બેટી, વૉરન (જ. 30 માર્ચ 1937, રિચમંડ, વર્જિનિયા) : અમેરિકાના ફિલ્મ-અભિનેતા અને નિર્માતા. આખું નામ હેર્ની વોરેન બેટી. જાણીતી ફિલ્મ-અભિનેત્રી શર્લી મૅક્લિનના તેઓ નાના ભાઈ હતા. 1961માં ‘સ્પ્લેન્ડર ઇન ધ ગ્રાસ’ ફિલ્મથી તેમણે અભિનયની કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેઓ સ્વરૂપવાન હતા અને ગાંભીર્યપૂર્ણ મુખમુદ્રા ધરાવતા હતા; પરંતુ અમુક નિશ્ચિત પ્રકારની ઢાંચાઢાળ અભિનયછાપ આપોઆપ ઊભી થવાથી તેમના અભિનય-કૌશલ્યને વિકસવાની તકો મર્યાદિત બની ગઈ.

અભિનયની સાથોસાથ તેમણે ‘બૉની ઍન્ડ ક્લાઇડ’ જેવા ચિત્રનું નિર્માણ પણ હાથ ધર્યું (1967). 1975માં ‘શૅમ્પુ’માં સહલેખક બન્યા તથા 1978માં ‘હેવન કૅન વેટ’માં સહ-દિગ્દર્શક બન્યા. 1981માં તેઓ ‘રેડ્ઝ’ ફિલ્મના નિર્માતા, સહલેખક અને અભિનેતા બન્યા અને એ ચિત્ર બદલ તેમને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો ઑસ્કર એવૉર્ડ પણ મળ્યો.

એમણે કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન પણ કરેલું. ફિલ્મો ઉપરાંત નાટકોમાં અને ટેલિવિઝન સિરિયલોમાં પણ અભિનય કરેલો.

મહેશ ચોકસી