બૅડમિન્ટન : એક વિદેશી રમત. તેની શરૂઆત લગભગ એક સદી પહેલાં ભારતમાં થઈ. તે ‘પૂના’ રમત તરીકે પ્રચલિત હતી. આ રમત ઓગણીસમી સદીની મધ્યમાં અંગ્રેજ સૈનિકોના અધિકારીઓ દ્વારા ઇંગ્લૅન્ડમાં લઈ જવાઈ. ઇંગ્લૅન્ડમાં આ રમત પ્રથમ વખત 1873માં ડ્યૂક બ્યૂફોર્ટ દ્વારા ગ્લુસેસ્ટરશાયરમાં બૅડમિન્ટન પ્રદેશમાં રમાડવામાં આવી, તેથી તેનું નામ બૅડમિન્ટન પડ્યું. ત્યારપછી બૅડમિન્ટનના ખેલાડીઓના એક જૂથે બાથ બૅડમિન્ટન ક્લબ શરૂ કરી અને 1887માં આ રમતના નિયમો બનાવ્યા. 1895માં ઇંગ્લૅન્ડ બૅડમિન્ટન ઍસોસિયેશનની શરૂઆત થઈ. તેણે જૂના નિયમોમાં ફેરફાર કરી નવા નિયમો પ્રસિદ્ધ કર્યા. 1940 સુધીમાં આ રમત ઑસ્ટ્રેલિયા, ડેન્માર્ક, ભારત, મલાયા, સ્વીડન, અમેરિકા, મૅક્સિકો, નેધરલૅન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ વગેરે દેશોમાં પ્રચલિત થઈ. આંતરરાષ્ટ્રીય બૅડમિન્ટન ફેડરેશનની સ્થાપના 1934માં થઈ અને 1939માં આ ફેડરેશને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજવાનો વિચાર કર્યો; પરંતુ તે 1948–49માં જ શરૂ થઈ શકી. આ ફેડરેશનના પ્રથમ પ્રમુખ જ્યૉર્જ થૉમસે આંતરરાષ્ટ્રીય વિજેતા ટીમ માટે થૉમસ કપની જાહેરાત કરી હતી.

ભારતે ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપ અને થૉમસ કપ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો. રાષ્ટ્રીય બૅડમિન્ટન ઍસોસિયેશનની સ્થાપના 1934માં કરવામાં આવી અને ત્યારપછી દર વર્ષે રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ યોજવામાં આવે છે. બહેનો માટે ઉબર કપની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા પણ યોજાય છે.

આ રમત સિંગલ્સ અને ડબલ્સ એમ બે રીતે રમાય છે. સિંગલ્સમાં બંને ટુકડીઓમાં એક એક ખેલાડી તથા ડબલ્સમાં બંને ટુકડીઓમાં બબ્બે ખેલાડીઓ રહે છે. સિંગલ્સમાં બહેનો 11 ગુણનો એક, તેવા ત્રણ સેટ અને ભાઈઓ 15 ગુણનો એક, તેવા ત્રણ સેટ રમે છે. જે ટુકડી બે સેટ જીતે તે વિજેતા ગણાય છે. ડબલ્સમાં ભાઈઓ-બહેનો માટે 15 ગુણનો એક એવા ત્રણ સેટ રમાય છે.

ભારતમાં બૅડમિન્ટનની રમતમાં દિનેશ ખન્ના, પ્રકાશ પદુકોણ, દીપંકર ભટ્ટાચાર્ય, વિમલકુમાર, મધુમિતા, સરોજિની આપટે અને  સૈયદ મોદીનાં નામો ઉલ્લેખનીય છે.

નવીનચંદ્ર જાદવભાઈ ચનિયારા