બેથે, હાન્સ આલ્બ્રેક્ટ

January, 2000

બેથે, હાન્સ આલ્બ્રેક્ટ (જ. 2 જુલાઈ 1906, સ્ટ્રાસબર્ગ, જર્મની) : 1967ના વર્ષના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પારિતોષિકવિજેતા. આ પારિતોષિક તેમને તેમના ન્યૂક્લિયર પ્રક્રિયાઓના સિદ્ધાંતના પ્રદાન માટે મળ્યું હતું – વિશેષત: તારાઓમાં ઉત્પન્ન થતી ઊર્જા અંગેની તેમની શોધ માટે. બેથે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. મ્યૂનિક યુનિવર્સિટીમાંથી 1928માં પીએચ.ડીની ઉપાધિ મેળવી અને મ્યૂનિક તથા ટ્યુબિગેનમાં

હાન્સ આલ્બ્રેક્ટ બેથે

1933 સુધી ભૌતિકશાસ્ત્ર ભણાવ્યું. 1939માં રોઝ ઇવૉલ્ડ સાથે તેમણે લગ્ન કર્યું હતું. તેમને એક પુત્ર હતો. 1934માં ન્યૂયૉર્કની કૉર્નેલ યુનિવર્સિટીની ભૌતિકશાસ્ત્રની વિદ્યાશાખામાં જોડાયા. સમરફિલ્ડ, રૂધરફર્ડ અને ફર્મી જેવા મહાન ભૌતિકશાસ્ત્રીઓના હાથ નીચે તેમણે કામ કર્યું. તારાઓમાં ઊર્જા-ઉત્પત્તિ માટે જવાબદાર હોય એવી નાભિકીય ક્રિયાવિધિઓ(nuclear mechanisms) – એ તેમનું વિજ્ઞાન પ્રત્યેનું ખાસ પ્રદાન હતું. મેક્સિકોના લૉસ ઍલ્મોસ પરમાણુ-બૉંબ બનાવવાના ‘મૅનહટન પ્રોજેક્ટ’ના નિયામક તરીકે તેમણે સેવાઓ આપી અને બીજા વિશ્વયુદ્ધ પછી ન્યૂક્લિયર શસ્ત્રો દ્વારા રહેલ વિશ્વશાંતિના ભયને અનુલક્ષીને તેમજ તેના પ્રસાર ઉપરના નિયંત્રણ બાબતે વ્યાખ્યાનો આપ્યાં. 1954માં તેઓ અમેરિકન ફિઝિકલ સોસાયટીના પ્રમુખ તરીકે ચૂંટાયા. બેથેનું ઘણુંબધું પ્રદાન સ્ફટિકની ઇલેક્ટ્રૉનિક ઘનતા, નાભિકીય બંધારણ, ઘન-અવસ્થા (solid-state) ન્યૂક્લિયર રિઍક્ટરનો સિદ્ધાંત અને પ્રઘાતી તરંગો (shock-waves) સંબંધે હતું. 1961માં તેમને ‘ફર્મી ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા.

એરચ મા. બલસારા