બૅનરજી, કંકણા (જ. 1948) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઇંદોર ઘરાનાનાં લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયિકા. તેમણે સંગીતનું શિક્ષણ મુખ્યત: ઇંદોર ઘરાનાના ઉસ્તાદ અમીરખાં પાસેથી લીધેલું. મીઠો, સુરીલો, ત્રણેય સપ્તકમાં સહજતાથી ફરી શકે એવો અવાજ અને રાગની સ્પષ્ટતા એ એમની ગાયકીની લાક્ષણિકતાઓ છે.
કલકત્તાના એક વ્યાપારી પરિવારમાં એમનો જન્મ થયેલો. નાનપણથી જ તેઓ સંગીતમાં રુચિ ધરાવતાં. એમનું સંગીતનું પ્રાથમિક શિક્ષણ એમની માતા પાસે થયું. તેમનાં માતા કલકત્તાનાં ત્રિપદા ચક્રવર્તી અને લખનૌના પંડિત રાતનજનકરનાં શિષ્યા હતાં.
સાત વર્ષની ઉંમરે 1955માં એમને ઇંદોરમાં ઉસ્તાદ અમીરખાંની હાજરીમાં ગાવાની તક મળી. તેમના સુરીલા સંગીતથી અમીરખાં ખૂબ પ્રભાવિત થયા. નિસર્ગદત્ત મીઠો, સુરીલો, ખુલ્લો અવાજ અને શાસ્ત્રીય સંગીતની ખૂબીઓ આત્મસાત્ કરવાની એમની ક્ષમતા ઉસ્તાદ ઓળખી ગયા. તેમની કડક નજર હેઠળ અથાક પરિશ્રમ અને રિયાઝ દ્વારા તેમણે પોતાના ગુરુની અઘરામાં અઘરી શૈલીઓ શીખી લીધી. ચૌદ વર્ષની ઉંમરે તેમણે પોતાનો પહેલો જાહેર કાર્યક્રમ રજૂ કર્યો અને ત્યારબાદ આજદિન સુધી તેમના અનેક જાહેર કાર્યક્રમો સફળ થયા છે. દેશવિદેશનાં ઘણાં સંગીત-સંમેલનોમાં એમણે ભાગ લીધો છે. પોતાના સુરીલા ગાયનથી બાંગ્લા દેશ અને યુનાઇટેડ અરબ જેવા ઘણા દેશોના લોકોનાં દિલ પણ તેમણે જીતી લીધાં છે. ખયાલ, તરાના અને ઠૂમરી ત્રણેયમાં તેઓ નિષ્ણાત ગણાય છે.
તેમની અનેક કૅસેટો બહાર પડી છે. અમીર ખુસરોના માનમાં એચ.એમ.વી. સ્ટુડિયોએ બહાર પાડેલી દરબારી કાનડાની તેમની ‘તરાના’ નામની કૅસેટ ખૂબ પ્રસિદ્ધિ પામી છે. તેવી જ રીતે તેમની અનેક રાગોની કૅસેટો રિધમ હાઉસ તરફથી પ્રસિદ્ધ થઈ છે.
ઉસ્તાદ અમીરખાંના અવસાન બાદ એમણે મેવાતી ઘરાનાના પંડિત પ્રતાપનારાયણજી પાસેથી પણ સંગીતનું પ્રશિક્ષણ લીધું. રાગની કલાપૂર્ણ બઢત, અભ્યાસપૂર્ણ બોલ, તાનો અને જલદ તાનોથી એમના ગાયનમાં અનેરી રંગત આવે છે.
કંકણાજીને ઘણી ઉપાધિઓ અને માનસન્માન મળ્યાં છે. 1969માં સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં એમને ‘સૂરમણિ’ ખિતાબ એનાયત થયો હતો. તે ઉપરાંત 1974માં ‘સંગીતશિરોમણિ’, 1982માં ‘સ્વરકોકિલા’ અને આંધ્રપ્રદેશ સરકાર તરફથી 1987માં ‘કલાસરસ્વતી’ ખિતાબ તેમને આપવામાં આવ્યા હતા.
હાલ (1999માં) તેઓ ઑલ ઇંડિયા રેડિયો, મુંબઈ કેન્દ્ર પર સેવાઓ આપી રહ્યાં છે.
નીલિમા દર્શન પરીખ