બેડસર, ઍલેક (વિક્ટર) (સર)

January, 2000

બેડસર, ઍલેક (વિક્ટર) (સર) (જ. 1918, રીડિંગ, બર્કશાયર, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ ક્રિકેટ-ખેલાડી. તેમના જોડકા-ભાઈ એરિક (1918) સાથે મળીને તેમણે સરેની ટીમને 1950ના દસકા દરમિયાનના ગાળામાં સતત 7 વાર કાઉન્ટી ચૅમ્પિયનશિપનું વિજેતાપદ અપાવ્યું હતું.

વિશ્વયુદ્ધ પછીનાં 8 વર્ષ દરમિયાન, તેઓ ઇંગ્લૅન્ડના અગ્રણી અને સફળ ગોલંદાજ બની રહ્યા. તેમણે  કુલ 51 ટેસ્ટ મૅચમાં 236 વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયા સામે ટેન્ટબ્રિજ ખાતે 1953માં તેમણે 99 રન આપીને 14 વિકેટ લીધી હતી. પ્રથમ કક્ષાની તમામ મૅચમાં એકંદર તેમણે 1924 વિકેટ લીધી હતી.

પછી તેઓ વિદેશપ્રવાસ કરનારી તમામ એમસીસી ટીમના મૅનેજર તરીકે કામગીરી બજાવતા રહ્યા. થોડો વખત પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે પણ તેમણે જવાબદારી સંભાળી. 1977માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો.

મહેશ ચોકસી