બૅબિલોનિયાની કળા : પશ્ચિમ એશિયાની પ્રાચીન મેસોપોટેમિયન સંસ્કૃતિના બૅબિલોનિયા સામ્રાજ્યની કળા. બૅબિલોનિયાનું સામ્રાજ્ય આધુનિક બગદાદ શહેરના વિસ્તારથી યુફ્રેટિસ અને ટાઈગ્રિસ નદીઓના મેદાની વિસ્તાર સુધી અને દક્ષિણ-પૂર્વમાં પર્શિયન અખાત સુધી એટલે કે આધુનિક ઇરાકના દક્ષિણ વિસ્તાર સુધી ફેલાયેલું હતું. ઈ. પૂ. 1850માં બૅબિલોનિયાના સામ્રાજ્યનો ઉદય થયો તે અગાઉ આ વિસ્તારનો દક્ષિણ-પૂર્વ વિસ્તાર સુમેર તરીકે અને ઉત્તર-પશ્ચિમ વિસ્તાર અક્કડ તરીકે જાણીતો હતો.

યુફ્રેટિસ અને ટાઈગ્રિસ નદીના દોઆબ પ્રદેશમાં પથ્થર અને લાકડાનો અભાવ હોવાથી, અહીં ભરપૂર માત્રામાં મળતી કાંપની માટીનો મકાનોના બાંધકામમાં તેમજ અન્ય કલાઓમાં ઉપયોગ થયો. બૅબિલોનિયાના સમગ્ર ઇતિહાસમાં પહેલેથી જ માટીના કાંપમાંથી બનેલી તથા તડકે પકવેલી ઈંટોનો સતત અને વ્યાપક ઉપયોગ થતો રહેલો જોવા મળે છે. ડામર(bitumen)નો ઉપયોગ ઈંટો વચ્ચે ગારા તરીકે થતો હતો. ઈંટોના બાંધકામ વડે રચેલી ઊંચી પીઠિકા (platform) પર વિરાટ કદનાં મંદિરો અને મહેલોનું ચણતર થતું. ઊંચી પીઠિકાના કારણે નદીઓમાં અવારનવાર આવતા પૂરથી બાંધકામને બચાવી શકાતું. કળણવિસ્તારોમાં બરુના જથ્થાને લાપી જેવા કાદવ વડે લીંપીને ઊભી કરેલી ઝૂંપડીઓમાંથી આ પ્રકારનું સ્થાપત્ય વિકસ્યું હતું.

આજથી પાંચ હજાર વરસ પહેલાંના સમયથી ઈસુ પૂર્વે ચોથી સહસ્રાબ્દીના મધ્ય ભાગ સુધીના સમયમાં વિશાળ મકાનો સર્જાવાનું શરૂ થયું. આ મકાનોમાં વપરાતી માટીની ઈંટોને ‘ઑબેદિયન’ ઈંટો કહે છે. (આ પ્રકારની ઈંટો ‘તેલ એલ ઑબેદ’ નામના સ્થળેથી મળી આવેલી હોવાથી આ નામ પડ્યું છે.) દીવાલો પર કાદવના પ્લાસ્ટર વડે મોઝેક જેવી અસર ઉપજાવવામાં આવતી. દીવાલો પર થોડા અંતરે સપાટ માથાવાળી શંકુ આકારની લાલ અને કાળા રંગે રંગેલી પાતળી ખીલીઓ મોઝેકની કલાત્મકતામાં વધારો કરતી. આ સમય દરમિયાન કુંભકલા(pottery)નો પણ વિકાસ થયો. વાસણોની દીવાલો ઘણી વાર ખાસ્સી પાતળી રહેતી. વાસણો પર ભૌમિતિક આકૃતિઓનું ચિત્રણ લાવણ્યમાં વધારો કરતું. ચાકડા પર તેમજ હાથે ઘડેલાં એમ બંને પ્રકારનાં માટીનાં વાસણો અને માટીથી બનેલી અન્ય કૃતિઓ મળી આવે છે. અન્ય કૃતિઓમાં હાથે ઘડેલી માનવ-આકૃતિઓ અને વિવિધ પ્રાણીઓની આકૃતિઓનો સમાવેશ થાય છે.

