બેકેસી, જ્યૉર્જ ફૉન

January, 2000

બેકેસી, જ્યૉર્જ ફૉન (જ. 3 જૂન 1899, બુડાપેસ્ટ, હંગેરી; અ. 13 જૂન 1972, હૉનોલુલુ) : ઈ. સ. 1961ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારવિજેતા. કાન દ્વારા સાંભળવાની ક્રિયા અંગે

જ્યૉર્જ ફૉન બેકેસી

તેમણે સંશોધનકાર્ય હતું. તેઓ બર્ન યુનિવર્સિટી ખાતે રસાયણશાસ્ત્ર ભણ્યા હતા અને તેમણે બુડાપેસ્ટ યુનિવર્સિટીમાંથી 1923ની સાલમાં ભૌતિકશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેઓ હંગેરીની પોસ્ટ ઑફિસમાં લાંબા અંતરના ટેલિફોન અંગે કાર્ય કરતા હતા. તે સમયે તેમને માનવના કાનને એક સંદેશાવ્યવહારના મહત્વના ઉપકરણ તરીકે વિચારવાની તક મળી. તેમણે માનવકાન દ્વારા કેટલું શ્રવણસ્વીકારન (audio-reception) થાય છે તેનું માપ કાઢવા માટે કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ ખાતે અને પછીથી 1946માં સ્વીડનની ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે શ્રવણક્ષમતામાપક (audiometer) નામનું એક એવું સાધન બનાવ્યું કે જે દર્દી પોતે વાપરી શકે. આ શ્રવણક્ષમતામાપક સાધનનો ઉપયોગ અન્ય ક્ષેત્રોમાં પણ થાય છે. 1947માં તેઓ અમેરિકામાં સ્થિર થયા અને હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે મનો-ધ્વનિ (psycho-acoustic) પ્રયોગશાળા ખાતે કાર્ય કર્યું અને ત્યાંથી તેઓ નિવૃત્ત થયા.

શિલીન નં. શુક્લ