બૅબિલોનિયન સંસ્કૃતિ

January, 2000

બૅબિલોનિયન સંસ્કૃતિ : યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીને તીરે મેસોપોટેમિયામાં વિકસેલી સંસ્કૃતિ. યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીની વચ્ચેનો પ્રદેશ મેસોપોટેમિયા તરીકે ઓળખાતો હતો. આજે આ પ્રદેશ ઇરાક તરીકે ઓળખાય છે.

સુમેરિયન સંસ્કૃતિના પતન બાદ બૅબિલોનિયન સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી. સુમેર-અક્કડ સામ્રાજ્યના પતન પછી યુફ્રેટિસ નદીના કિનારે એમોરાઇટ જાતિના લોકો સ્થિર થયા. ઈ. પૂ. 2200ના અરસામાં  એમોરાઇટ જાતિના લોકો બૅબિલોનમાં વસ્યા હતા.

ઈ. પૂ. 2123–2080માં થઈ ગયેલા એમોરાઇટ જાતિના હમ્મુરાબી નામના એક મહાન પ્રતાપી રાજાના શાસનકાળમાં બૅબિલોનિયાની સંસ્કૃતિએ ઘણો વિકાસ સાધ્યો. તેણે સુમેર અને અક્કડ જાતિના લોકોને હરાવી એક શક્તિશાળી મધ્યસ્થ રાજસત્તાની સ્થાપના કરી.

હમ્મુરાબી લશ્કરી નેતા, દીર્ઘષ્ટિવાળા વહીવટકર્તા અને કાયદાના ઘડવૈયા તરીકે ઇતિહાસમાં જાણીતો બન્યો છે. એક વિજેતા કરતાં પ્રખર બુદ્ધિશાળી શાસક અને કાયદા ઘડનાર તરીકે હમ્મુરાબીની ખ્યાતિ વિશેષ છે. તેણે પોતાના કાયદા, વિશ્વમાં સૌપ્રથમ વાર પથ્થર ઉપર કોતરાવી પ્રસિદ્ધ કર્યા. હમ્મુરાબીના શાસનકાળનાં પ્રથમ વીસ વર્ષ યુદ્ધો ખેલવામાં અને સુમેરિયાને સર કરવામાં ગયાં હતાં. શાંતિના સમયમાં તેણે સંસ્કૃતિના વિકાસમાં અને બૅબિલોન નગરના નિર્માણમાં પોતાનો સમય વિતાવ્યો.

તેણે રાજ્યના વિભાગો પાડી તેના જુદા જુદા વહીવટી એકમો કર્યા. દરેક વહીવટી એકમ પર એક હાકેમને નીમવામાં આવતો. રાજ્યની એક સામાન્ય નીતિ નક્કી કરતા હુકમો હાકેમોને આપવામાં આવતા. અહીં ખોદકામ કરતાં માટીની તક્તીઓ ઉપર લખાયેલા 55 પત્રો મળી આવ્યા છે. અધિકારીઓને સંબોધીને લખવામાં આવેલા આ પત્રોમાં કર કેમ ઉઘરાવવા, નદીમાં પૂર આવવાથી થયેલો કીચડ કેમ દૂર કરવો, ઘેટાંનું ઊન ઉતારવાના ઉત્સવ પ્રસંગે અધિકારીઓએ હાજર રહેવું વગેરે બાબતોની સૂચનાઓ આપેલી છે. તે ઉપરાંત સરકારની નીતિની સમજ આપવા માટે હાકેમોની પરિષદો રાજધાનીમાં બોલાવવામાં આવતી. લોકકલ્યાણનું અને વહીવટી કામ ઝડપી બને તે હેતુ ધ્યાનમાં રખાતો હતો. પ્રજાની આબાદી એ એના રાજ્યવહીવટનો પ્રાણમંત્ર હતો.

