બૅરિસ્ટર : ઇંગ્લૅન્ડમાં વિશિષ્ટ તાલીમ પામેલા વકીલ માટે પ્રયોજાતી સંજ્ઞા. વકીલાતનો વ્યવસાય કરવા ઇચ્છુક ભારતીઓને પણ આ પ્રકારની તાલીમ અપાતી હતી, જેના કારણે તેઓ બૅરિસ્ટર તરીકે કામ કરી શકતા હતા. એક જમાનામાં દુનિયાના અનેક દેશોમાંથી વિદ્યાર્થીઓ કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે ઇંગ્લૅન્ડ જતા. એ રીતે ભારતમાંથી ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ જેવી અનેક વ્યક્તિઓ બૅરિસ્ટર થવા માટે ઇંગ્લૅન્ડ ગયેલી. ભારતમાં જેમ વકીલ માટે ‘ઍડવોકેટ’ શબ્દ વપરાય છે તેમ ઇંગ્લૅન્ડમાં ચોક્કસ પ્રકારની તાલીમ પામેલા વકીલને આજે પણ ‘બૅરિસ્ટર’ તરીકે ઓળખવામાં આવે છે. બંધારણની સમાનતાની મૂળ ભાવનાને ધ્યાનમાં રાખીને ભારતમાં ઍડવોકેટ ઍક્ટ પસાર થયો ત્યારથી ‘બૅરિસ્ટર’ અને ‘ઍડવોકેટ’ બંનેને સમાન દરજ્જા પર મૂકવામાં આવ્યા છે. તાત્વિક ર્દષ્ટિએ જોઈએ તો ઇંગ્લૅન્ડની રૂઢિચુસ્ત રીત-ભાત મુજબ વકીલને જે રીતે તાલીમ મળે છે અને ભારતમાં જે રીતે મળે છે તે બંનેમાં ઘણો ફેર છે.
‘બૅરિસ્ટર’ શબ્દના મૂળમાં ‘બૅરિસ્ટ’ શબ્દ છે. ‘બૅરિસ્ટ’ એટલે એવી વ્યક્તિ કે જે કાયદાનો વિદ્વાન હોય, વકીલોના મંડળે (બાર એસોસિયેશને) તેને વકીલ (ઍટર્ની અથવા કાઉન્સેલ) તરીકે સ્વીકાર્યો હોય તથા જે પોતાના અસીલને કાયદા અંગે સલાહ આપવાની તથા તેના કેસને કૉર્ટમાં વ્યવસ્થિત રજૂઆત કરીને તેનો બચાવ કરવાની કામગીરી કરતો હોય.
‘બૅરિસ્ટર’ના જેવો એક બીજો શબ્દ છે ‘સોલિસિટર’. સોલિસિટર સામાન્ય રીતે ઑફિસમાં બેસીને જે તે કેસની તૈયારી કરવાની કામગીરી કરતો હોય છે, પરંતુ પોતે ન્યાયાલયોમાં જઈને પોતાના અસીલનો કેસ ચલાવતો નથી. જોકે આ તફાવત વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન ભૂંસાઈ ગયો છે. ઇંગ્લૅન્ડમાં તો એવી કાયદાની જોગવાઈ અને પરંપરા છે કે બૅરિસ્ટર માત્ર ઉપલી કૉર્ટમાં જ કેસની રજૂઆત કરી શકે. તેમના મંડળને ‘બાર એસોસિયેશન’ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ન્યાયાધીશોની નિમણૂક પણ તેઓમાંથી કરવામાં આવે છે અને તે રીતે જોતાં સમાજમાં બૅરિસ્ટરનું સ્થાન ઊંચું અને અનોખું રહ્યું છે.
બૅરિસ્ટર થવા માટે દરેક ઉમેદવારે કાઉન્સિલ ઑવ્ લીગલ એજ્યુકેશને નક્કી કરેલી સંખ્યાબંધ પરીક્ષાઓ પાસ કરવી પડે છે. આ પરીક્ષાઓ દરમિયાન કૉર્ટમાં ‘બેન્ચર્સ’ નામના અધિકારીઓ(હાઇકૉર્ટના જજો કે બૅરિસ્ટરો)ની બનેલી ચાર ઇન (સંસ્થાઓ) પૈકીની કોઈ પણ એક સંસ્થાએ તેનો સભ્ય તરીકે સ્વીકાર કર્યો હોય અને તે નાદાર જાહેર ન થયો હોય તો જ તેને હાઇકૉર્ટ, એપેલેટ ટ્રિબ્યૂનલ, હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ અને સુપ્રીમ કૉર્ટમાં રજૂઆત કરવાની સનદ પ્રાપ્ત થાય છે. વળી આ ઇન હજુ પણ ગુરુ-શિષ્ય પરંપરા પર ભાર મૂકે છે. બૅરિસ્ટર થવા આવનાર વ્યક્તિએ ઓછામાં ઓછું એક વર્ષ માટે કોઈ અનુભવી અને પાંચ વર્ષથી વધુ સમયથી બૅરિસ્ટર તરીકે વકીલાત કરતી વ્યક્તિ સાથે શિષ્ય–એપ્રેન્ટિસ–જુનિયર–શિખાઉ વકીલ તરીકે કામ કરવું પડે છે. અજમાયશીનો સમય અને નિર્ધારિત શરતો પૂરી થઈ હોય તો જ જજ એવા બૅરિસ્ટરને પોતાની કૉર્ટમાં કેસની રજૂઆત કરવાની છૂટ આપે છે.
