બેગિન, મેનાચેમ (જ. 16 ઑગસ્ટ 1913, બ્રેસ્ટ લિટોવસ્ક, પોલૅન્ડ) : ઇઝરાયલના મુત્સદ્દી તથા 1978ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. શરૂઆતનું શિક્ષણ મિઝરાચી હિબ્રૂ શાળા તથા પોલિશ જિમ્નેશિયમમાં. 1931માં વૉર્સો યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1935માં કાયદાશાસ્ત્રની પદવી હાંસલ કરી. તેર વરસની ઉંમર સુધી સ્ટાઉટ ચળવળમાં રહ્યા બાદ 1929માં સોળ વર્ષની ઉંમરે યહૂદીઓની ઝિયૉનિસ્ટ રિવિઝનિસ્ટ મૂવમેન્ટમાં જોડાયા. 1932માં સંગઠનાત્મક એકમના વડા તરીકે સમગ્ર પોલૅન્ડનો પ્રવાસ ખેડ્યો અને સાથોસાથ વૃત્તપત્રો અને સામયિકોમાં યહૂદીઓના પ્રશ્નો અંગે લખાણો લખતા રહ્યા, થોડાક સમય માટે યહૂદીઓની ચળવળને સંગઠિત કરવા માટે ચેકોસ્લોવાકિયામાં પણ રહ્યા. 1937માં પોલૅન્ડ પાછા આવ્યા અને યહૂદીઓની સમસ્યા અંગેના બ્રિટિશ સરકારના વલણનો વિરોધ કરવા માટે કારાવાસ ભોગવ્યો. 1939માં પોલૅન્ડ ખાતેની યહૂદીઓની ચળવળના વડા બન્યા. બીજું વિશ્વયુદ્ધ (1939–45) શરૂ થતાં સોવિયેત સંઘની છૂપી પોલીસે (NKVD) તેમની ધરપકડ કરી તથા 1940–41 દરમિયાન સાઇબીરિયામાંની રાજકીય કેદીઓ માટેની છાવણી- (concentration camp)માં તેમને પૂરી રાખવામાં આવ્યા. સ્ટાલિન-સિકોરસ્કી સમજૂતી (1941) હેઠળ તેમને મુક્ત કરવામાં આવ્યા. 1942માં તેમણે ઉદ્દામવાદી સંગઠન ઈર્ગુન સ્વાઈ લિયૂમી(Irgun Zoai Leumi)નું નેતૃત્વ સંભાળ્યું. તે જ વર્ષે તેઓ પોલિશ લશ્કરમાં દાખલ થયા હતા. આઇ. ઝેડ. એલ. (National Military Organisation)ના સેનાપતિ તરીકે તેમણે તેમના તેલ અવિવ ખાતેના ભૂગર્ભવાસના સ્થળેથી બ્રિટિશ સરકાર સામે સંઘર્ષ ચાલુ રાખ્યો, જેના માટે બ્રિટિશ શાસકોએ તેમના વિશેની માહિતી પૂરી પાડનારને દસ હજાર પાઉન્ડ જેટલી રકમનું ઇનામ આપવાનું જાહેર કર્યું. આ સમય દરમિયાન તેમણે રાષ્ટ્રસંઘ દ્વારા નિયુક્ત તપાસ પંચના ઘણા સભ્યો અને વિદેશી પત્રકારોની મુલાકાતો લીધી અને યહૂદીઓની સમસ્યા અંગે તેમની સાથે ગુપ્ત મંત્રણાઓ કરી. 1949માં ઇઝરાયલના સ્વતંત્ર રાષ્ટ્રની વિધિસરની સ્થાપના થતાં તેમણે અલાયદા રાજકીય પક્ષની સ્થાપના કરી તથા સંસદની ચૂંટણીમાં ઝંપલાવ્યું. 1967–70 દરમિયાન તેઓ દેશની સંયુક્ત રાષ્ટ્રીય સરકારમાં મંત્રી રહ્યા. જૂન 1977માં તેમણે પોતાના દેશની સંસદમાં પોતાના મંત્રીમંડળના પક્ષમાં વિશ્વાસનો મત હાંસલ કર્યો અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બન્યા (1977–83).
બીજા વિશ્વયુદ્ધ અંગેના તેમના અનુભવો અને સંસ્મરણોનું બયાન કરતું તેમનું પુસ્તક ‘વ્હાઇટ નાઇટ્સ’ તથા એક બીજું પુસ્તક ‘ધ રિવૉલ્ટ’ નોંધપાત્ર છે. તેમના બીજા પુસ્તક ‘ધ રિવૉલ્ટ’નો અનેક ભાષાઓમાં અનુવાદ થયેલો છે.
સીરિયા, લેબેનૉન, ઇરાક અને સાઉદી અરેબિયા જેવાં ધરખમ અરબ રાષ્ટ્રો તથા પૅલેસ્ટાઇનવાસી અરબોના ઉગ્ર વિરોધ છતાં ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે મધ્યપૂર્વના પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવા માટે શાંતિસંધિ કરવામાં તેમણે જે ભૂમિકા ભજવી તેના માટે તેમને તથા ઇજિપ્તના તત્કાલીન પ્રમુખ મુહમ્મદ અન્વર સાદાતને સંયુક્ત રીતે ઉપર્યુક્ત નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
પુષ્કર ગોકાણી