બૅલિની, જિયોવાની (જ. 1430, વૅનિસ, ઇટાલી; અ. 1516) : રેનેસાંના ઇટાલિયન ચિત્રકાર. પિતા જૅકોપો બૅલિનીના સ્ટુડિયોમાં તેમણે તાલીમ મેળવી. ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાની શૈલીનો જિયોવાની પર ઘેરો પ્રભાવ જોવા મળે છે. પરંતુ ચિત્રકલામાં તેમની નિજી સિદ્ધિઓ તેને રેનેસાંના ટોચના કલાકારોમાં સ્થાન અપાવે છે. તેમના શિષ્યોમાં જ્યૉર્જોને તથા ટિશ્યોં જેવા મહાન ચિત્રકારોનો સમાવેશ થાય છે. 1483માં જિયોવાનીની નિમણૂક ‘વેનૅશિયન રિપબ્લિક’ના રાજદ્વારી ચિત્રકાર તરીકે થઈ.

જિયોવાનીની મહત્વની કૃતિઓમાં ‘ધ ટ્રાન્સફિગરેશન’, ‘ડૉજેનું વ્યક્તિચિત્ર’, ‘ધ મૅડોના વિથ ધ ગ્રીક ઇન્સ્ક્રિપ્શન’, ‘મૅડોના ઑવ્ ધ ટ્રીઝ’, ‘ફિસ્ટ ઑવ્ ધ ગૉડ્ઝ’, ‘ટૉઇલેટ ઑવ્ વિનસ’ તથા ‘ઍન્થ્રૉડ મૅડોના વિથ ફોર સેંટ્સ’નો સમાવેશ થાય છે.

અમિતાભ મડિયા