બેગમ અખ્તર (જ. 7 ઑક્ટોબર 1914, ફૈઝાબાદ; અ. 30 ઑક્ટોબર 1974, અમદાવાદ) : ઠૂમરી અને ગઝલનાં અગ્રણી ભારતીય ગાયિકા. શરૂઆતનાં વર્ષોમાં તેઓ ‘અખ્તરી ફૈઝાબાદી’ને નામે ઓળખાતાં. ઇશ્તિયાક અહમદ અબ્બાસી નામના એક વકીલ સાથે એમનાં લગ્ન થયાં, પછી તે ‘બેગમ અખ્તર’ને  નામે પ્રસિદ્ધિ પામ્યાં.

અખ્તર બેગમ 

શાસ્ત્રીય સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીતનું શરૂઆતનું શિક્ષણ તેમણે અબ્દુલ કરીમખાં સાહેબના ભાઈ અબ્દુલ વહીદખાં તથા અતા મુહમ્મદખાં સાહેબ પાસેથી મેળવ્યું હતું. ત્યારબાદ ગયાના ઉસ્તાદ ગુલામ મુહમ્મદખાં અને કૉલકાતાનાં જદ્દનબાઈ તથા મોઇનુદ્દીનખાં પાસેથી ઠૂમરી-ગાયકીનું શિક્ષણ લીધું. 11 વર્ષની ઉંમરે તેમણે એક નાટકમાં પ્રથમ વાર ગીત ગાયેલું. વિકટ આર્થિક પરિસ્થિતિને કારણે તેમણે તેમની માતા અને ગુરુની સંમતિ વગર મેગાફોન રેકૉર્ડ કંપનીમાં ગાવાનો નિર્ણય લીધો અને તેમની પ્રથમ રેકૉર્ડ અત્યંત લોકપ્રિય બની.

તેમના કંઠમાં જાદુઈ મીઠાશ હતી. ગઝલની શૈલીમાં તેઓ અદ્વિતીય હતાં. તે કારણે તેમને ‘ગઝલ ક્વીન’નું બિરુદ મળ્યું હતું. 20 વર્ષની વયે તેમણે કૉલકાતામાં દાદરા અને ગઝલની રમઝટ જમાવીને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. બિહારમાં થયેલ ભૂકંપના પીડિતો માટે ભંડોળ ભેગું કરવા માટે કૉલકાતામાં એક સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગાયન પ્રસ્તુત કરવા માટે તેમને ઉત્સાદ અતા મુહમ્મદખાંએ આજ્ઞા કરી. વિશાળ સંખ્યામાં ઊમેટલા લોકોની સમક્ષ તેમણે જે ગઝલ રજૂ કરી તેનાથી ત્યાં હાજર રહેલા સંગીતકારો જ નહિ, પરંતુ સરોજિની નાયડુ પણ પ્રભાવિત થયાં હતાં, જેના પ્રતીક રૂપે સરોજિની નાયડુએ પણ તેમને ખાદીની એક સાડી ભેટ તરીકે આપી હતી. ત્યારબાદ અનેક સંગીતમંડળોમાં, સંગીતપરિષદોમાં, દૂરદર્શન અને આકાશવાણી પર તેમના કાર્યક્રમો યોજાવા લાગ્યા.

તેમણે ‘આંખ કા નશા’, ‘નઈ દુલ્હન’ વગેરે કેટલાંક ઉર્દૂ નાટકોમાં તથા ‘નસીબ કા ચક્કર’, ‘એક દિન કા બાદશાહ’, ‘નલ-દમયંતી’, ‘રોટી’, ‘મુમતાઝ બેગમ’ વગેરે ચલચિત્રોમાં પણ કામ કર્યું હતું. ‘નલ-દમયંતી’, ‘દાનાપાની’ ‘એહસાન’ અને સત્યજિત રાયનું ‘જલસાઘર’ જેવાં ચલચિત્રોમાં પાર્શ્ર્વગાયિકા તરીકે પણ તેમણે સેવા આપી હતી.

1943માં રામપુરના નવાબ રઝાઅલીએ બેગમ અખ્તરની નિમણૂક રામપુર રિયાસતનાં રાજ્ય-ગાયિકા તરીકે કરી હતી. તેમના સંગીતમાં હંમેશ શબ્દ, સ્વર અને લયની ત્રિવેણી વહેતી. તેમણે ઠૂમરી અને ગઝલની એક આગવી અને મૌલિક શૈલીની રચના કરી હતી. તે ઉપરાંત તેમણે ગાલિબ, દાગ, મીર તકી મીર વગેરે ચુનંદા શાયરોની ગઝલોને સંગીતનો અનેરો ઓપ આપીને તેમની ગઝલોને વધુ પ્રસિદ્ધિ અપાવી હતી. શકીલ બદાયૂની વગેરે ઘણા ઊગતા શાયરોની ગઝલો ગાઈને તેમણે તે શાયરોને પ્રકાશમાં આણ્યા હતા. આ સંદર્ભમાં કવિ બેહઝાદની ગઝલ ‘દીવાના બનાના હૈ તો દીવાના બના દે’ તથા શકીલ બદાયૂનીની ગઝલ ‘અય મહોબ્બત તેરે અંજામ પે રોના આયા’ ખાસ ઉલ્લેખનીય છે. તેમની 300 ઉપરાંત રેકર્ડ છે. તેમના કાર્યક્રમોએ પણ ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. લખનૌ ખાતેના ભાતખંડે સંગીત વિદ્યાલયમાં થોડાક સમય માટે તેમણે હળવા શાસ્ત્રીય સંગીતનાં શિક્ષિકા તરીકે પણ સેવા આપી હતી.

1968માં તેમને ‘પદ્મશ્રી’ તથા મૃત્યુ બાદ ‘પદ્મભૂષણ’ના ઇલકાબોની નવાજેશ થઈ હતી. એક સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળનાં સભ્ય તરીકે તેમણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા રશિયાની સફર કરી હતી. ગ્રામોફોન રેકર્ડ ઉપરાંત તેમની કેટલીક એલ.પી. રેકર્ડ તથા કૅસેટ પણ ઊતરી છે, જે સાંભળવાથી તેમના ઉચ્ચતમ સંગીતનો ખ્યાલ આવે છે.

1974માં અમદાવાદમાં એક જાહેર કાર્યક્રમ દરમ્યાન તેમને હૃદયરોગનો હુમલો થયો હતો અને ત્યારબાદ 4 દિવસ પછી તેમનો સ્વર્ગવાસ થયો.

શાંતિ હીરાનંદ તેમનાં અગ્રણી શિષ્યા છે.

બટુક દીવાનજી