બૅંક-દર : મધ્યસ્થ બૅંક જે દરે વ્યાપારી બૅંકોના પ્રથમકક્ષાના વિનિમય પત્રો કે માન્ય જામીનગીરીઓ વટાવી આપે તે દરને બૅંક-દર અથવા પુન:વટાવ-દર કહે છે. બૅંક-દરમાં ફેરફાર દ્વારા બજારના વ્યાજના દર અને શાખના પ્રમાણ ઉપર અસર પાડી શકાય છે.

અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ પ્રવર્તતી હોય અને વધતાં જતાં ધિરાણોને પરિણામે ભાવોમાં સતત વધારો થતો હોય તે સંજોગોમાં બૅંક-દરમાં વધારો અને મંદી પ્રવર્તતી હોય ત્યારે તેમાં ઘટાડો કરવામાં આવે છે. બૅંક-દર વધે છે ત્યારે વ્યાપારી બૅંકોને પણ વ્યાજનો દર વધારવો પડે છે. પરિણામે ઉત્પાદકો અને વેપારીઓ તરફથી ધિરાણ માટેની માંગ ઘટે છે, કારણ કે લોન મોંઘી બને છે, જેથી કેટલાંક મૂડીરોકાણો અટકે છે. તેથી ઉત્પાદન, રોજગારી, આવક અને માંગમાં ઘટાડો થાય છે. તેમ થતાં ભાવો ઘટે છે. તે જ પ્રમાણે મંદીમાં બૅંક-દરમાં ઘટાડો કરી આર્થિક પ્રવૃત્તિને વેગ આપી શકાય છે. આમ બૅંક-દર સસ્તી કે મોંઘી નાણાકીય નીતિનો નિર્દેશ કરે છે.

શાખ-નિયંત્રણના સાધન તરીકે બૅંક-દરની નીતિ મહત્વ ધરાવતી હોવા છતાં સારા પ્રમાણમાં અનામતો ધરાવતી વ્યાપારી બૅંકના વ્યાજના દરમાં ફેરફારો થશે જ એમ ચોક્કસપણે કહી શકાતું નથી. અર્થતંત્રમાં જો ભાવો વધવાની અપેક્ષા હોય તો વ્યાજના દરમાં વધારો થયો હોવા છતાં ધિરાણ ઉપર, તેની ખાસ અસર પડશે નહિ. મંદીના સમયમાં ચારેય બાજુએ નિરાશાવાદ પ્રવર્તતો હોય ત્યારે બૅંક-દરનો ઘટાડો મૂડીરોકાણ કે ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકતો નથી. ભારત જેવા અર્થતંત્રમાં જ્યાં નાણાબજારનો પૂરતો વિકાસ થયો નથી ત્યાં બક-દરની નીતિ સફળ પુરવાર થતી નથી. ભારત જેવા દેશમાં આર્થિક આયોજનને લીધે, પૂર્ણનિર્ણીત મૂડીરોકાણો થતાં હોય, કુલ ખર્ચમાં વ્યાજનું પ્રમાણ નહિવત્ હોય અને વ્યાજના દરનો બોજ ભાવોના સ્વરૂપમાં ગ્રાહકો ઉપર ખસેડી શકાતો હોય ત્યાં બૅંક-દર કેટલે અંશે ઉપયોગી બને તે પ્રશ્ન છે. તેમ છતાં સમગ્ર અર્થતંત્રની પરિસ્થિતિ વિશે મધ્યસ્થ બક શું વિચારે છે તેનો સ્પષ્ટ ખ્યાલ તેના દ્વારા બૅંક-દરમાં કરવામાં આવતા ફેરફારોથી મળી શકે છે.

મદનમોહન વૈષ્ણવ