હમ્મુરાબી જગતમાં પ્રસિદ્ધ થયો તે તેણે ઘડેલા કાયદાઓને આભારી છે. 2.5 મીટર ઊંચા એક શિલાખંડ પર કુલ 285 કાયદાઓ તેણે સેમિટિક ભાષામાં કોતરાવ્યા હતા. હમ્મુરાબી સૂર્યદેવ પાસેથી કાયદાની ભેટ મેળવતો હોય તે રીતે તેને કોતરેલા છે. તેનું કારણ એ હતું કે, આ કાયદા દૈવી છે એવી માન્યતા લોકોમાં ર્દઢ થાય તેમ તે ઇચ્છતો હતો. આ કાયદાઓ સમાજનાં સર્વ ક્ષેત્રને સ્પર્શતા હતા. કેટલાક કાયદાઓ હાલના ન્યાયના સિદ્ધાંત સાથે સુસંગત ન હતા. ઘર પડી જવાથી ઘરના માલિકનો છોકરો દટાઈ મરે તો ઘર બાંધનારાના છોકરાને ફાંસીએ ચડાવવામાં આવતો; તેમ છતાં કેટલાક કાયદાઓ આધુનિક કાયદાઓને મળતા આવે છે; દા.ત., ધનિકો ગરીબોને પીડે તો તેના માટે દંડની વ્યવસ્થા; ગરીબો, વિધવાઓ અને અનાથોને ન્યાય મળે તેવી જોગવાઈ; કાયદાનો ભંગ કરનાર માટે ભારે સજાની જોગવાઈ તેમજ છેલ્લી ન્યાયની સત્તા રાજાની હોવી વગેરે. તેણે શેઠ-ગુલામના સંબંધને લગતા પણ કાયદા કર્યા હતા. પતિ-પત્નીના સંબંધો અને લગ્નથી જોડાયેલ દંપતીના પરસ્પરના હક અને ફરજોની સ્પષ્ટતા આ કાયદાઓમાં કરવામાં આવી હતી. છૂટાછેડાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે; પરંતુ જો પત્ની પતિ પરત્વે ગેરવર્તન દાખવે તો તેને માટે તળાવમાં ફેંકી દેવાની શિક્ષા સૂચવવામાં આવી છે. માત્ર મનુષ્ય જ નહિ, પરંતુ ઢોરને પણ દાક્તરો દ્વારા કંઈ હાનિ થાય તો તેમને સજા થતી. ઑપરેશન દરમિયાન દાક્તરની બેદરકારી કે બિનઆવડતને કારણે દરદીને ગંભીર ઈજા થાય તો દાક્તરના હાથ કાપી નાખવામાં આવતા. દારૂના પીઠામાંથી સાધ્વી પકડાય તો તેનો શિરચ્છેદ કરવામાં આવતો. આ ઉપરાંત તોલમાપ, કરારોનું પાલન, મિલકતના હકો વગેરે અનેક વિષયોને સ્પર્શતા કાયદા હમ્મુરાબીએ ઘડેલા. હમ્મુરાબીના કાયદા ઉપરથી આપણને બૅબિલોનના લોકજીવનની રસપ્રદ માહિતી, તેમનું આર્થિક જીવન અને અન્ય લક્ષણોની જાણકારી મળે છે.

વેપાર-રોજગાર : તે સમયે વેપાર વિનિમયપદ્ધતિએ થતો. વ્યાજનો દર અગાઉથી નક્કી થતો. સરકાર વેપાર, વાણિજ્યનું નિયમન કરતી. તોલમાપના ચોક્કસ નિયમો હતા. પશ્ચિમ એશિયામાં માલની હેરફેર ગધેડા મારફત થતી. ઇજિપ્ત, પૅલેસ્ટાઇન, એશિયા-માઇનર, શ્રીલંકા અને ભારતના વેપારીઓ પણ અહીં આવતા. આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વનું કેન્દ્ર આ સમયે બૅબિલોન હતું. ઈ. પૂ. 3000માં ભારતનું મલમલ અહીં આવતું, જે ‘સિંદુ’ના નામે ઓળખાતું. ખોદકામ કરીને સોનું, રૂપું, તાંબું, લોઢું તેમજ સીસું મેળવવામાં આવતું. દ્રાક્ષનો દારૂ, બદામનું તેલ, ઇમારતી લાકડું, તેજાના, પરવાળાં, તાંબું, હીરા, માણેક વગેરેની પરદેશથી આયાત થતી. આ ચીજોના બદલામાં બૅબિલોનમાંથી અનાજ, ખારેક, ઊંચા પ્રકારનું ઊન, ઊનનાં કપડાં વગેરેની નિકાસ થતી હતી. ઊનના વણાટના, રેંટિયા દ્વારા કાંતણ અને રંગકામના ઉદ્યોગો અહીં ચાલતા. બૅબિલોનનાં  મંદિરો ઉદ્યોગનાં ધીકતાં કેન્દ્રો હતાં. મંદિરો બૅંકોનું કામ કરતાં. ચલણમાં નાણું નહિ હોવાથી અમુક ચોક્કસ વજનની ચાંદીની લગડીના સોદા થતા. સોનાનો વપરાશ પ્રમાણમાં ઓછો હતો. સોનું ચાંદી કરતાં પંદરગણું કીમતી ગણાતું. સોના, ચાંદી અને કીમતી પથ્થરના દાગીના તૈયાર કરવા સોની, ઝવેરીઓ દિવસ-રાત કામ કરતા.

