બૅટિસ્ટા, ફુલજેન્સિયો

January, 2000

બૅટિસ્ટા, ફુલજેન્સિયો (જ. 1901, ઑરિયેન્ટ પ્રાંત; અ. 1973) : ક્યૂબાના સૈનિક અને સરમુખત્યાર. જન્મ તો તેમનો એક સાધારણ મજૂરને ત્યાં થયો હતો, પરંતુ સખત પરિશ્રમ સતત કરીને ઉત્તરોત્તર આગળ વધતા રહ્યા. સાર્જન્ટ મેજરમાંથી તેઓ 1931–33ના ગાળામાં પ્રમુખ મકાર્ડો સામેના લશ્કરી બળવા દરમિયાન, કર્નલના પદે પહોંચી ગયા. પછીથી તેઓ ક્યૂબાના પ્રમુખ પણ બન્યા (1940થી 1944). તેમણે સામાજિક તથા આર્થિક સુધારાઓનો પરિણામલક્ષી કાર્યક્રમ અમલમાં મૂક્યો.

1944માં તેમણે પોતાની મેળે જ પ્રમુખપદનો ત્યાગ કર્યો. પછી તેમણે વિદેશપ્રવાસ આદર્યો. 1952માં પ્રમુખ પ્રિયોને ઉથલાવી પાડવા ફરીથી લશ્કરી બળવો થયો ત્યારે તેમણે પુન: સત્તા ગ્રહણ કરી; પરંતુ આ વખતનો તેમનો શાસનકાળ લાંચરુશવત, દમન અને અત્યાચારથી ખરડાયેલો બની ગયો. 1959માં ફિડેલ કૅસ્ટ્રોએ તેમને સત્તા પરથી ઉથલાવી પાડ્યા. છેવટે તેમણે ડૉમિનિકન પ્રજાસત્તાકમાં આશરો લીધો.

મહેશ ચોકસી