બેઝબૉલ : અમેરિકાની રાષ્ટ્રીય રમત. સ્થિર મગજ, ત્વરિત નિર્ણય-શક્તિ, ચપળ નજર અને ત્વરિત સ્નાયુકાર્ય માગી લેતી અમેરિકન પ્રજાની આ અત્યંત લોકપ્રિય મેદાની રમત છે. બેઝબૉલની ઉત્પત્તિ મૂળ અંગ્રેજી ‘રાઉન્ડર્સ’ નામની રમતમાંથી થઈ. લોકોક્તિ મુજબ આ રમતની શોધ ઈ. સ. 1839માં ‘એબનર ડાઉબ્લૅન્ડે’ નામના અમેરિકન લશ્કરી યુવાને કુપર સ્ટાઉન ન્યૂયૉર્કમાં કરી હતી. જોકે રમત સરળ સ્વરૂપમાં બેઝબૉલ નામે ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં અઢારમી સદીની શરૂઆતમાં રમાતી હતી તે હકીકત છે. આ રમતના ચોક્કસ નિયમો સૌપ્રથમ ઈ. સ. 1845માં કાર્ટરાઇટ નામના અમેરિકન નાગરિકે ઘડી કાઢ્યા હતા અને તે નિયમો મુજબ સૌપ્રથમ 18 જૂન 1846ના રોજ એલિશિયન ક્લબ અને ન્યૂયૉર્ક બેઝબૉલ ક્લબ વચ્ચે મૅચ યોજાઈ હતી. તેમાં ચાર દાવની રમત રમાઈ. ધીમે ધીમે આ રમત અમેરિકાનાં અન્ય રાજ્યોમાં પણ ફેલાવા લાગી. આ રમત અમેરિકાની રાષ્ટ્રીય રમત થવા સાથે એણે અમેરિકન ભાષા અને સાહિત્ય પર પણ પ્રભાવ પાડ્યો.
હાલમાં અમેરિકન લિજિયન, જુનિયર બેઝબૉલ, અમેરિકન ઍમેચ્યૉર કૉંગ્રેસ, લિટલ લીગ અમેરિકન બેઝબૉલ ફેડરેશન અને નૅશનલ બેઝબૉલ કૉંગ્રેસ વગેરે જાણીતી ક્લબો છે. બેઝબૉલની રમતનો પ્રચાર અમેરિકાની બહાર પણ ઠીક ઠીક થયો છે. ઈ. સ. 1874માં આ રમતના પ્રચારાર્થે તેની બે અમેરિકન ટુકડીઓ ઇંગ્લૅન્ડના પ્રવાસે ગઈ હતી. લૅટિન અમેરિકા, જાપાન અને યુરોપના કેટલાક દેશોમાં પણ આ રમત પ્રચલિત બની છે.
ભારતમાં આ રમતની શરૂઆત કરાવવાનો અને તેને પ્રચલિત બનાવવાનો પ્રયત્ન મદ્રાસ(ચેન્નઈ)ની વાય.એમ.સી.એ. શારીરિક શિક્ષણ કૉલેજે કર્યો, પણ રમત જામી નહિ.
આ રમત 9–9 ખેલાડીઓની બે ટુકડીઓ વચ્ચે રમાય છે. રમત આંકેલા મેદાન ઉપર રમાય છે. ચાર દિશામાં ચોરસ રચાય તે રીતે ચાર પીઠ (base) સ્થાપવામાં આવે છે. બે પીઠ વચ્ચે 27.4 મી. અંતર રખાય છે. પ્રથમ પીઠને ગૃહપીઠ (home plate) તથા જમણા હાથે ક્રમથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય પીઠ નામ અપાય છે. બે દિશામાં બે હાથ લંબાવ્યા હોય તેમ ગૃહપીઠ અને પ્રથમ પીઠથી તથા ગૃહપીઠ અને તૃતીય પીઠથી રેખા લંબાવીને ભૂલસીમા (foul-lines) આંકવામાં આવે છે. એક વિશાળ અર્ધચંદ્રાકાર રેખા આ બંને રેખાઓને જોડીને રમતના ક્ષેત્રની સીમા પૂરી કરે છે. ક્રિકેટની જેમ દડા અને બૅટથી તે રમાય છે. બેટ ચપટું નહિ પણ ગોળાકાર અને 1.06 મી. લંબાઈ તથા 7 સેમી. સુધી વ્યાસ ધરાવે છે. વચ્ચે રબર અને ફરના બૂચના લાકડા પર ઘોડાના ચામડાનું હાથે સીવેલું આવરણ ધરાવતો દડો 23 સેમી પરિઘનો વપરાય છે. પીઠો ઉપર કૅન્વાસ કપડું પથરાય છે. રમનારા રક્ષાત્મક પરિધાનનો ઉપયોગ કરે છે. બૅટધર (batter) દડાને ફટકારી રન લે છે. તે જ્યારે બધી પીઠ પાર કરી ગૃહપીઠ પર આવે ત્યારે એક રન નોંધાય છે. ક્રિકેટની રમતની જેમ ફિલ્ડિંગ ગોઠવાય છે. પીઠોની મધ્યમમાં દડો ફેંકનાર(pitcher)ની પીઠ હોય છે. બૅટધરની ગૃહપીઠથી પિચરની પીઠ સુધીનું અંતર 18.4 મી. હોય છે. બૅટધર દડાને ફટકારી ક્રમથી પીઠો તરફ દોડે છે. ફટકારેલો દડો સીમાપાર જાય તો વિના દોડ્યે રન મળે છે. બૅટધર વિવિધ રીતે આઉટ થઈ શકે છે. તે રીતો ક્રિકેટને મળતી છે. દા.ત., સ્ટમ્પ આઉટ, બોલ્ડ, કૉટ, રન આઉટ, અવરોધ આદિ. દરેક ટુકડી 9 વખત દાવ લે છે. કોઈ પણ ટુકડીના ત્રણ ખેલાડીઓ આઉટ થાય એટલે તેનો એક દાવ પૂરો થયો ગણાય. જો નવ દાવને અંતે બંને ટુકડીના સરખા ગુણ થાય તો કોઈ પણ એક ટુકડીનો સામેની ટુકડી કરતાં એક રન વધારે ન થાય ત્યાં સુધી વારાફરતી વધારાના દાવ લેવાનું ચાલુ રાખવામાં આવે છે.
ભારતમાં આ રમતના અગ્રણી ખેલાડીઓમાં ડૉ. દશરથમલ મહેતા, કે. ડી. ગૌતમ, રણજિત ભંડારી, નરેન્દ્ર કોંકરિયા, જે. એચ. અહલાવત, સી. એમ. જૈન, એસ. સી. સેન અને એન. કપિનદાસનાં નામ ઉલ્લેખનીય છે.
નવીનચંદ્ર જાદવભાઈ ચનિયારા