બૅંક-ધિરાણ : નફો કરવાના હેતુથી ઓવરડ્રાફ્ટ, કૅશ-ક્રેડિટ, લોન ઇત્યાદિ સ્વરૂપમાં બૅંક દ્વારા તેના ગ્રાહકોને કરવામાં આવતું ધિરાણ. સમાજના બચત કરનાર વર્ગ પાસેથી વિવિધ સ્વરૂપની થાપણો સ્વીકારીને અને તેમના આધારે ધિરાણ કરીને બૅંક નફો કમાતી હોય છે. જ્યાં સુધી બૅંક થાપણ સ્વીકારીને પોતે દેવાદાર બનતી નથી ત્યાં સુધી તે ધિરાણ દ્વારા લેણદાર બની શકતી નથી. બૅંક લોકોને તેમની થાપણ ઉપર જે દરે વ્યાજ ચૂકવે છે તેના કરતાં ઊંચા દરે ધિરાણ મેળવનાર વર્ગ પાસેથી વ્યાજ વસૂલ કરે છે. તેથી વ્યાજના દરોના આવા તફાવતમાંથી બૅંકનો નફો સર્જાય છે. બૅંક પોતાના ગ્રાહકો પાસેથી જે કુલ થાપણો મેળવે છે તેમાંથી તે થાપણો મૂકનારાઓને તેમની જરૂરિયાત મુજબ વખતોવખત નાણાં ઉપાડવાની સગવડ વિનાવિક્ષેપ પૂરી પાડવા માટે બૅંકને અમુક રોકડ રકમ હાથ પર સતત મૂકી રાખવી પડે છે; તેથી થાપણોના કદ કરતાં ધિરાણ માટે ઉપલબ્ધ ભંડોળનું કદ સાપેક્ષમાં નાનું હોય છે. આમ છતાં શાખ-સર્જન જેવી વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા બૅંક નાણાંનું વિસ્તૃતીકરણ કરીને પોતાના ધિરાણના કદમાં વધારો કરી શકે છે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ બૅંકમાં રૂ. 1,000 થાપણ તરીકે જમા કરાવે છે. તેમાંથી બૅંકના અનુભવ મુજબ 20 %થી વધારે ઉપાડ ભાગ્યે જ થતો હોય છે, તેથી બૅંક રૂ. 200 અનામત રાખીને બાકીના રૂ.800 બીજી વ્યક્તિને ધીરે છે. બીજી વ્યક્તિ પણ આ રકમ બૅંકમાં થાપણ તરીકે જમા કરાવે છે. તેમાંથી બૅંક રૂ. 160 અનામત રાખીને બાકીના રૂ. 640 ત્રીજી વ્યક્તિને ધીરે છે. આમાંથી મોટાભાગની લેવડ-દેવડ રોકડ નાણાંમાં નહિ, પરંતુ ચેકના માધ્યમ દ્વારા થતી હોય છે. પરિણામે શાખ-સર્જનની સાંકળ લંબાતી જાય છે; તેથી રૂ. 1,000ની ખરેખરી થાપણ સામે બક લગભગ રૂ. 4,000 જેટલું ધિરાણ કરી શકે છે.
બૅંક-ધિરાણનાં (1) ઑવરડ્રાફ્ટ અથવા અતિરિક્ત ઉપાડ, (2) કૅશ-ક્રૅડિટ, (3) લોન અને (4) હૂંડીનો વટાવ અને ખરીદી-એવાં ચાર સ્વરૂપો મુખ્યત્વે જોવામાં આવે છે.
અતિરિક્ત ઉપાડ : ગ્રાહકના ચાલુ ખાતામાં જે રકમ જમા હોય તે રકમ ઉપરાંત ગ્રાહકને વધારાની રકમનો ઉપાડ કરવાની સગવડ બૅંક પૂરી પાડે છે તેને અતિરિક્ત ઉપાડની સગવડ કહેવાય છે. આવી સગવડ ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે, ફક્ત ચાલુ ખાતા સામે (બચત કે બાંધી મુદતના ખાતા સામે નહિ), નિશ્ચિત મુદત માટે, તારણ મેળવીને અથવા તારણ વિના અને ગ્રાહકની સધ્ધરતાના આધારે પૂરી પાડવામાં આવે છે. આ સગવડમાં બૅંકે મંજૂર કરેલી પૂરેપૂરી રકમ ઉપર ગ્રાહકે વ્યાજ આપવું પડતું નથી, પરંતુ તેણે જેટલી રકમનો જેટલા સમય માટે ઉપાડ કર્યો હોય તેટલી રકમ ઉપર તેટલા સમય માટે જ વ્યાજ આપવું પડે છે.
