બૅરી, જેમ્સ મૅથ્યુ (સર) (જ. 9 મે 1860, કિરીમ્યુર, સ્કૉટલૅન્ડ; અ. 19 જૂન 1937, લંડન) : આંગ્લ નાટ્યકાર. મહેનતકશ વણકર પિતાનાં દસ સંતાનોમાંનું તેઓ નવમું સંતાન હતા. એડિનબરો યુનિવર્સિટીમાં એમ.એ. થઈ પત્રકારનો વ્યવસાય અપનાવ્યો. સાહિત્યસર્જનની આકાંક્ષાથી પ્રેરાઈ લંડનમાં વસવાટ કર્યો અને પત્રકારત્વની સાથે સાથે નવલકથાના લેખનથી સાહિત્યિક કારકિર્દીનો આરંભ. પછી નાટ્યસર્જન તરફ વળ્યા. એમાં તેમને અનુકૂળ ક્ષેત્ર મળી જાય છે. નાટ્યક્ષેત્રે કરેલા તેમના પ્રદાનને બૅરોનેટ અને ‘ઑર્ડર ઑવ્ મેરિટ’ના ખિતાબોથી બિરદાવાયું છે.
જીવનમાં સેન્ટ ઍન્ડ્ર્યૂઝ યુનિવર્સિટીનું રેક્ટરપદ, એડિનબરો યુનિવર્સિટીનું ચાન્સેલરપદ વગેરે પ્રતિષ્ઠિત સ્થાનો પ્રાપ્ત કરવા છતાં અને નવલકથા વગેરેના સર્જન છતાં, સર જેમ્સ બૅરીની કીર્તિ તો નાટ્યસર્જન અને તેમાંય પીટર પૅન જેવા પાત્રના સર્જન પર નિર્ભર છે.
બૅરી સર્જનપ્રવૃત્તિનો સુપેરે આરંભ કરે છે – પત્રકારત્વના અનુભવો પર આધારિત નવલકથા ‘બેટર ડેડ’થી(1887). ‘ઓલ્ડ લિસ્ટ આઇડિલ્સ’ (1888) અને ‘એ વિન્ડો ઇન થ્રમ્સ’(1889)માં તેઓ કલ્પિત સ્થાનનિર્દેશ દ્વારા વતન કિરીમ્યુરનાં જીવનચિત્રો આપે છે. ‘વે´ન એ મૅન ઇઝ સિંગલ’ (1888) અને ‘સેન્ટિમેન્ટલ ટૉમી’ (1896) આત્મકથાના કલ્પનામિશ્રિત અંશોવાળી નવલકથાઓ બની રહે છે. તેમની લોકપ્રિય નવલકથા ‘ધ લિટલ મિનિસ્ટર’(1897)નું નાટ્યરૂપાંતર બૅરીને સફળ નાટ્યકાર તરીકે પ્રતિષ્ઠિત કરતાં, તેઓ પછી નાટ્યક્ષેત્રને અપનાવી લે છે. જોકે પછી પણ બૅરી ‘માર્ગરેટ ઑગિલ્વી’ (1896) જેવું, એક પુત્રના અપમૃત્યુના આઘાતથી અપંગ થઈ ગયેલી માતાના આશ્વાસન ખાતર રચેલું માતૃચરિત્ર, અદભુત રસયુક્ત નવલકથા ‘ફેરવેલ, મિસ જૂલી લોગાન’ (1931) તથા અગાઉ પત્રકાર તરીકે પ્રસિદ્ધ કરેલા લેખોનો સંગ્રહ ‘ધ ગ્રીનવુડ હૅટ’ (1937) આપે છે. ‘પીટર પૅન’ના પાત્રવાળો, તે નામના વિખ્યાત નાટકના આગોતરા અણસાર સમો વાર્તાસંગ્રહ ‘ધ લિટલ વ્હાઇટ બર્ડ’ (1902) અને પછીથી એ પીટર પૅનની જ વાર્તા ‘પીટર ઍન્ડ વેન્ડી’ (1911) પણ બેરી પાસેથી મળે છે.
