બૅલિની, જૅકોપો (જ. 1400, વેનિસ, ઇટાલી; અ. 1470) : રેનેસાંના ઇટાલિયન ચિત્રકાર. જંતિલે દ ફૅબ્રિયાનોના હાથ નીચે જૅકોપોએ 1423માં તાલીમ લીધી હતી. જૅકોપોનાં ચિત્રોમાં ઘણી ઊંડી ગૉથિક અસર જોવા મળે છે. માત્ર ચાર જ ચિત્રો એવાં બચ્યાં છે, જે જૅકોપોએ જ ચીતર્યાં છે તેમ નિ:શંક કહી શકાય. આ ચિત્રોમાં માનવ-આકૃતિઓ થોડી અક્કડ દેખાય છે. 1441માં ફેરારાના લાયૉનેલો દેસ્તેના વ્યક્તિચિત્રની હરીફાઈમાં તેમણે પિઝાનેલોને હરાવી જીત મેળવી હતી. તેમની 2 સ્કેચબુક (ત્વરાલેખન-પોથીઓ) બચી છે. તેમાંથી એક બ્રિટિશ મ્યુઝિયમમાં અને બીજી લુવ્રમાં છે. તેમાંથી તેમના બે પુત્રો જંતિલે અને જિયોવાની તથા જમાઈ આન્દ્રેઆ માન્તેન્યાએ ઘણી પ્રેરણા મેળવી હતી.

અમિતાભ મડિયા