ખેતી : આ સંસ્કૃતિના લોકો મુખ્યત્વે શાકાહારી હતા. ઘઉં, જવ અને ખજૂર પુષ્કળ પાકતાં. માંસનો આહાર શ્રીમંતોને જ પરવડતો. સામાન્ય પ્રજાનો પોશાક સુતરાઉ અને ગરમ કપડાંનો હતો. કાંસાનાં ઓજારોનો ઉપયોગ પણ થતો. પ્રજાનો મુખ્ય વ્યવસાય ખેતીનો હતો. દુધાળાં ઢોર ઉછેરવામાં આવતાં. સામાન્ય રીતે જમીનદારોના હાથમાં જમીનો હતી. ગુલામો તેમની જમીનો પર હળથી ખેતી કરતા. હળને બળદ જોતરવાનો રિવાજ તે વખતે અસ્તિત્વમાં આવી ચૂક્યો હતો. ખેતરોની આસપાસ પાળા કરી પાણી ભરી રખાતું અને નદીનાં પૂરોથી ઊભરાતા પાણીને તળાવો અને નહેરોમાં વાળવામાં આવતું. શાકભાજીની વાડીઓ અને ખજૂર, દ્રાક્ષ વગેરે ફળોના બગીચાઓ વિપુલ પ્રમાણમાં હતા.

સમાજવ્યવસ્થા અને રીતરિવાજો : સમાજમાં મુખ્યત્વે ત્રણ વર્ગ હતા : ધનિક વર્ગ; મધ્યમ વર્ગ તથા કારીગર, મજૂર અને ગુલામોનો વર્ગ. ધનિક વર્ગ એશ-આરામી જીવન ભોગવતો. તેઓ મધ્યમવર્ગ અને ગુલામોનું શોષણ કરી પોતાનું ઐશ્વર્ય વધારતા. મધ્યમ વર્ગના લોકો સામાન્ય વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા, જ્યારે ગુલામો દિવસ-રાત મજૂરી કરતા અને શોષણનો ભોગ બનતા. હમ્મુરાબીએ ગુલામોને સ્વતંત્ર જીવન જીવવાના અને ખાનગી મિલકત ધરાવવાના હકો આપ્યા હતા; પણ વાસ્તવમાં તો તેમનું શોષણ જ થતું હતું.  તેમ છતાં અન્ય પ્રાચીન સંસ્કૃતિઓની સરખામણીમાં અહીંના ગુલામોની સ્થિતિ સારી હતી.

જાતિભેદ રાખ્યા સિવાય હુન્નર-ઉદ્યોગ કરવાનો સર્વનો હક હતો. સ્ત્રીઓને સ્વતંત્ર નાગરિક તરીકેનો હક હતો. પરિણીત સ્ત્રીઓનો દરજ્જો સમાજમાં ઊંચો ગણાતો. સ્ત્રીઓ કુંવારી રહી શકતી. પોતાના સમય અને કમાણીની તે સ્વતંત્ર માલિક ગણાતી. કાયદાની બાબતમાં પુરુષો જેટલા જ હકો તે ભોગવતી. સ્વતંત્ર લોકો સાથે ગુલામો લગ્ન કરી શકતા અને ગુલામોના મરણ પછી તેમનાં બાળકો સ્વતંત્ર નાગરિક બની શકતાં.

પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ શૃંગારપ્રિય હતી. લગ્નની પ્રથા અસ્તિત્વમાં હતી. તેની વિધિ સાદી હતી. સ્ત્રીઓ ઉંમરલાયક થતાં વિનસના મંદિરમાં જતી. ત્યાં કોઈ પણ અજાણ્યો પુરુષ તેમનો ઉપભોગ કરતો એ પછી જ એ લગ્ન માટે લાયક ઠરતી. આ વિધિને તેઓ ધાર્મિક ગણતા. મંદિરોમાં વેશ્યાઓ રહેતી. આ ધંધો પવિત્ર ગણાતો. કામચલાઉ લગ્નોની પણ વ્યવસ્થા હતી. સ્ત્રીઓની જાહેરમાં હરાજી થતી. પુરુષ તેમાંથી મનગમતી સ્ત્રી મેળવીને પરણતો. પુરુષ લગ્ન પછી બેવફા નીવડે તો કંઈ નહિ, પણ સ્ત્રી બેવફા નીવડે તો તેને ડુબાડીને મારી નાખવામાં આવતી. શ્રીમંતોનાં ઘરોમાં સ્ત્રીઓ પડદામાં રહેતી.