બારની જનરલ કાઉન્સિલ તેના સભ્યપદ માટેનાં ધારા-ધોરણો નક્કી કરે છે; દા.ત., તેમણે ફરજના એક ભાગ રૂપે વાજબી ફીથી અમુક નક્કી કરેલા કેસો સ્વીકારવા પડે છે. કોઈ બૅરિસ્ટરને પોતે કરેલા કામ બદલ પોતાની નક્કી કરેલી ફી પણ ન મળે તો તેને તે માટે તેના અસીલ સામે કાનૂની કાર્યવાહી કરીને ફી વસૂલ કરવાનો અધિકાર હોતો નથી. કોઈ એક બૅરિસ્ટર બીજા બૅરિસ્ટર સાથે કે સોલિસિટર સાથે ભાગીદારી કરી શકતો નથી. તેમને કોઈ અન્ય વ્યાપાર-વાણિજ્ય, વ્યવસાય કે ધંધો કરવાનો અધિકાર હોતો નથી. આ જોગવાઈઓનો ભંગ થયો છે એમ લાગે તો દરેક ઇન(સંસ્થા)ની કારોબારી સમિતિ પાસે તેના સભ્યો સામે શિસ્તભંગ અંગેનાં પગલાં ભરવાની સત્તા હોય છે. 1966માં ચારેય ઇનની એક સેનેટ બનાવવામાં આવી અને તેને આવી સત્તા સુપરત કરવામાં આવી.
ખરેખર તો અસીલની સૂચના મુજબ સોલિસિટર જે તે કેસ તૈયાર કરીને બૅરિસ્ટરને મોકલી આપે છે. બૅરિસ્ટર સીધેસીધો અસીલ પાસેથી કોઈ કેસ સ્વીકારી શકે નહિ. કેસ દાખલ કરતાં પહેલાં સોલિસિટરો કાયદાનું મોટાભાગનું કામ કરી દેતા હોય છે. તેઓ મોટેભાગે અસીલ સાથે ચર્ચા કરવાનું, તેને સલાહ આપવાનું, દસ્તાવેજો તૈયાર કરવાનું, વાટાઘાટો કરવાનું અને કૉર્ટમાં કેસ ચલાવવા માટે તેનો મુદ્દાસર દલીલો સાથેનો ખરડો તૈયાર કરવાનું કામ કરતા હોય છે. ત્યારપછી સલાહ આપવા માટે, કાયદાના અર્થઘટન માટે અને ઉપલી કૉર્ટમાં દલીલ કરવા માટે બૅરિસ્ટરને રોકવામાં આવતા હોય છે. બૅરિસ્ટરો કૉર્ટમાં જે કંઈ રજૂઆતો કરે છે તે અસીલના પ્રતિનિધિઓ તરીકે કરે છે અને તેથી તે અસીલને બંધનકર્તા ગણાય છે. વળી કોઈ પણ બૅરિસ્ટર તેની પાસે આવેલ અસીલના કેસના વાજબીપણા અંગે વ્યક્તિગત રીતે ગમે તે અભિપ્રાય ધરાવતો હોય છતાં માત્ર તે જ કારણે તેનો કેસ ચલાવવાની ના પાડી શકે નહિ. આ બૅરિસ્ટરો કૉર્ટના ઑફિસર ગણાય છે. તેથી તેઓ કોઈ પેઢીમાં સક્રિય ભાગીદાર તરીકે કે કોઈ જગ્યા ઉપર પગારદાર અધિકારી તરીકે જોડાઈ શકતા નથી. હવે આ નિયમોમાં થોડી છૂટછાટ જાહેર કરવામાં આવી છે અને તે મુજબ તેમને વકીલાતના ધંધાને આનુષંગિક વ્યવસાયમાં જોડાવાની પરવાનગી આપવામાં આવી છે. આમ છતાં તેઓ બૅરિસ્ટરના વ્યવસાયને વિરુદ્ધ અસર કરે તેવી પૂરા સમય માટેની વકીલાત સિવાયની અન્ય કોઈ કામગીરીમાં જોડાઈ શકતા નથી. ઇંગ્લૅન્ડમાં બૅરિસ્ટર તરીકે અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવવા ઇચ્છતી વ્યક્તિને ત્યાંના કોઈ બે પ્રતિષ્ઠિત જવાબદાર સદગૃહસ્થોનાં પ્રમાણપત્રો રજૂ કરવાં પડે છે; જેમાં તેઓએ બૅરિસ્ટર માટેનો ઉમેદવાર સારી ચાલચલગત ધરાવે છે અને એક વર્ષથી વધુ સમયથી તેને ઓળખે છે એવું જણાવવાનું રહે છે.
બૅરિસ્ટર તરીકેની તાલીમ પૂરી થયા પછી જ્યારે તેને કાયદાનો વ્યવસાય કરવાની વિધિવત્ પરવાનગી આપવામાં આવે છે ત્યારે તેને ‘called to the bar’ કહેવામાં આવે છે.
પ્રવીણ જે. ગાંધી