ વહેતી તાપી અને દક્ષિણ તરફ વહેતી વર્ધાના જળવિભાજક પર, મુલતાઈ નગર 677 મીટરની ઊંચાઈ પર વસેલું છે. અહીંથી આ ઉચ્ચપ્રદેશ દક્ષિણ તરફના ઢોળાવવાળો બને છે, પરંતુ જિલ્લાનાં સર્વોચ્ચ સ્થાનો નૈર્ઋત્યની ટેકરીઓમાં છે. આંતરમાલ ગામ 1062 મીટરની ઊંચાઈ પર છે, જ્યારે ખામલા ઉચ્ચપ્રદેશની ઊંચાઈ 1,137 મીટર જેટલી છે.

જળપરિવાહ : ગોદાવરીને મળતી વૈનગંગાની શાખાનદીઓ બેલ અને વર્ધાને બાદ કરતાં જિલ્લાની અન્ય નદીઓ નર્મદા કે તાપીને મળે છે. જિલ્લાનો ઉત્તર તરફનો અડધો ભાગ પશ્ચિમ તથા ઉત્તર તરફ વહેતી નર્મદાને મળતી નદીઓથી બનેલો છે. તાપી મુલતાઈ વિભાગના જળાશયમાંથી નીકળતી હોવાનું કહેવાય છે, પરંતુ તેનો મૂળસ્રોત તો ત્યાંથી ત્રણ કિમી. જેટલો દૂર છે. અહીંથી પશ્ચિમ તરફ વહેતી તાપીને ઉત્તર તરફથી આવતી છોટા તવા તથા દક્ષિણમાંથી આવતી અંભોરા મળે છે. આ બધી નદીઓ દ્વારા ફળદ્રૂપ જમીનોવાળા ખીણભાગો તૈયાર થયા છે.

જિલ્લાની મુખ્ય નદી તવા છે, જિલ્લામાં તે આશરે 67 કિમી. જેટલા અંતર માટે વહીને નર્મદાને મળે છે. અન્ય શાખાનદીઓમાં મચના, સાંપના અને મોરાન્ડનો સમાવેશ થાય છે. વર્ધા નદી તાપીના મૂળ નજીકથી જ નીકળે છે. બેલ નદી જિલ્લામાં આશરે 36 કિમી.ના અંતરમાં વહે છે.

જંગલો : આ જિલ્લામાં સાગ, ટીનસા અને વાંસનાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે. અન્ય વૃક્ષોમાં ધૌરા, સાલેહ, હાલ્દુ, સીસમ (રોઝવુડ), રોહન, ટેન્ડુ, સીમર, ગનિયાર, પડાર, પાંગરા, કુસુમ, કાંચનાર, મહારુખ, શિરીષ, કોહા, જાંબુ, કરંજ અને ખીરનીનો સમાવેશ થાય છે. ઉપયોગી પેદાશો આપતાં વૃક્ષોમાં મહુડો, પલાશ, હારા, અચર, ભીલાવાન અને ઔનલા છે; આ પૈકીનાં કેટલાંક વૃક્ષો ખાદ્ય ફળોની ઊપજ આપે છે. ગામડાંની નજીકના ખુલ્લા ભાગોમાં મહુડો, આંબો, બાવળ, બોરડી અને લીમડો વધુ જોવા મળે છે.

ખેતી : જિલ્લામાં 4,76,400 હેક્ટર જેટલા ખેતીયોગ્ય વિસ્તાર પૈકી 4,07,400 હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. ખેતીયોગ્ય ભૂમિના આશરે 13% ભાગને મુખ્યત્વે કૂવાઓ દ્વારા સિંચાઈની સગવડ મળે છે. ઘઉં, જુવાર, બાજરો, ડાંગર, મગફળી અને ચણા અહીંના મુખ્ય કૃષિપાકો છે. ગાયો અને ભેંસો જિલ્લામાં જોવા મળતાં મુખ્ય પાલતુ પશુઓ છે.

ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાં મોટા પાયા પરના ઉદ્યોગો વિકસ્યા નથી. બે તેલમિલો અને લાટી અહીંના આગળ પડતા એકમો છે. ઈંટો, નળિયાં અને માટીનાં વાસણો અહીંની મુખ્ય પેદાશો ગણાય છે. આ જિલ્લામાં અનાજ અને કઠોળનો જથ્થાબંધ વેપાર થાય છે. ગોળ, તેલીબિયાં તથા તમાકુની બનાવટોનું વેચાણ પણ થાય છે. સાગ અને અન્ય લાકડાં તથા જંગલની પેદાશોની જિલ્લા બહાર નિકાસ કરવામાં આવે છે.

પરિવહન-પ્રવાસન : જિલ્લામાં રેલમાર્ગોનું પ્રમાણ ઓછું છે. દિલ્હી-ચેન્નઈ ગ્રાન્ડ ટ્રન્ક રેલમાર્ગ અહીંથી પસાર થાય છે, બેતુલ, અમલા અને મુલતાઈ તેના પરનાં મુખ્ય રેલમથકો છે. એક અન્ય રેલમાર્ગ અમલા નગરથી છિંદવાડા જિલ્લાના કોલસાનગર પરસિયાને જોડે છે. મુલતાઈ તાલુકાના ઉત્તર ભાગને આ રેલવેનો લાભ મળે છે. ભેંનોદેહી તાલુકામાં રેલવેની કોઈ સગવડ નથી. બેતુલ નગર જિલ્લામાંથી પસાર થતા સડકમાર્ગોનું મુખ્ય મથક છે, તે ઈટારસી–હોશંગાબાદ, છિંદવાડા, અમરાવતી, અકોલાના અચલપુર તથા નાગપુર સાથે સડકમાર્ગોથી સંકળાયેલું છે. જિલ્લામથક બેતુલ નાના નાના માર્ગોથી પણ જુદાં જુદાં ગામડાંઓ સાથે જોડાયેલું છે. જિલ્લામાં પ્રવાસયોગ્ય સ્થાનો આવેલાં નથી. અહીં હોળી અને શિવરાત્રિ જેવા તહેવારો ઊજવાય છે તથા ગુરુસાહેબનો મેળો, તાપીનો મેળો, માલજપુર મેળો, મેઘનાથ મેળો, છાવલનો તેમજ નરેડાનો મેળો ભરાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 11,81,501 જેટલી છે, તે પૈકી 6,00,935 પુરુષો અને 5,80,566 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 9,61,551 અને 2,19,950 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિંદુઓ : 11,36,034; મુસ્લિમો : 27,878; ખ્રિસ્તી : 3,116; શીખ : 946; બૌદ્ધ : 9,547, જૈન : 3,183; અન્ય ધર્મી 168  તથા ઇતર 629 જેટલા છે. જિલ્લામાં હિન્દી, બંગાળી, મરાઠી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. 1991 મુજબ, શિક્ષિતોની સંખ્યા 4,30,720 છે; તે પૈકી 2,74,644 પુરુષો અને 1,56,076 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ ત્યાંની કુલ વસ્તી મુજબ અનુક્રમે 37 % અને 70 % જેટલું છે. જિલ્લામાં 1,242 પ્રાથમિક, 252 માધ્યમિક અને 68 ઉચ્ચ/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ; 6 કૉલેજો તથા 3 વ્યાવસાયિક શિક્ષણ-સંસ્થાઓ છે. મુખ્ય નગરો ઉપરાંત 111 ગામડાંઓમાં તબીબી સેવાઓ ઉપલબ્ધ છે. જિલ્લાને વહીવટી સરળતા માટે ચાર (બેતુલ, શાહપુર, મુલતાઈ અને ભેંનોદેહી) તાલુકાઓ તથા 10 સમાજ-વિકાસ ઘટકોમાં વહેંચી નાખવામાં આવેલો છે. જિલ્લામાં 6 નગરો તેમજ 1406 (78 વસ્તીવિહીન) ગામડાંઓ આવેલાં છે.

