બૅંકર, શંકરલાલ ઘેલાભાઈ

January, 2000

બૅંકર, શંકરલાલ ઘેલાભાઈ (જ. 27 ડિસેમ્બર 1889, મુંબઈ; અ. 7 જાન્યુઆરી 1985, અમદાવાદ) : રચનાત્મક કાર્યકર, મજૂરોના નેતા, સ્વાતંત્ર્યસૈનિક. જન્મ વૈષ્ણવ વણિક કુટુંબમાં. પિતા મુંબઈમાં બૅંકમાં નોકરી કરતા. માતા કમળાબહેન ધર્મચુસ્ત. તેઓ 1904માં એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિક અને 1908માં વિલ્સન કૉલેજમાંથી બી.એ. પાસ થયા. લોકમાન્ય ટિળકને રાજદ્રોહી લેખો માટે છ વર્ષની કેદની સજા થઈ ત્યારે સહાધ્યાયી આચાર્ય જે. બી. કૃપાલાણી સાથે મળીને તેમણે કૉલેજમાં હડતાળ પડાવી હતી. સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1911માં એમ.એ. પાસ થઈને લેધર ટૅકનૉલૉજીના ઉચ્ચ અભ્યાસાર્થે તેઓ 1914માં ઇંગ્લૅન્ડ ગયા, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થવાથી, અભ્યાસ છોડી 1915માં ભારત પાછા ફર્યા.

શંકરલાલ ઘેલાભાઈ બૅંકર

માધ્યમિક શિક્ષણ દરમિયાન તેમણે દયાનંદ સરસ્વતી લિખિત ‘સત્યાર્થપ્રકાશ’ વાંચ્યું હતું અને તેના પ્રભાવ હેઠળ મૂર્તિપૂજાના વિરોધી બન્યા. પ્રાર્થનાસમાજમાં તેમણે તત્કાલીન સુધારકો અને ચિંતકોનાં વ્યાખ્યાનો સાંભળ્યાં. કેશવચંદ્ર સેન, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, બનૉર્ડ શૉ, ટૉલ્સ્ટૉય, ઇબ્સન વગેરેનું સાહિત્ય વાંચ્યું. તેની તેમના જીવન ઉપર અસર પડી. પ્રાર્થનાસમાજના તથા ડિપ્રેસ્ડ ક્લાસ મિશનના મંત્રી શિંદેના સંપર્કથી તેઓ દલિતોદ્ધારનાં કાર્યો કરતા થયા અને તે માટે મુંબઈના હરિજન મહોલ્લામાં જતા હતા. મુંબઈમાં હોમરૂલ લીગની શાખા 1916માં સ્થપાઈ ત્યારે જમનાદાસ દ્વારકાદાસ તેના પ્રમુખ અને શંકરલાલ તથા ઉમર સોબાની તેના મંત્રી બન્યા. તેના કામ માટે તેઓ વારંવાર અમદાવાદ આવતા. 1918માં તેમણે ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો. પગારવધારા માટે અમદાવાદના મિલમજૂરોની હડતાલ દરમિયાન અનસૂયાબહેન સારાભાઈ તથા તેઓ મજૂરોના સતત સંપર્ક દ્વારા તેમને મક્કમ રાખતા. તે અંગે આનંદશંકર ધ્રુવનું પંચ નિમાયું. તેની સમક્ષ તેમણે મજૂરોનો અભ્યાસપૂર્ણ કેસ રજૂ કર્યો. તેથી મજૂરોને 35 ટકા પગારવધારો મળ્યો. અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલ સાબરમતી આશ્રમ, ગૂજરાત વિદ્યાપીઠ, મજૂર મહાજન સંઘ અને નવજીવન પ્રેસ – આ ચારેય સંસ્થાઓ સાથે, તેના સ્થાપનાકાળથી તેઓ સંકળાયેલા હતા. આ દરમિયાન તેઓ કૉગ્રેસમાં પણ જોડાયા અને સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લઈ જેલ ભોગવી.