આજથી ચાર હજાર વરસ અગાઉ આજે વાર્કા નગર તરીક ઓળખાતા ઉરુક નગરમાં સકુલ મંદિરોનું બાંધકામ થયું. સમગ્ર મેસોપોટેમિયન સંસ્કૃતિનો પ્રથમ ઝિગુરાત (પગથિયાના આકાર રૂપે ઉપર જતાં સાંકડો થતો જતો પિરામિડ જેવો મિનાર; જેની ટોચ પર મંદિર હોય) ઉરુકમાં સર્જાયો. અહીં પુરાણકથાઓ અને ધાર્મિક વિધિનાં આલેખનો તથા વિવિધ પંખી-પ્રાણીઓની ભાતવાળાં નળાકાર સીલ પહેલી વાર જોવા મળે છે. આ સીલ વડે માલિક પોતાની સંપત્તિ પર પોતાની મહોરનો ઉપયોગ કરતો. આ નળાકાર સીલને કાદવ-ગારાની પોચી સપાટી પર ગોળ ફેરવ્યા બાદ જે તે સંપત્તિ પર ગોળ ફેરવવાથી વિશિષ્ટ ભાત ઊપસી આવતી. જો કોઈ લાંબી સપાટી પર આ સીલ સતત ફેરવવામાં આવે તો એક ભાતની અનંત લંબાઈની ડિઝાઇન મળી શકે. આ કલાને બૅબિલોનિયાની આગવી અને મૌલિક વિશિષ્ટતા ગણી શકાય. પછીથી તેનો સંપૂર્ણ વિકાસ થયો.

ઈસુ પૂર્વે ચોથી સહસ્રાબ્દીના અંતે કે ત્રીજી સહસ્રાબ્દીના પ્રારંભે પથ્થરમાં બનેલ શિલ્પનો ઘણો વિકાસ થયો. જેમ્દેટ-નઝર નામની ટેકરીનાં ખંડેરોમાંથી મળી આવેલી જંગલી સૂવરની મૂર્તિને આ શિલ્પનો શ્રેષ્ઠ નમૂનો ગણી શકાય. ઈસુ પૂર્વેની ત્રીજી સહસ્રાબ્દીમાં ધાતુકામનું મહત્વ વધ્યું. કોતરકામ કરેલાં ધાતુનાં પાત્રો પર મનુષ્ય અને દેવોની ધાર્મિક વિધિઓનાં તેમજ શિકારનાં ર્દશ્યો જોવા મળે છે. પ્રાણીઓનાં આલેખનો પણ થતાં. ઘણી વાર માત્ર પ્રાણીઓના મુખનું જ આલેખન થતું. પ્રાણીની જીભ અને આંખને સ્થાને રંગીન પથ્થર જડવામાં આવતા તથા જો દર્શાવ્યાં હોય તો શિંગડાં સોનાનાં બનાવવામાં આવતાં. પૂર્ણમૂર્ત (round) શિલ્પમાં મુખ્યત્વે મનુષ્યઆકૃતિઓ રજૂ થતી. પણ તે છતાં તે ચપટી (squat) હતી અને તેમાં પ્રમાણમાપનો અભાવ હતો. મોટા કદનાં અર્ધમૂર્ત (relief) શિલ્પમાં વાસ્તવવાદ અને ચેતનતત્વ (vigour) જોવા મળે છે. તેમાં ઘરેલુ પ્રવૃત્તિનાં ઘણાં ર્દશ્યો છે. દોહવાની ક્રિયાને લગતું એક ર્દશ્ય તો ઘણું જાણીતું બનેલું છે. અન્ય એક જાણીતા ર્દશ્યમાં લગાશના રાજા ઇન્નાટુમ દુશ્મનો પર હુમલો કરે છે તથા મૃતકોને દફનાવે છે. ઉર ખાતેથી મળેલી રાજવીઓની આ જ સમયની કબરોમાંથી ઝવેરાત-કળાના ઉત્કૃષ્ટ નમૂના મળ્યા છે, જેમાં સોના અને ચાંદીનાં ઘરેણાં, તેમના તારનું નકશીકામ, કટારની મ્યાન, સોનાના પ્યાલા, વાટકા તથા લાજવર્દ(lapis lazuli)માં છીપલાં જડેલ બે પટ્ટાઓનો સમાવેશ થાય છે. દરેક પટ્ટામાં 3 પેટા-પટ્ટાની રચના હોય છે, જેમાં માનવ અને પશુની આકૃતિઓ છે. આ બંને પટ્ટાઓ ‘વૉર ઍન્ડ પીસ સ્ટાન્ડર્ડ’ નામે ઓળખાય છે.

ઈસુ પૂર્વેની ત્રીજી સહસ્રાબ્દીના ઉત્તરાર્ધમાં સુમેરિયન અસરનો પ્રસાર થયો. આ ગાળા દરમિયાન દાણાદાર (diorite) કાળા પથ્થરમાંથી સર્જેલી લગાશના રાજા ગુડિયાની વિરાટ મૂર્તિઓ સર્જાઈ. આ મૂર્તિઓ અક્કડ અને ભારેખમ હોવા છતાં તેમાં શરીરના સ્નાયુઓની અને મોઢાની વિગત જોવા મળે છે. આ ઉપરાંત અન્ય નર અને નારીનાં પૂર્ણમૂર્ત અને અર્ધમૂર્ત શિલ્પો પણ સર્જાયાં. કોતરેલી ફૂલદાનીઓ અને હાથીદાંતથી બનેલા સ્ત્રીના એક કલાત્મક મસ્તકનું શિલ્પ પણ મળી આવ્યાં છે. ઉર ખાતે મળી આવેલ ઉર-નેમ્મુની શિલા(કબર પાસે ઊભી કરેલી કોતરેલા લેખવાળી શિલા, stele)માં ઉરના વિખ્યાત ઝિગ્ગુરાતની રચનાનું આલેખન જોવા મળે છે. આ શિલા પર દેવતાઓનું સંભવત: સૌપ્રથમ આલેખન મળે છે.

ઈસુ પૂર્વે બીજી સહસ્રાબ્દીમાં હમ્મુરાબી રાજવંશ દરમિયાન કલાની પડતી જોવા મળે છે. હમ્મુરાબીની શિલા વિશ્વવિખ્યાત છે. તેની પર હમ્મુરાબીનો કાયદો કોતરેલો છે. શિલાની ટોચે સૂર્યદેવ શમાશ પાસેથી રાજા હમ્મુરાબી કાયદા સ્વીકારતો હોય તેવું તેનું આલેખન અર્ધમૂર્ત ઢબે થયું છે. પરંતુ કોતરણી કંઈક જડ અને અણઘડ છે. આ સમયના કલાના અન્ય (અલબત્ત, નિકૃષ્ટ) નમૂના પણ જોવા મળે છે; પૂર્ણમૂર્ત શિલ્પોમાં પ્રમાણમાપનો અભાવ જોવા મળે છે તથા વાસણો પરનાં ચિત્રો અને અર્ધમૂર્ત શિલ્પો શિખાઉ કક્ષાનાં જણાય છે. આ સમયના સીલ(મહોર)માં પણ કુશળ કારીગરીનો અભાવ જોવા મળે છે.

ઈસુ પૂર્વે બીજી સહસ્રાબ્દીમાં ઝાગ્રોસ પર્વતમાળામાંથી થયેલા જંગલી જાતિઓએ કરેલા હુમલાને કારણે બૅબિલોનિયાની કળાની ઝડપી પડતી થઈ.

અમિતાભ મડિયા