કાયદો : કાયદાકીય બાબતમાં રાજા સર્વસત્તાધીશ હતો. રાજાને સલાહ આપવા સલાહકારમંડળ હતું. ધર્મગુરુઓનું સ્થાન ઊંચું હતું.  આજની શહેર-સુધરાઈ જેવી વ્યવસ્થા તે કાળે અસ્તિત્વમાં હતી. અદાલતો ઝિગુરાતમાં બેસતી. પ્રારંભમાં ધર્મગુરુઓ અને પાછળથી રાજનિયુક્ત ન્યાયાધીશો ન્યાય આપતા. જુદા જુદા ગુનાઓ માટે શારીરિક શિક્ષા તથા દંડની શિક્ષા કરવામાં આવતી.

વિજ્ઞાન : તારાઓના પરિભ્રમણ પરથી ક્યારે કયો બનાવ બનશે તેનું ભવિષ્ય ભાખવામાં આવતું. વિજ્ઞાન ઉપર ધર્મની પ્રબળ અસર હતી. લોકોને મંત્ર-તંત્ર અને જાદુમાં આસ્થા હતી. પરિણામે રોગ-નિવારણ માટે ઔષધોને સ્થાને મંત્ર-તંત્ર અને દોરા-ધાગાનો ઉપયોગ થતો. જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવતો. ગુણાકાર-ભાગાકાર માટે ગણિતશાસ્ત્રીઓએ વ્યવસ્થિત કોઠા બનાવ્યા હતા. સંખ્યાઓનું અડધું, ¼ તથા વર્ગ અને ઘન (squares and cubes) કાઢતાં પણ તેમને આવડતું. બાર માસનું ચંદ્રવર્ષ તેમને સુમેરિયનો પાસેથી મળ્યું હતું. તેમાં સાત દિવસના અઠવાડિયાની તેમણે શોધ કરી. કલાક, મિનિટ, સેકંડના વિભાજનનું પણ તેમને જ્ઞાન હતું. સૂર્યઘટિકા અને જલઘટિકાની તેમણે શોધ કરી હતી. આમ, સુમેરિયનો પાસેથી મળેલો વારસો બૅબિલોનિયન લોકોએ સંભાળ્યો; એટલું જ નહિ, પણ તેમાં વધારો કરી તેને દીપાવ્યો હતો.

શિક્ષણ : શિક્ષણની વ્યવસ્થા મંદિરોમાં જ ગોઠવાઈ હતી. શાળાઓ તરીકે મંદિરોનો ઉપયોગ થતો. વિદ્યાર્થીઓ માટીની તખતીઓ ઉપર લખતા અને 350 ચિહ્નોવાળી ક્યુનિફૉર્મ લિપિનો ઉપયોગ કરતા હતા. તખતીઓ લખવામાં જે પાવરધા હોય તેની સૂર્ય સાથે સરખામણી થતી. વિદ્વાનોને સમાજમાં પ્રતિષ્ઠા મળતી હતી.

સ્થાપત્ય : દરેક શહેરમાં ઝિગુરાતનાં મંદિર ઊંચા ટેકરા પર બાંધવામાં આવતાં. દેવમંદિર ઉપર ચઢવા માટે પગથિયાંને બદલે ઢાળવાળી પગથી રાખવામાં આવતી. દૂરથી ટાવર જેવો તેનો દેખાવ લાગતો. આવું એક ઝિગુરાતનું મંદિર આશરે 216 મીટર ઊંચું હતું. ઝિગુરાત એટલે ઈશ્વરનો ટેકરો. ટાવરની ટોચે ઇષ્ટદેવનું મંદિર રહેતું. મંદિરની દીવાલો શણગારવામાં આવતી. સ્તંભોનો ઉપયોગ જણાતો નથી; પણ કમાનો જોવા મળે છે.

