બેઇલી, ઇરવિંગ વિડમર (જ. 15 ઑગસ્ટ 1884, ટિલ્ટન, ન્યૂહૅમ્પશાયર; અ. ?) : એક વનસ્પતિવિજ્ઞાની. તેમના પિતાનું નામ સોલન ઇરવિંગ અને માતાનું નામ રૂથ પાઉલ્ટર બેઇલી. સોલન ઇરવિંગ હાર્વર્ડ કૉલેજની વેધશાળાના અધ્યક્ષ હતા અને ત્યાં જ ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકેની સેવાઓ આપી હતી. તેમને આરીક્વી પા ગામે, પેરૂમાં ઍન્ડીઝ પર્વતોની ઊંચી હારમાળામાં કાર્ય કરવાનું મળ્યું. તેથી શિશુ-અવસ્થામાં ઇરવિંગ વિડમરને દક્ષિણ અમેરિકાના સમુદ્રતટ, પૂર્વનાં ગાઢ જંગલો અને ઊંચા પર્વતો ખૂંદવાની તક પ્રાપ્ત થઈ. તેમણે ડાર્વિન, હમબોલ્ટ અને સ્પ્રૂસ જેવા પ્રકૃતિવાદીઓની નોંધોનો અભ્યાસ કર્યો અને વનસ્પતિની અંત:સ્થ રચના ઉપર આબોહવાની અસર સમજવાની શરૂઆત કરી. તેમના વિદ્યાર્થી એલ્સો એસ. બારધુર્નના જણાવ્યા મુજબ, ઇરવિંગની બાલવયમાં જ વિષુવવૃત્તીય પ્રદેશની વનસ્પતિઓની વિચિત્રતાઓ અને અસાધારણતાઓ વિશે ઊંડાણમાં વિચારવાની અને સમગ્ર તરીકે અભ્યાસ કરવાની સમજશક્તિ ખીલી ઊઠી હતી. તેમણે 1907માં હાર્વર્ડ યુનિવર્સિટીની સ્નાતક-શાળામાં વનસ્પતિશાસ્ત્ર અને વનવિદ્યા(forestry)ના વિષયમાં પ્રવેશ મેળવ્યો અને પ્રથમ વર્ષે જ તેમનો પ્રથમ સંશોધન-લેખ ‘The Structure of the Wood in Pineae’ Botanical Gazette Vol. 48, પાના નંબર 47થી 55માં પ્રકાશિત થયો. આ એક અસાધારણ ઘટના હતી. 1946થી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીની Institute of Research in Experimental and Applied Botany અને The Institute for Research in General Plant Morphologyના અધ્યક્ષપદે રહ્યા હતા. તેમણે વનસ્પતિની અંત:સ્થ સંરચના ઉપર 120થી પણ વધારે સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા છે.
તેમના અંત:સ્થ સંરચનાના તલસ્પર્શી અભ્યાસમાં ‘એધાની કોષવિદ્યા’ (cambial cytology); ‘કોષદીવાલોની ર્દશ્યરચના, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક બંધારણ’ (Visible Structure, Physical Properties and Chemical Composition of Cell Walls); ‘વાહક સ્થલજ વનસ્પતિઓમાં વાહક પેશીઓની ઉત્ક્રાંતિ’ (Evolution of Tracheary Tissues in Vascular Land Plants); ‘ડિજેનેરિયેસી, વિન્ટરેસી અને રાનેલિયન મધ્યનાડીવલિત સ્ત્રીકેસર (Degeneriaceae, Winteraceae and Conduplicate Ranalian Carpel); અને ‘મધ્યજીવી કૉનિફરીનું કાષ્ઠ’(Wood of Mesozoic Coniferae)નો સમાવેશ થાય છે. Cecropia angulata જેવી નાજુક વનસ્પતિઓ, કાષ્ઠની પરિરક્ષણીય ચિકિત્સા (preservation treatment of wood) અને વનવિદ્યામાં સંશોધન (research in forestry) પરનાં તેમનાં કાર્યો પણ નોંધપાત્ર છે.
ભારતના ડૉ. બી. જી. એલ. સ્વામીને ઇરવિંગ બેઇલી સાથે સંશોધનાત્મક અભ્યાસ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. બેઇલી અને સ્વામી(1964)ના મત પ્રમાણે, Drimys સૌથી આદ્ય મધ્યનાડીવલિત સ્ત્રીકેસર ધરાવે છે. વિન્ટરેસી કુળની છ પ્રજાતિઓ અને રાવેલ્સ ગોત્રના એક કુળમાં જલવાહિનીઓ(vessels)નો આદ્ય રીતે સદંતર અભાવ જ હોય છે. આમ દ્વિદળી વનસ્પતિઓમાં કેટલાક અપવાદો સિવાય બધી જ પ્રજાતિઓમાં જલવાહિનીઓ હોય છે અને કાષ્ઠ મુખ્યત્વે જલવાહિનીઓનું બનેલું હોય છે.
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