બેકેલાઇટ : લિયો બેઇકલૅન્ડ દ્વારા 1909માં બનાવાયેલ પ્રથમ સંશ્લેષિત પ્લાસ્ટિક. ફીનૉલનું ફૉર્માલ્ડિહાઇડ સાથે સંઘનન કરવાથી પાઉડર સ્વરૂપે જે રેઝિન બને છે તે બેકેલાઇટ નામે જાણીતું છે. આ પાઉડરને ગરમ કરવાથી તેને ઘન સ્વરૂપે યથોચિત આકાર આપી શકાય છે.

ફીનૉલની ફૉર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરતાં મિથિલોલ ફીનૉલ્સ (i) બને છે. આ પ્રક્રિયા ઍસિડિક અથવા બેઝિક પરિસ્થિતિમાં કરી શકાય. જો ઍસિડિક પરિસ્થિતિ વાપરી હોય તો સ્વત: સંઘનન થઈને નીચા (low) અણુભારવાળા બહુલકો બને છે. બેઝિક ઉદ્દીપકીય પ્રક્રિયામાં દ્રાવ્ય પૂર્વ-બહુલકો (pre-polymers) બને છે, જે રિસોલ્સ (resoles) નામે ઓળખાય છે.

આ પૂર્વ-બહુલકને લગભગ 105° સે. તાપમાને તટસ્થ અથવા ઍસિડિક  પરિસ્થિતિમાં ગરમ કરતાં સંઘનન-પ્રક્રિયા થઈને સુઘટ્ય (mouldable) ચક્રીય-રેખીય (cyclo-linear) અથવા શાખાયુક્ત બહુલકો પ્રક્રિયા (ii) મુજબ બને છે. વધુ ઊંચા તાપમાને પ્રક્રિયા (iii) મુજબ પાણી તથા ફૉર્માલ્ડિહાઇડ નીકળી જતાં બે બેન્ઝિન વલય વચ્ચે મિથિલીન સેતુ રચાય છે.

ઉપર દર્શાવેલ ઍસિડ ઉદ્દીપકીય નીચા અણુભારવાળા બહુલકોમાં જ જો હેક્ઝામિથિલીન ટેટ્રામાઇન (CH2)6N4 ઉમેરી દેવામાં આવે તો આ બહુલકોમાં તિર્યક્-બદ્ધતા (cross-linking) થવાથી તથા પ્રક્રિયા દરમિયાન એમોનિયા નીકળી જતાં નૉવોલેક નામના રેઝિન મળે છે. બેકેલાઇટનું સામાન્ય સૂત્ર નીચે દર્શાવ્યું છે :

બેકેલાઇટ તાપ-ર્દઢ બહુલકો છે, જે મજબૂત (ર્દઢ) હોવાથી વજન સામે આકારની વિકૃતિનો પ્રતિકાર કરી શકે છે. ઉષ્મા દ્વારા તેને વિવિધ ઢાંચાઓમાં ઢાળીને જુદા જુદા આકારની ચીજો બનાવાય છે, જે ફરી ગરમ કરતાં પીગળતો નથી. બેકેલાઇટ ટેલિફોન, વિદ્યુત-રોધકો (insulators), બટન, લૅમિનેટ તથા ઉષ્મા-પ્રતિકારક વસ્તુઓ બનાવવા વપરાય છે.

જ. પો. ત્રિવેદી