ઇતિહાસ (બેતુલ જિલ્લો) : ઇતિહાસ-અભિલેખોના આધારે જાણવા મળે છે કે ઈસવી સનની સાતમી સદીમાં આ પ્રદેશ પર રાષ્ટ્રકૂટ વંશના નન્ના રાજાની સત્તા હતી. તેનું પાટનગર માલખેડમાં હતું. દસમી સદી સુધી રાષ્ટ્રકૂટોનું વર્ચસ મુલતાઈના ઉચ્ચપ્રદેશ ઉપર હતું. આ જિલ્લાના કેટલાક પ્રદેશો માળવાના રાજાઓની સત્તા હેઠળ હતા. બેતુલની પાસે આવેલા ખેરલાનો રાજા જેતપાલ તેરમી સદીમાં રાજ્ય કરતો હતો. તે રાજપુર વંશનો છેલ્લો રાજા હતો. જેતપાલ દ્વારા એક ફકીરનું મૃત્યુ થવાથી તેનો બદલો લેવા દિલ્હીના મુસ્લિમ સુલતાનના સેનાપતિ રહેમાન શાહદુલ્લાએ ખેરલા પર ચડાઈ કરી. રાજાએ બાર વરસ તેનો સામનો કર્યો અને ત્યારબાદ શરણાગતિ સ્વીકારી.

ફરિશ્તા જણાવે છે કે ખેરલાના રાજા નરસિંહરાય વિપુલ સંપત્તિ અને સત્તા ધરાવતો હતો. ગોંદવાણાની ટેકરીઓ સહિત અન્ય પ્રદેશો તેની સત્તા હેઠળ હતા. બહમની રાજ્યની સત્તા હેઠળના વરાડ ઉપર 1398માં નરસિંહરાયે ચડાઈ કરી. બહમની સુલતાન ફિરોઝશાહ વિજયનગરના રાજા સામેની લડાઈમાં રોકાયેલ હોવાથી, નરસિંહરાયને શરૂમાં સફળતા મળી, પરંતુ પાછળથી તેનો પરાજય થયો. તેણે બહમની રાજ્યનું આધિપત્ય સ્વીકારવું પડ્યું. માળવાના હુશંગશાહે ખેરલા પર બે વાર ચડાઈ કરી; પરંતુ તેને પાછો હઠાવવામાં આવ્યો. 1426માં ત્રીજી વારની ચડાઈ થઈ ત્યારે નરસિંહરાયે બહમની સુલતાન અહમદશાહની મદદ લીધી અને હુશંગશાહને હરાવીને પાછો કાઢ્યો. 1433માં હુશંગશાહે ફરી વાર ખેરલા પર ચડાઈ કરીને નરસિંહરાયને મારી નાખ્યો. ત્યારબાદ ખેરલાનો પ્રદેશ માળવાના રાજ્ય હેઠળ ગયો.

અકબરે 1560માં માળવા કબજે કર્યું. 1596માં મુઘલોના વરાડ પ્રાંતમાં આવેલા સરકાર(જિલ્લા)નું મુખ્યમથક ખેરલા હતું. તેમાં હાલના બેતુલ જિલ્લાના ઘણા પ્રદેશોનો સમાવેશ થતો હતો. મુઘલોના પતન બાદ ખેરલા સરકાર (જિલ્લો) દેવગઢના ગોંદ રાજા બખ્ત બુલંદના કબજામાં અને 1743માં નાગપુરના મરાઠા સરદાર રઘુજી ભોંસલેના કબજામાં આવ્યો. મરાઠા સરદારે મુખ્યમથક બેતુલમાં રાખ્યું. આ પ્રદેશ 1818માં અંગ્રેજોને મળ્યો ત્યાં સુધી ભોંસલેની સત્તા હેઠળ રહ્યો. 1857ના વિપ્લવમાં અહીં કોઈ નોંધપાત્ર બનાવો બન્યા નહોતા. 1947માં દેશને સ્વતંત્રતા મળી ત્યાં સુધી બ્રિટિશ તાજની સત્તા હેઠળ તે પ્રદેશ રહ્યો.

ગિરીશભાઈ પંડ્યા