તેમણે ગુલઝારીલાલ નંદા અને ખંડુભાઈ દેસાઈ જેવા સમર્થ નેતાઓને મજૂરપ્રવૃત્તિમાં જોતર્યા. 1921માં મળેલી બેઝવાડા કૉંગ્રેસના ઠરાવાનુસાર ટિળક સ્વરાજ ફાળા માટે તેમણે અને ઉમર સોબાનીએ મુંબઈમાંથી રૂપિયા 30 લાખ ઉપરાંતનો ફાળો ઉઘરાવ્યો. તેમણે દારૂબંધી તથા અસ્પૃશ્યતાનિવારણનું કામ પણ કર્યું. દારૂનાં પીઠાં પર પિકેટિંગ કર્યું. ગાંધીજી સાથે 10 માર્ચ 1922ના રોજ તેમની પણ ધરપકડ થઈ અને ‘યંગ ઇન્ડિયા’ના લેખો માટે તેમને એક વર્ષની કેદ અને રૂ. 1,000 દંડની સજા થઈ. ગાંધીજી સાથે યરવડામાં જેલ ભોગવીને ગાંધીજી પાસેથી તેમણે કરકસર, ચોકસાઈ, સ્વાવલંબન, જાતમહેનત, સત્યપાલન, માંસાહારત્યાગ, સાદગી વગેરેના સંસ્કારો મેળવ્યા; કાંતણકાર્ય ને ભગવદગીતા તરફ વળ્યા. આમ તેઓ ગાંધીજીથી પ્રભાવિત થતા રહ્યા  અને તેમના સંપર્ક બાદ, તેમને અનુસરીને તેઓ જીવ્યા.

અખિલ ભારતીય ચરખા સંઘના મંત્રી તરીકે 1925થી 1939 સુધી તેમણે સેવા કરી. તે દરમિયાન ખાદીની પ્રવૃત્તિના પ્રચાર અને વિકાસાર્થે જુદાં જુદાં રાજ્યોમાં ગામડે ગામડે પ્રવાસ ખેડ્યો. ટૅકનિકલ સ્કૂલ સ્થાપીને તેમણે ખાદીસેવકો તૈયાર કર્યા. સમસ્ત દેશમાં ખાદીની પ્રવૃત્તિ વિકસાવવા તેમણે બધા પ્રાંતોમાં ચરખા સંઘ અને ખાદી ભંડાર સ્થાપી દેશભરમાં ખાદીના પ્રચારની વ્યવસ્થા કરી. કૉંગ્રેસની પ્રવૃત્તિ સાથે, તેના જ એક ભાગરૂપ ખાદી-પ્રવૃત્તિનો વિકાસ-વિસ્તાર કરવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો.

તેઓ 1918થી મજૂર-પ્રવૃત્તિમાં હતા. 1939માં ચરખા સંઘમાંથી નિવૃત્ત થઈને, પૂરા સમય માટે મજૂર મહાજનમાં જોડાયા. ત્યાં પણ તેમણે ખાદીપ્રવૃત્તિ તો ચાલુ જ રાખી. મજૂરોનું બોનસ, પગારકાપ, કામના કલાકો વગેરે માટેની લડતોનું અનસૂયાબહેનની સાથે રહીને તેમણે સફળ સંચાલન કર્યું. તેમણે મજૂર સમાજસુધારા મંડળ, સ્વયંસેવક દળ, કુમાર મંડળ, ખાદીહાટ અને પ્રૌઢશિક્ષણના વર્ગો જેવી પ્રવૃત્તિઓ શરૂ કરીને મજૂરોના જીવનના સર્વાંગી વિકાસની દિશામાં મજૂર મહાજનને પ્રેરવાનો નવો અભિગમ આપ્યો. મજૂર, ઉદ્યોગ અને રાષ્ટ્રનું હિત જોઈને, ત્રણેયનો સમન્વય સાધીને ગાંધીવિચારધારા અનુસાર મજૂર-પ્રવૃત્તિ ચલાવવાની તેમનામાં જબરદસ્ત પકડ હતી. મજૂર મહાજન ગાંધીજીની મજૂરપ્રવૃત્તિની પ્રયોગશાળા હતી અને શંકરલાલ એના ટૅકનિશિયન હતા. ઇન્ડિયન નૅશનલ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ તથા હિંદ મજૂર સેવક સંઘની સ્થાપના અને તેના વિકાસમાં તેમનો ફાળો મહત્વનો હતો. તેમણે મજૂર મહાજન સંઘમાં કોઈ હોદ્દો સ્વીકાર્યો નહોતો. સત્તા અને રાજકારણથી દૂર રહીને માત્ર સેવાનો માર્ગ સ્વીકારનાર દેશના વિરલ સેવકોમાંના તેઓ એક હતા.

તેઓ આજીવન અપરિણીત રહ્યા હતા. તેમણે ‘ગાંધીજી અને મજૂર પ્રવૃત્તિ’, ‘ખાદી અને ગાંધીજી’ વગેરે પુસ્તકો લખ્યાં છે. ‘નવજીવન’, ‘હરિજન’ તથા ‘યંગ ઇન્ડિયા’ સામયિકોમાં તેઓ વખતોવખત અભ્યાસપૂર્ણ લેખો લખતા હતા. તેઓ મૂક સેવક હતા અને પ્રસિદ્ધિથી દૂર રહેવાનું પસંદ કરતા હતા.

જયકુમાર ર. શુક્લ