બેડે, વિલ્હેલ્મ હેન્રિક વૉલ્ટેર (જ. 1893; અ. 1960) : જર્મનીમાં જન્મેલ અને અમેરિકાનું નાગરિકત્વ સ્વીકારનાર ખગોળવિદ. તારકોનાં અસંખ્ય અવલોકનો અને અભ્યાસ કરીને તેમનું જુદા જુદા પ્રકારની સમષ્ટિ(population)માં વર્ગીકરણ કર્યું. બેડેના આ અભ્યાસયુક્ત કાર્યથી વિશ્વના વિસ્તાર અને વયનો અંદાજ કાઢી શકાયો.
બેડેએ જર્મનીના ગૉટિંગન(Gottingen)માં શિક્ષણ લીધું. ત્યારબાદ હેમ્બર્ગ યુનિવર્સિટીમાં 11 વર્ષ રહીને શિક્ષણ અને સંશોધનકાર્ય કર્યું. તે પછી તેમણે 1931માં યુ.એસ.માં સ્થળાંતર કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બેડેએ માઉન્ટ વિલ્સન અને પાલોમર વેધશાળામાં રહીને દેવયાની (Andromeda) તારાવિશ્વનો અભ્યાસ કર્યો. તેઓ જર્મનીમાંથી સ્થળાંતર કરીને આવેલ હોવાથી લશ્કરી સેવામાં જોડાઈ શક્યા નહિ.
તારાવિશ્વોના અભ્યાસ માટે 2.54 મીટર વ્યાસ ધરાવતા ના દૂરબીનનો ઉપયોગ કર્યો. બીજા વિશ્વયુદ્ધને કારણે લૉસ-એન્જેલસની આસપાસ સર્વત્ર અંધારપટ કરવામાં આવ્યો હતો. અંધારપટનો સૌથી વધારે ફાયદો બેડેને થયો. કાળા ડિબાંગ રાત્રિ-આકાશ(night sky)ને કારણે તારકોનું સ્પષ્ટ અને ઝીણવટપૂર્વક અવલોકન કરવાનું તેમના માટે શક્ય બન્યું. આકાશના ખગોલીય અભ્યાસ માટે પ્રકાશનું પ્રદૂષણ ઘણી વખત બાધક નીવડે છે. દેવયાની તારાવિશ્વમાં બે પ્રકારના તારકો જોવા મળ્યા : (1) તારા-વિશ્વની સર્પિલ ભુજામાં ઉષ્ણ, યુવાન અને વાદળી પ્રકાશ ધરાવતા તારકો, જેમને સમષ્ટિ–I (Population–I) તરીકે ઓળખાવાયા. (2) તારાવિશ્વના મધ્ય વિસ્તારમાંના વૃદ્ધ લાલ તારકો, જેમને સમષ્ટિ–II (Population–II) તરીકે ઓળખાવાયા. સમષ્ટિ–I અને સમષ્ટિ–II વચ્ચેના તફાવતની વિગત, તારાવિશ્વની ઉત્ક્રાંતિના મૂળભૂત સિદ્ધાંતો માટે પાયાની ગરજ સારે છે.
બેડેએ નિર્દેશિત કર્યું કે એન્ડ્રોમેડા તારાવિશ્વમાં નોંધાયેલ સિફાઇડ-(cepheid)રૂપ વિકારી તારકોને પણ બે વર્ગમાં વિભાજિત કરી શકાય છે. આ તારકોના આવર્તકાળ જ્યોતિ(period/luminosity)નો સંબંધ 30 વર્ષ પહેલાં લેવિટે (Leavitt) શોધી કાઢ્યો હતો અને તેમનાં અંતરોની ગણતરી કરીને શેપ્લે(Shapley)એ તેમની સંખ્યા નક્કી કરી. બેડેએ 1952માં બતાવ્યું કે લેવિટ અને શેપ્લેનો આવર્તકાળ / જ્યોતિ સંબંધ માત્ર સમષ્ટિ–I સિફાઇડ તારકો માટે સાચો છે. બેડેએ સમષ્ટિ–II સિફાઇડ તારકો માટે નવેસરથી સંબંધ તૈયાર કર્યો.
હબ્બલે 1920માં દેવયાની તારાવિશ્વનું અંતર માપવા માટે સિફાઇડ-રૂપવિકારી-ટૅકનિકનો ઉપયોગ કર્યો હતો. તે મુજબ આ તારાવિશ્વ 8,00,000 પ્રકાશવર્ષ દૂર છે. તેને આધારે વિશ્વની વય બે અબજ વર્ષ અંદાજાઈ. બેડેએ તૈયાર કરેલ નવા આવર્તકાળ / જ્યોતિ સંબંધને આધારે આ તારાવિશ્વનું અંતર 20,00,000 પ્રકાશવર્ષ મળે છે અને તે મુજબ વિશ્વની વય પાંચ અબજ વર્ષ થાય છે.
બેડેએ હિડાલ્ગો અને ઇકેરસ નામના બે લઘુગ્રહો(asteroides)ની શોધ કરી. આ ઉપરાંત અધિનવ તારા (super nova) ઉપર સંશોધન કર્યું અને રેડિયો-સ્રોતની પ્રકાશીય ઓળખ આપી.
પ્રહલાદ છ. પટેલ