બેથ્લેહેમ : મધ્યપૂર્વના દેશો પૈકી ‘વેસ્ટ બૅંક’ નામથી ઓળખાતા વિસ્તારમાં જેરૂસલેમની દક્ષિણે આશરે 8 કિમી. અંતરે આવેલું ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ. ભૌગોલિક સ્થાન : 31° 43´ ઉ. અ. અને 35° 12´ પૂ. રે. હિબ્રૂ ભાષામાં ‘બેથ્લેહેમ’નો અર્થ ‘house of bread’ થાય છે, જ્યારે તેના અરબી નામ ‘બાયટાલ્હેમ’નો અર્થ ‘house of meat’ થાય છે. બેથ્લેહેમ એ ઈસુ ખ્રિસ્તનું જન્મસ્થાન હોવાને કારણે તેનું ધાર્મિક મહત્વ ઘણું છે. અહીં ઘણાં પૂજાસ્થાનકો તથા ધાર્મિક સંસ્થાઓ આવેલાં છે. અહીં ઈ. સ. 326માં ઈસુ ખ્રિસ્તના જન્મસ્થાન ‘ગુફા’ ઉપર રચાયેલું એક દેવળ (church of the Nativity) ર્દષ્ટિગોચર થાય છે.

અહીં જન્મેલા રાજા ડૅવિડના સમય દરમિયાન આ શહેરને ફરતો કોટ હતો. આ સ્થળ પર જુદા જુદા સમયે ગ્રીકો, રોમનો તથા અરબી મુસ્લિમોએ શાસન કરેલું. ઈસુ ખ્રિસ્તના ક્રૉસના નામ અને નારા હેઠળ ખ્રિસ્તી લશ્કરી અભિયંતાઓના દળે તેમના 1096–99ના પ્રથમ અભિયાન દરમિયાન આ સ્થળનો કબજો મેળવી લીધેલો, પરંતુ થોડાક વખત પછી તુર્કી મુસ્લિમોએ તે પડાવી લીધેલું. સોળમી સદી દરમિયાન ઑટોમન તુર્કોએ આ વિસ્તાર પર કબજો જમાવેલો.

ચર્ચ ઑવ્ ધ નૅટિવિટી, બેથ્લેહેમ

પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન 1917માં જનરલ ઍડમન્ડ હેન્રી હિનમૅન એલનબીની દોરવણી હેઠળ બ્રિટિશ દળોએ આ સ્થળ કબજે કરેલું; પરંતુ 1950માં તે જૉર્ડન સાથે જોડાઈ ગયું. 1967ના છ-દિવસીય યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે બેથ્લેહેમ સહિત વેસ્ટ બૅંકનો કબજો લઈ લીધેલો. તેની વસ્તી 20,000 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા