બૅરિસ્ટર પાર્વતીસમ

January, 2000

બૅરિસ્ટર પાર્વતીસમ (1925) : તેલુગુ કૃતિ. જાણીતા તેલુગુ લેખક મોક્કાપટ્ટી નરસિંહશાસ્ત્રીની આ નવલકથા 1925માં પ્રગટ થયા પછી અત્યંત લોકપ્રિય થઈ. પરિણામે 1971માં એમાં 2 ભાગ ઉમેરાયા, એટલે એ કથાત્રયી બની. એ આંધ્રપ્રદેશના સામાન્ય યુવકની જીવનકથા છે.

આંધ્રના મોગાલીતુર નરસપુર ગામનો યુવક વેન્નુટી પાર્વતીસમ પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં ઇંગ્લૅન્ડમાં એડિનબરોમાં અભ્યાસાર્થે જાય છે. આમ તો એ રૂઢિચુસ્ત ધનવાન કુટુંબમાં ઊછર્યો હતો. લાડમાં ઊછરેલો હોઈ તેનું ભણવામાં ચિત્ત ચોંટ્યું નહિ અને માધ્યમિક શાળાનું શિક્ષણ પૂરું કર્યા વિના જ એણે ભણતર છોડ્યું અને રાજકીય સામાજિક પ્રવૃત્તિમાં પડ્યો. એણે દેશભક્ત વકીલની સલાહ માની કાયદાના અભ્યાસ માટે વિલાયત જવાનું નક્કી કર્યું. એનાં મા-બાપ તો સંમત થાય નહિ, એથી એ ખાનગી લોન લઈને છટક્યો. અંગ્રેજી પૂરું સમજતો ન હોવાથી, અને ગામમાં જેમ ઉદ્દંડતાથી વર્તતો હતો તેમજ આગબોટમાં વર્તતો હોવાથી એના વર્તનથી એ હાસ્ય જન્માવે છે. પહેલો ભાગ એ ઇંગ્લૅન્ડ પહોંચે છે ત્યાં પૂરો થાય છે. બીજા ભાગમાં ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડમાં તદ્દન અજાણ્યા વાતાવરણમાં એને પોતાના ગામમાં જેમ વર્તતો તેમ વર્તવા જતાં એક પછી એક છબરડા વાળતો બતાવ્યો છે. ત્યાં એડિનબરોમાં એક ભોજનસમારંભમાં એની બાઘાઈથી તે સમારંભમાં બધાંને પેટ પકડીને હસાવે છે. ત્રીજા ભાગમાં પાર્વતીસમ ભારત આવીને વકીલાત કરે છે. ભારતમાં તે ઇંગ્લૅન્ડમાં રહેતાં જેવું વર્તન કરતો હતો તેવું વર્તન કરવા જાય છે અને તેથી હાસ્ય નિષ્પન્ન થાય છે. એવામાં ગાંધીજીની અસહકારની લડત શરૂ થાય છે અને તે એમાં ઝંપલાવે છે, જેલમાં જાય છે. છૂટીને વકીલાત છોડી, રાષ્ટ્રસેવામાં જ જીવન વ્યતીત કરે છે. ત્રીજા ભાગમાં હાસ્યરસ પ્રમાણમાં ઓછો છે. તેલુગુમાં હાસ્યરસની કૃતિઓમાં એનું સ્થાન ઘણું ઊંચું છે.

ચન્દ્રકાન્ત મહેતા