આરંભનાં કેટલાંક નાટકો અસફળ થયા પછી બૅરી ‘વૉકર, લંડન’(1892)થી ધ્યાન ખેંચે છે. પછીનો તેમનો ગીતિનાટ્ય(opera)નો સંવાદભાગ લખવાનો, સર આર્થર કૉનન ડૉઇલના સહકારમાં કરેલો પ્રયત્ન ખાસ સફળ થતો નથી; પરંતુ ‘પ્રોફેસર્સ લવ-સ્ટૉરી’ (1894) અને ‘ધ લિટલ મિનિસ્ટર’(રૂપાંતર, 1897)થી તેઓ નોંધપાત્ર નાટકકાર બની રહે છે. ‘ધ વેડિંગ ગેસ્ટ’ (1900) પછી તો ‘ક્વૉલિટી સ્ટ્રીટ’ (1902), ‘ઍડમિરેબલ ક્રાઇટન’ (1902), ‘લિટલ મેરી’ (1903) તથા ‘વૉટ એવરી વુમન નોઝ’(1908)થી તો બૅરીની અગ્રણી નાટકકારોમાં ગણના થાય છે. તેમાંય ‘પીટર પૅન’(1904)ની રજૂઆત બૅરીને ચિરસ્થાયી પ્રતિષ્ઠા અપાવે છે.
‘ધ ટ્વેલ્વ પાઉન્ડ લુક’ (1910) અને ‘ધ વિલ’ (1913) પછીથી રચાતું ‘ડિયર બ્રૂટસ’ (1917) બૅરીની એક ઉત્તમ કરુણાંતિકા છે. તે પછી ‘મેરી રોઝ’ (1920) અને બાઇબલમાંની કથા પર આધારિત ‘ધ બૉય ડેવિડ’ (1936) તેમની પાસેથી મળે છે.
બૅરીનાં એકાંકીઓમાં ‘ધી ઓલ્ડ લેડી શોઝ હર મેડલ્સ’ (1917) અને ‘શેલ વી જૉઇન ધ લેડિઝ’ (1922) નોંધપાત્ર છે અને વારંવાર ભજવાયાં છે. બૅરીનાં નાટકોમાં તખ્તાલાયકીની ઉત્તમ સૂઝ દેખાય છે. તે એમને પ્રથમ કક્ષાના રંગલક્ષી નાટકકાર બનાવે છે. જેમ્સ બૅરીએ અનેક સફળ નાટ્યકૃતિઓ આપી છે, પણ તેમાં ‘ઍડમિરેબલ ક્રાઇટન’ ચિરસ્મરણીય છે. તેનું નામ જ એક રૂઢિપ્રયોગ બની ગયું છે, પણ તેથીયે ચડિયાતું નાટક છે ‘પીટર પૅન’. તે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે અને ઇંગ્લૅન્ડમાં તો પ્રતિવર્ષ નાતાલ દરમિયાન એક રિવાજ તરીકે તે રજૂ થતું રહ્યું છે.
ઇબ્સનનાં પ્રશ્નપ્રધાન અને વાસ્તવવાદી નાટકોના પ્રભાવના સમયમાં બૅરીએ એક જ પ્રશ્નપ્રધાન નાટક ‘વેડિંગ ગેસ્ટ’ આપ્યું છે. કલ્પનાપ્રધાન રંગદર્શિતા અને ઊર્મિશીલતા ઉપરાંત એક પ્રકારનું ચિરશૈશવનું તત્વ બૅરીનાં નાટકોમાં નોંધપાત્ર બની રહે છે. મોટા ભાઈનું અપમૃત્યુ, માની અપંગતા, અસફળ લગ્નજીવન વગેરેની વેદનાઓએ એના નિરૂપણને હૃદયવેધક કર્યું છે. ઇંગ્લૅન્ડની સાંસ્કૃતિક પરંપરામાં પુરાકલ્પન સમું બની રહેલું પીટર પૅનનું પાત્ર – બૅરીની વિશિષ્ટ મનોઘટનાનું ઉત્તમ ઉદાહરણ છે. બૅરીનાં નાટકોમાં હળવાશ, કટાક્ષ, કલ્પનારંગી અવાસ્તવ જેવાં ઘટકતત્વોની ભીતરમાં શૈશવને પકડી રાખવા મથતો, વાસ્તવિક જીવનના કરુણ સૂરને વીસરવા મથતો પ્રાણસંચાર અનુભવાય છે. તેને કારણે સર જેમ્સ બૅરી ઉત્તમ નાટકકારોની હરોળમાં ચિરસ્થાયી આસનના અધિકારી બન્યા છે.
વિનોદ અધ્વર્યુ