બેડી : કચ્છના અખાતના દક્ષિણ કાંઠે, જામનગરથી વાયવ્યમાં 8 કિમી. દૂર, 22° 33´ ઉ. અ. અને 70° 02´ પૂ. રે. પર આવેલું મધ્યમ કક્ષાનું  બારમાસી બંદર અને ગામ. તે મુંબઈથી 632 કિમી. દૂર આવેલું છે. 200 કરતાં પણ વધુ વર્ષોથી તે બંદર તરીકે જાણીતું છે.

1924માં જામનગરના જામ રણજિતસિંહે ઇંગ્લૅન્ડથી નિષ્ણાત નાવિકી ઇજનેરને બોલાવી, બંદરની મોજણી કરાવી, બારામાંથી કાંપકાદવ દૂર કરાવી, ખાડીને ઊંડી કરાવીને, ધક્કો અને ગોદામો બંધાવીને લૉન્ચો, બજરાઓ (barges), ઊંટડાઓ વગેરેની સંખ્યા વધારીને બંદરને રૂ. 75 લાખને ખર્ચે સજ્જ કરાવી અદ્યતન બનાવરાવ્યું હતું. આ કારણે કાપડ, ખાંડ, લોખંડ વગેરે લાવતી પરદેશી સ્ટીમરો કાંઠા પરની જેટી સુધી આવી શકતી હતી. ત્યારપછી 1935 સુધીમાં બંદરની સુધારણા તથા સગવડો વધારવા માટે રૂ. 166 લાખનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. તે સમયમાં 1933–34માં આ બંદર મારફતે થયેલો કુલ દરિયાઈ વેપાર રૂ. 212 લાખનો હતો; તે પૈકી પરદેશ સાથેનો વેપાર રૂ. 104 લાખનો હતો. 1942–43માં અહીંની આયાત રૂ. 13.93 લાખની અને નિકાસ રૂ. 28.28 લાખની હતી. બંદરનો વિકાસ વધતાં વીરમગામ ખાતે સરકારે આયાત-જકાત નાખી અને રૂ. 5 લાખની આવક થાય એટલો માલ આયાત કરવા છૂટ આપી હતી, આથી બંદરને ફટકો પડ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન આ બંદરનો વેપાર ટકી રહ્યો હતો. ગુજરાતનાં બંદરો પૈકી કંડલાને બાદ કરતાં બેડીની આયાત-નિકાસ સૌથી વધુ હતી. 1992–93માં મગદલ્લા પછી તેનો બીજો ક્રમ હતો.

બેડીથી તલ, મગફળી, સોયાબીન, રેપસીડ, ખોળ, ગુવારગમ, ડાંગરનું ભૂસું, મીઠું, બૉક્સાઇટ, સિમેન્ટ, પ્લાસ્ટિકના પાઇપ, કાચ-રેતી, ઊન, સોડા-ઍશ, આરમ ટુકડા, ડુંગળી, લસણ, ઢોરનું ખાણ વગેરેની નિકાસ થાય છે; જ્યારે ખાતર, રૉક-ફૉસ્ફેટ, ખાદ્યતેલ, કૉર્નમિલ, સોયા, નાળિયેર, ઘઉં, ચોખા, મગ, ખજૂર, ગૂગળ, લોખંડ-ભંગાર અને ઇમારતી લાકડાંની આયાત થાય છે. બેડીનો ભારતના દરિયાકાંઠાનાં અન્ય બંદરો સાથેનો વેપાર લગભગ નષ્ટ થયો છે; પરંતુ બેલ્જિયમ, જર્મની, યુ.એસ., નેધરલૅન્ડ, યુ.કે., ઈરાની અખાતના દેશો, મોરોક્કો, જાપાન, ઇન્ડોનેશિયા, હાગકાગ, શ્રીલંકા, તાઇવાન, થાઇલૅન્ડ, ચેકોસ્લોવેકિયા, પોલૅન્ડ, રુમાનિયા, હંગેરી, મિસર, સિંગાપોર વગેરે સાથે આયાત-નિકાસનો દરિયાઈ વેપાર ચાલે છે.

બેડીના જૂના બંદરે અને રોઝી (રોઝીબેટ) ખાતે ધક્કો (dock); જેટી છે. રોઝીના નવા બંદરનો જળરોધક (બ્રેકવૉટર) બાંધી વિકાસ કરાયો છે. ગોદામો તેમજ ખુલ્લી જગામાં માલ ઉતારાય છે. બંદર ઉપર માલ ચડાવવા-ઉતારવા તથા તેની હેરફેર માટે ટગ, લૉન્ચો, બજરાઓ અને ઊંટડાઓની સગવડો છે. પિરોટન ટાપુ પાસે દીવાદાંડી પણ છે. રોઝી ખાતે લંગર-સ્થળ 4 કિમી. દૂર છે. અહીં વ્હાર્ફ પ્રકારનો ધક્કો બાંધવામાં આવ્યો છે.

બેડી નજીક મીઠાના અગરો અને કારખાનાં આવેલાં છે. મત્સ્ય-ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે. બરફનું કારખાનું, શીતાગાર વગેરેની સુવિધા પણ છે. તેલમિલો દ્વારા તેલ અને ખોળની નિકાસ થાય છે.

બેડી ખાતે માલવાહક જહાજમાં મીઠું ભરવાની ચાલતી કામગીરી – એક ર્દશ્ય

બેડી બંદર જામનગર સાથે 7 કિમી. લાંબા રેલ તેમજ સડકમાર્ગથી જોડાયેલું છે. બેડીની વસ્તી 13,109 જેટલી છે, સૌરાષ્ટ્રનું તે પ્રથમ નંબરનું બંદર છે. તે બ્રૉડગેજ રેલમાર્ગ તથા કંઠાર-ધોરીમાર્ગ (Coastal Highway) દ્વારા ગુજરાત, રાજસ્થાન તેમજ ઉત્તર અને વાયવ્ય ભારત સાથે સંકળાયેલું રહે છે. આ તેનો પીઠપ્રદેશ ગણાય છે.

શિવપ્રસાદ રાજગોર