બેઝમેન્ટ : ભવનનો છેક નીચેનો એવો માળ જે જમીનમાં અંશત: કે પૂરેપૂરો આવેલો હોય. ક્યારેક જમીનના સ્તરેથી પણ એ શરૂ થતો હોય તો તે ઉપલા બધા મજલાઓથી ઓછી ઊંચાઈ ધરાવતો હોય છે. આંતરિક રચના પરત્વે તે તેની ઉપરના મુખ્ય મજલા સાથે સંલગ્ન હોય છે. ‘બેઝમેન્ટ’ સેલરથી ભિન્ન છે. બેઝમેન્ટનો ઉપયોગ રહેણાક માટે થાય છે, જ્યારે ‘સેલર’નો ઉપયોગ માલસામાન મૂકવા માટે થાય છે. બેઝમેન્ટ જ્યાં ભાડે આપવામાં આવતાં હોય છે ત્યાં એની રચના ઘણું કરીને થોડો ભાગ જમીનમાં અને બાકીનો મોટો ભાગ બહાર રહે એ રીતે કરાય છે. વળી બહાર રહેતા ભાગમાં હવાઉજાસ માટેની બારી-જાળીઓ પણ પૂરતા પ્રમાણમાં મૂકવામાં આવે છે.

પ્રવીણચંદ્ર પરીખ