બેકર, બૉરિસ (જ. 22 નવેમ્બર 1967, લિમેન, જર્મની) : વિખ્યાત ટેનિસ-ખેલાડી. પિતાનું નામ કર્લ-હિન્ઝ બેકર અને માતાનું નામ એલવિસ બેકર. એના પિતાએ સ્થપતિનું કામ કરતાં બેકરના ઘરની નજીકમાં ટેનિસ સેન્ટર બાંધ્યું હતું. તે વખતે બૉરિસ ત્રણ વર્ષનો હતો. બૉરિસને એના પિતા તાલીમ આપતા હતા, તેથી તેનામાં ટેનિસની રમત પ્રત્યેનો લગાવ વધી ગયો અને 9 વર્ષની ઉંમરે તો તે વેસ્ટ જર્મન ટેનિસ સંઘ દ્વારા આયોજિત રાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટ રમ્યો. બૉરિસની પ્રથમ પસંદગી ફૂટબૉલની રમત માટે હતી. પણ 12 વર્ષની ઉંમરે તેણે ટેનિસની રમત અપનાવી અને તેમાં સર્વિસ અને વૉલી શૉટ ઉપર પ્રભુત્વ મેળવ્યું.
આક્રમક સ્વભાવને કારણે સ્પર્ધા દરમિયાન રેફરી અને રેખાપંચના નિર્ણય સામે વાંધો ઉઠાવતો અને ગુસ્સાભર્યા શબ્દો બોલતો હોવાથી ટેનિસના સત્તાવાળાઓએ બૉરિસ ઉપર ટેનિસ રમવા સામે પ્રતિબંધ મૂક્યો. તેની માતાએ બૉરિસના રેકેટને કબાટમાં મૂકીને તાળું મારી દીધું. એ પછી બૉરિસના સ્વભાવમાં સમૂળગું પરિવર્તન આવ્યું અને ત્યારપછી કોઈ પણ મૅચમાં તેણે રેફરી અને રેખાપંચ સામે અવાજ ઉઠાવ્યો ન હતો.
1984માં બૉરિસે સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી. બૉરિસના કોચ ટિરિયેક અને બોરુચે તેની સર્વિસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને કલાકના 150 માઈલની ઝડપે દડો સામેના કૉર્ટમાં જાય તે માટેના પ્રયત્ન કર્યા અને તે સફળ પણ થયા. વ્યાવસાયિક ખેલાડી તરીકે તેનો ક્રમાંક 566નો હતો; તેમાં સુધારો થતાં 65મા ક્રમાંક ઉપર તે આવી ગયો. 1985માં 17 વર્ષ અને 7 મહિનાની વય ધરાવતો ‘અનસીડેડ’ ખેલાડી બૉરિસ બેકર સૌથી નાની વયે વિમ્બલ્ડન સ્પર્ધાનો પુરુષ વિભાગનો વિજેતા બન્યો. વિમ્બલ્ડન જીતનાર પ્રથમ જર્મન અને અનસીડેડ ખેલાડી તે બન્યો. 1986માં ઇયાન લેન્ડલને 6-4, 6-3 અને 7-5થી સીધા સેટમાં હરાવીને સતત બીજા વર્ષે પણ તે વિમ્બલ્ડન-વિજેતા બન્યો. રમત-જગતમાં ખ્યાતિ મળતાં તે વિજ્ઞાપન દ્વારા પણ અઢળક કમાણી કરવા લાગ્યો. એ 1982માં પશ્ચિમ જર્મની જુનિયર ટેનિસ સ્પર્ધામાં પ્રથમ; 1985, 1986માં અને 1989માં વિમ્બલ્ડન રનર્સ-અપ; 1989માં યુ.એસ. ઓપન સ્પર્ધામાં વિજેતા અને 1991માં ઑસ્ટ્રેલિયન ઓપન સ્પર્ધામાં વિજેતા બન્યો.
આ ઉપરાંત તે ડેવિસ કપ-વિજેતા પણ બન્યો. 1985ની જર્મન ટીમના ખેલાડી તરીકે તેણે આગવી કુશળતા બતાવી. કૅનેડિયન ઓપન, યુ.એસ. હાર્ડકૉર્ટ, સ્ટૉકહોમ ઓપન, ધ માસ્ટર્સ ઓપન, પૅરિસ ઓપન ટુર્નામેન્ટ જેવી ટેનિસ-સ્પર્ધાઓમાં તેણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
હર્ષદભાઈ પટેલ