આ ઝિગુરાતની લાક્ષણિકતા એ છે કે તે કેવળ દેવમંદિરો ન હતાં; પણ શહેરના સમગ્ર જીવનનાં ધબકતાં કેન્દ્રો હતાં. મંદિરમાં પૂજારી અને ધર્મગુરુ ઉપરાંત કારીગરો હતા, જે મંદિરમાં આવતી કાચી વસ્તુઓમાંથી કારીગરી કરતા. તેમાં સોની, ઝવેરી, રંગરેજ, વણકર, શિલ્પી જેવા ધાતુ પર કારીગરી કરનારાઓનો સમાવેશ થતો. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અધ્યાપકો અને ગ્રંથાલયની પણ સગવડ હતી. ઝિગુરાત વિવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું.

ઇમારતો પર જોવા મળતી સુંદર ચિત્રોવાળી તક્તીઓ (ટાઇલ્સ) અને ભાતીગળ ઈંટો પર પ્રતિબિંબિત થતી બૅબિલોનિયન સંસ્કૃતિની એક ઝલક

ધર્મ : સુમેરિયાની પ્રજાની જેમ આ પ્રજા પણ કુદરતી તત્વોની પૂજા કરતી. તેઓ અનેક દેવદેવીઓમાં માનતા. મારડૂક દેવની તેઓ પૂજા કરતા. મારડૂક દેવાધિદેવ ગણાતો. ઈસ્ટર એ મહાદેવી ગણાતી. તે પ્રેમ અને યુદ્ધની દેવી હતી. બલિ માટેના ઘેટાના કાળજા ઉપરથી અને ગ્રહો  ઉપરથી ભવિષ્ય કહેવાતું. રાજ્યસત્તા ઉપર ધર્મગુરુઓનું નિયંત્રણ હતું. તેઓ રાજાઓનો રાજ્યાભિષેક કરતા. આ ક્રિયા વખતે રાજા ધર્મગુરુઓનો પોશાક પહેરતો. દેવોના નામે કર ઉઘરાવાતો, જે દેવભંડારમાં જતો. યુદ્ધની લૂંટનો મોટો ભાગ તથા પકડાયેલા ગુલામો દેવોને ધરાવાતા. મંદિરોને મોટી જમીનો અર્પણ થતી. ધર્મગુરુઓને વર્ષાસન મળતાં. આવા સત્તાધીશ અને સંપત્તિવાન ધર્મગુરુઓ ભોગવિલાસી બને એ સ્વાભાવિક હતું.

આ સંસ્કૃતિએ જગતને હમ્મુરાબીના કાયદાની ભેટ આપી. આ રીતે જગતની સંસ્કૃતિના વિકાસમાં ફાળો આપ્યો છે.

આ સમયે પૂર્વ સરહદ પરના પર્વતપ્રદેશમાં રહેતા કૅસાઇટ લોકોના સમુદાયો બૅબિલોનના આ વૈભવ તરફ ભૂખી નજરે દેખતા હતા. ઈ. પૂ. 1926ના અરસામાં પહાડી ગોપ જાતિઓ આ પ્રદેશ પર ચઢી આવી. તેણે હમ્મુરાબીના વંશનો અંત આણ્યો. ઈ. પૂ. 1250 સુધીના ગાળા દરમિયાન આ પ્રદેશ પર હિકસોસ, હિટ્ટાઇટ અને કેસાઇટ લોકોએ અનુક્રમે રાજ્ય કર્યું. ત્યારપછી બૅબિલોનના પ્રદેશ પર એસિરિયન નામની લડાયક પ્રજાએ તરખાટ મચાવ્યો. આ સમયે બૅબિલોને ઇજિપ્ત પાસે મદદ માગી, પણ કૅસાઇટ લોકોના ધસારા પાછા હઠ્યા નહિ. બૅબિલોનનું જીવન એક હજાર વર્ષ સુધી અંધાધૂંધીમાં સપડાઈ ગયું. એસિરિયાના પ્રદેશે બૅબિલોન પર પોતાની વિજયકૂચ કરી. તેણે ઇલામ, સુમેરિયા, અક્કડ અને બૅબિલોન નગરો જીતી લીધાં. ફિનિશિયા અને ઇજિપ્ત પર પણ તેણે કાબૂ મેળવ્યો. આ પ્રદેશોના શહેનશાહ આસુરબાનીપાલને બધા પ્રદેશો ખંડણી ભરવા આવવા લાગ્યા. આ પ્રદેશ એસિરિયા હતો, જે એસિરિયન સામ્રાજ્ય તરીકે મૅસોપોટેમિયાની ભૂમિ પર વર્ચસ્ ધરાવતો હતો.

મહેશ મ. ત્રિવેદી

મીનળ શેલત