કૅશ-ક્રેડિટ : ઔદ્યોગિક એકમો, કંપનીઓ અને વ્યાપારી પ્રતિષ્ઠાનો જેવા ગ્રાહકોને નિશ્ચિત સમય માટે નાણાંની જરૂરિયાત હોય ત્યારે બૅંક જે પ્રથા હેઠળ ધિરાણ કરે છે તેને કૅશ-ક્રેડિટની સગવડ કહેવાય છે. બૅંકે ગ્રાહક માટે ઉપાડની જે રકમ મંજૂર કરી હોય તેટલી રકમ તેની અનુકૂળતા મુજબ ચેક દ્વારા ઉપાડવાની ગ્રાહકને છૂટ આપવામાં આવે છે. ધિરાણની મુદત પૂરી થતાં ગ્રાહકના કૅશ-ક્રેડિટ ખાતામાં જેટલી ઉધાર રકમ બાકી નીકળતી હોય તેટલી રકમ ગ્રાહક દ્વારા જમા કરાવવામાં આવે છે ત્યારે કૅશ-ક્રેડિટ તરીકે આપેલી લોનનો અંત આવે છે. આ સગવડમાં પણ બૅંકે મંજૂર કરેલી પૂરેપૂરી રકમ ઉપર નહિ, પરંતુ ગ્રાહકે જેટલી રકમનો જેટલા સમય માટે ઉપાડ કર્યો હોય તેટલી રકમ ઉપર તેટલા સમય માટે જ વ્યાજ આપવું પડે છે. અતિરિક્ત ઉપાડની સગવડવાળા ગ્રાહકના ખાતામાં કેટલીક વાર જમા રકમ બાકી હોય છે, પરન્તુ કૅશ-ક્રેડિટ ખાતામાં ભાગ્યે જ જમા રકમ બાકી હોય છે. સામાન્ય રીતે તેમાં ઉધાર રકમ બાકી હોય છે. વળી અતિરિક્ત ઉપાડ ખાતાની મુદત કરતાં કૅશ-ક્રેડિટ ખાતાની મુદત સામાન્ય રીતે લાંબી હોય છે. તેના પર આકારવામાં આવતો વ્યાજનો દર ઓછો હોય છે. ભારતમાં બૅંકો દ્વારા કરવામાં આવતા કુલ ધિરાણમાં કૅશ-ક્રેડિટ દ્વારા કરવામાં આવતા ધિરાણનું પ્રમાણ લગભગ 75 % જેટલું હોય છે.
લોન : આ ધિરાણ સામાન્ય રીતે એક વર્ષ કરતાં વધુ ગાળાનું અને કેટલાક કિસ્સાઓમાં 15 વર્ષથી 20 વર્ષના ગાળાનું હોય છે. આ પદ્ધતિમાં બૅંક દ્વારા મંજૂર થયેલી લોનની સઘળી રકમ એકસામટી ગ્રાહકને નામે ઉઘાડેલ લોન ખાતે ઉધારવામાં આવે છે. ગ્રાહક પોતાની વખતોવખતની જરૂરિયાત મુજબ ભલે આ રકમનો આંશિક અથવા એકસાથે પૂરેપૂરો ઉપાડ કરે છે, પરન્તુ તેની પાસેથી વ્યાજ તો પૂરેપૂરી રકમ ઉપર વસૂલ કરવામાં આવે છે. લોનની મૂળ રકમ અને તેના ઉપરનું વ્યાજ ગ્રાહક પોતાની અનુકૂળતાએ હપતા દ્વારા અથવા સામટાં ચૂકતે કરે છે ત્યારે લોનનો અંત આવે છે. અતિરિક્ત ઉપાડ અને કૅશ-ક્રેડિટમાં ગ્રાહકે ખરેખરી ઉપાડેલી રકમ પૂરતું જ વ્યાજ આપવું પડે છે, જ્યારે લોન-પ્રથામાં તો ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ કટકે કટકે ઉપાડ કર્યો હોય, છતાં તેણે બૅંક દ્વારા મંજૂર થયેલી સઘળી રકમ ઉપર વ્યાજ ચૂકવવું પડે છે. ધિરાણની અન્ય પદ્ધતિઓ કરતાં લોન પદ્ધતિ દ્વારા અપાતા ધિરાણ ઉપર વ્યાજનો દર સાપેક્ષ રીતે ઓછો હોય છે, તેમ છતાં ભારતમાં લોનપદ્ધતિ દ્વારા ધિરાણ કરતાં અતિરિક્ત અને કૅશ-ક્રેડિટની પદ્ધતિઓ વધુ પ્રચલિત છે.
હૂંડીનો વટાવ અને ખરીદી : હૂંડી એવો સંલેખ છે કે જેમાં લખનારે (drawer) અદાકર્તા(drawee)ને ઉદ્દેશીને આદાતા(payee)ને હૂંડી પાકવાની તારીખે ચોક્કસ રકમ ચૂકવવાનો બિનશરતી હુકમ કર્યો હોય છે. સ્વાભાવિક રીતે આવો હુકમ કોઈ વ્યક્તિ દેવું કરતી વખતે અથવા માલ ખરીદતી વખતે પોતાના લેણદારના લાભમાં લખી આપે છે. ભવિષ્યમાં પાકવાની મુદત સુધી રાહ જોવાને બદલે આદાતાને તાત્કાલિક નાણાંની જરૂર હોય તો આદાતા આવી હૂંડી બૅંકમાં વટાવી શકે છે. હૂંડી પાકવા માટે જેટલો સમય બાકી રહ્યો હોય તેટલી મુદત માટે હૂંડીમાં દર્શાવેલી રકમ ઉપર બૅંક નિશ્ચિત દરે જેટલું વ્યાજ થાય તે વટાવના સ્વરૂપમાં કાપી લઈને એટલે કે હૂંડી ખરીદીને આદાતાને બાકીની રકમ ચૂકવે છે. આમ હૂંડીનો વટાવ અને ખરીદી તે વાસ્તવિક સ્વરૂપમાં બૅંકે આદાતાને હૂંડીની બાકીની મુદત પૂરતું કરેલું એક પ્રકારનું ધિરાણ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે