બૅથોલિથ (batholith) : 100 ચોકિમી. કે તેથી વધુ વિસ્તાર આવરી લેતું આગ્નેય ખડકોથી બનેલું વિશાળ વિસંવાદી અંતર્ભેદક. (જુઓ અંતર્ભેદકો, વર્ગીકરણ). તે મુખ્યત્વે તો વિસંવાદી (discordant) પ્રકારનું જ હોય છે, પરંતુ ઘણો મોટો વિસ્તાર ધરાવતું હોવાથી આજુબાજુના પ્રાદેશિક ખડકોમાં અનુકૂળ સંજોગો હેઠળ ક્યાંક ક્યાંક સિલ કે ડાઇક જેવાં નાનાંમોટાં સંવાદી-વિસંવાદી શાખા-અંતર્ભેદનો પણ તેમાંથી વિસ્તરીને રચાયાં હોય છે. ‘બેથિલિથ’ એ પણ બૅથોલિથ માટે ઉપયોગમાં લેવાતો સમાનાર્થી શબ્દ છે.

બેથોલિથ
અંતર્ભેદકોના વર્ગીકરણમાં સમાવિષ્ટ બધા જ પ્રકારો પૈકી બૅથોલિથ મોટામાં મોટું અંતર્ભેદક ગણાય છે. ઘણાબધા ચોકિમી.ના વિશાળ વિસ્તારને આવરી લેતું હોવાથી તે સ્થાનભેદે વિવિધ પરિમાણ અને આકારની ભિન્નતાવાળું હોય છે. પ્રાદેશિક ખડકોમાં મળી શકતી જગાઓ મુજબ તે ગોઠવાતું હોવાથી ઉપર તરફ અનિયમિત આકારવાળું બને છે, પરંતુ બાજુઓ પર અને ઊંડાણમાં જતાં તે વિસ્તરતું જતું હોવાથી તેની બાજુઓ અને તળભાગનો આકાર તેમજ ઊંડાઈ ચોકસાઈથી જાણી શકાતાં નથી. ઊંડાઈના તેના આકાર માટે વિવિધ મત પ્રવર્તે છે. એક મત એવો છે કે તે ચોતરફ વિસ્તરીને પરિમાણમાં વધતું જાય છે અથવા ઘટતું તો નથી જ. બીજા મત મુજબ ઊંડાણમાં જતાં તે ઘણા એકમોમાં વહેંચાઈ જાય છે તેથી તેનો આકાર એકસરખો હોઈ શકતો નથી, માત્ર વિસ્તૃત હોય છે (જુઓ ઉપરની આકૃતિ). બૅથોલિથ જેવાં જ પણ પરિમાણમાં થોડાં નાનાં અંતર્ભેદનો કે જે 100 ચોકિમી.થી ઓછા વિસ્તારવાળાં હોય તેમને સ્ટૉક (stock) કહે છે. જે સ્ટૉક ગોળાકાર રૂપરેખાવાળા હોય તે બૉસ (boss) કહેવાય છે.
ખડક-બંધારણમાં તે મોટાભાગે ગ્રૅનાઇટ કે ગ્રૅનોડાયૉરાઇટથી બનેલાં હોય છે. સામાન્ય રીતે તો તેમની કણરચના સ્થૂળદાણાદાર હોય છે, પરંતુ ઉત્પત્તિના સંજોગભેદે તે મધ્યસ્થ કે સૂક્ષ્મ-દાણાદાર પણ હોઈ શકે છે. ભૂપૃષ્ઠ પર દેખાતી તેમની સ્થિતિ તેમની ઓછી વિશિષ્ટ ઘનતાને કારણે તેમજ તેમની ઉપરના પ્રાદેશિક ખડકોના ઘસારા-ખવાણ-ધોવાણને કારણે બનતી હોય છે.
બૅથોલિથની રચના માટે નીચે મુજબનાં મંતવ્યો રજૂ થયેલાં છે : (1) મૅગ્મા તૈયાર થાય અને ઉપર તરફ જવા માંડે ત્યારે આજુબાજુના અને ઉપરના પ્રાદેશિક ખડકોને નાના નાના ટુકડાઓને તોડતો જઈને પોતાનામાં આત્મસાત્ કરતો જાય છે. આ કારણે મૅગ્મા દ્રવ્યમાં વધારો થવાથી વિસ્તૃત બને છે અને વિશાળ વિસ્તાર આવરી લે છે. (2) મૅગ્મા-સંચય તૈયાર થાય ત્યાં ઉપરના નબળા પ્રાદેશિક ખડકોનો વલય-ફાટોવાળો બધો જ ભાગ તેમાં ભળી જઈ વિશાળ વિસ્તાર બનાવી મૂકે છે. વલય-ફાટવાળા ઉપરના તૂટી પડતા વિભાગને વલય અધોગમન (cauldron subsidence) કહેવાય છે. (3) વેગથી ઉપર તરફ ધસી જતો મૅગ્મા પ્રાદેશિક ખડકોને ખેસવતો જઈ પોતાને માટે જગા કરતો જઈ વિશાળ અંતર્ભેદક રચે છે. (4) એક એવો પણ મત પ્રવર્તે છે કે ઉષ્ણજળજન્ય મૅગ્માનાં દ્રાવણો જો મોટા પાયા પર તૈયાર થાય તો પ્રાદેશિક ખડકોમાં કણશ: વિસ્થાપનની પ્રક્રિયા દ્વારા વિશાળ વિસ્તાર પર અસર કરી મોટું અંતર્ભેદક બનાવે છે.
આ શબ્દ ઊંડાઈએ રહેલા ખડકજથ્થાઓના પીગળી જવાથી વિશાળ જથ્થામાં તૈયાર થયેલા મૅગ્માનાં અંતર્ભેદનો માટે સર્વપ્રથમ 1895માં વાપરવામાં આવેલો.
બ્રિટિશ કોલંબિયામાં આવેલું ‘કોસ્ટ રેઇન્જ બૅથોલિથ’ લગભગ 2,000 કિમી. લંબાઈવાળું અને જુદી જુદી જગાએ 90થી 140 કિમી. પહોળાઈવાળું છે, આ કારણે તે કદાચ દુનિયાભરમાં મોટામાં મોટું અંતર્ભેદક ગણાય છે. માઉન્ટ આબુ પણ બૅથોલિથ પ્રકારનું જ અંતર્ભેદક છે.
ગિરીશભાઈ પંડ્યા