બૃહદ્ જાતક : જ્યોતિષશાસ્ત્રનો એક જાણીતો ગ્રંથ. રચયિતા વરાહમિહિર. જન્મસ્થળ ઉજ્જૈન. પિતા આદિત્ય. ગુરુ પણ એ જ. સૂર્યવંશી બ્રાહ્મણકુળ. ઇષ્ટદેવ સૂર્ય.
છઠ્ઠી સદીના પૂર્વભાગમાં જન્મેલા આ જ્યોતિષાચાર્યે સૂર્યસિદ્ધાંતના અનેક ગ્રંથોની રચના કરી છે. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રની ત્રણ શાખાઓ સિદ્ધાંત, સંહિતા અને હોરામાં નિપુણતા પ્રાપ્ત કરી અજોડ જ્યોતિર્વિદનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
‘બૃહદ્ જાતક’નું લઘુપુસ્તક ‘લઘુ જાતક’ પણ એમની જ રચના છે. પોતાના આ વિસ્તૃત ગ્રંથને સર્વસુલભ કરવાના એકમાત્ર ધ્યેયથી તેમણે સ્વયં ‘બૃહદ્ જાતક’ની લઘુ આવૃત્તિ જેવો ‘લઘુ જાતક’ ગ્રંથ આપ્યો છે.
‘બૃહદ્ જાતક’ના ઉપસંહારમાં એમણે પોતે જ આ ગ્રંથ સૂર્ય ભગવાનની કૃપાથી લખી શકાયો છે તેવો ઉલ્લેખ કરી તેમને ભવ્ય અંજલિ આપી છે.
આ ગ્રંથરચના સમયે તેમની જાણમાં પૂર્વાચાર્યોએ લખેલ ‘ગૌરીજાતક’, ‘કાલચક્રજાતક’, ‘કાલભૃગુસૂત્ર’, ‘ગર્ગસંહિતા’ અને ‘બૃહત્પારાશરી’ જેવા ગ્રંથો હતા.
આ ઉપરાંત એમણે ‘બૃહત્સંહિતા’, ‘સિદ્ધાંતપંચાશિકા’ જેવા સૂર્યસિદ્ધાંતના ગ્રંથો પણ લખ્યા છે.
આ ગ્રંથમાં તેમણે હોરાજાતકના બધા જ વિષયોનું નિરૂપણ વિશદતાથી કર્યું છે. રાશિઓ તો વરાહમિહિરે જ આપી છે. નક્ષત્રોનું વર્ગીકરણ કરી રાશિઓને ગણાવવાનું શ્રેય સૌપ્રથમ વરાહમિહિરના આ ગ્રંથને ફાળે જાય છે.
પૌરુષજાતક ગ્રંથોમાં આ ગ્રંથ પ્રાચીન અને શ્રદ્ધેય છે. બૃહદ્ જાતક માટે પોતે જ અભિપ્રાય આપતાં લખે છે : ‘મેં વરાહમિહિરે મુનિઓના મતોને બરાબર રીતે જોઈ આ રુચિર હોરાને રચી છે.’
તેમણે સૂક્ષ્મગણિત દ્વારા રાશિઓના ભેદોપ્રભેદોનું વર્ગીકરણ આ ગ્રંથમાં કર્યું છે. રાશિઓનાં નામ અને વર્ગીકરણ બાબતે તેમના ઉપર યવનાચાર્યની સ્પષ્ટ અસર જોવા મળે છે. આ ગ્રંથમાં 36 ગ્રીક શબ્દો પ્રાપ્ત થાય છે. તેમાં હાલમાં ખૂબ જ પ્રચલિત બાર રાશિઓનાં નામ – એ સ્પષ્ટ ગ્રીક જ્યોતિષની અસર છે. એમ કહેવાય છે કે સિકંદરના સમયમાં અને મૌર્યશાસનકાળમાં ગ્રીક સંસ્કૃતિ અને જ્ઞાનની ભારત ઉપર – તેની વિવિધ જ્ઞાનશાખાઓ ઉપર અભૂતપૂર્વ અસર થયેલી. વરાહમિહિરના જ્યોતિષસિદ્ધાંતો ઉપર એ અસર જોવામાં આવે છે.
આ ગ્રંથમાં તેમણે પૂર્વાચાર્યોના મતોને કસોટીની સરાણે ચડાવ્યા પછી તેમનો સમુચિત સમન્વય કર્યો છે. તેમણે પરાશર, વિષ્ણુગુપ્ત, દેવ સ્વામી, સિદ્ધ સેન, જીવશર્મા આદિનાં મંતવ્યોની સમીક્ષા કરી, તેમને વધુ સ્પષ્ટ કર્યાં છે. સત્યાચાર્ય વિશેનો તેમનો આદર આ ગ્રંથમાં સ્પષ્ટ જણાઈ આવે છે. વળી એમનો ગ્રંથ પ્રશંસાપાત્ર છતાં તેની વિસંગતતાઓ પણ તાટસ્થ્યપૂર્વક તેઓ નિર્દેશે છે.
સૂર્યની સન્નિધિમાં રહેનાર બુધ-શુક્ર સૂર્યથી ચતુર્થ સ્થાનમાં કેવી રીતે સંભવી શકે? – એમ કહીને સત્યાચાર્યના મતનું તેમણે નમ્રતાથી ખંડન કર્યું છે.
હોરાસિદ્ધાંતને પ્રચલિત કરવા તેમણે આ જાતકગ્રંથમાં જાતકના જીવનમાં થતા વિવિધ યોગોને વ્યવસ્થિત રીતે સ્પષ્ટ અને સરલ બનાવીને રજૂ કર્યા છે. આ ગ્રંથમાં હોરાજાતક શાખાના વિવિધ યોગોનું ફળાદેશ સહિત અશેષ નિરૂપણ કર્યું છે. આ ગ્રંથમાં તેમણે 32 પ્રકારના રાજયોગોનું અને તેમના પ્રભેદોનું સ્પષ્ટીકરણ કર્યું છે.
આ ગ્રંથમાં રાશિઓના ભેદો-પ્રભેદોથી પ્રારંભ કરી, જાતક-જન્મ-પ્રકરણ, ગર્ભાધાન, અરિષ્ટ યોગો, બાર જન્મલગ્નો, બાર ભાવ, બાર રાશિ, દશા-મહાદશા, આંતરદશા, પ્રત્યંતર દશા, આયુર્દશા, સૂર્ય અષ્ટકવર્ગ, પ્રવ્રજ્યા, નક્ષત્રફળ, ચંદ્રરાશિજન્મફળ, રાશિસ્થ ગ્રહો, યુતિ-પ્રતિયુતિ, ગ્રહોનું ર્દષ્ટિફળ, ભાવસ્થ ગ્રહોનું ફળ અને સ્વગૃહી ગ્રહોનું ફળ, મિત્રગ્રહી-શત્રુક્ષેત્રી વગેરેનું ફળકથન વિસ્તારથી આપ્યું છે. આ ઉપરાંત દશવર્ગ, ષડ્વર્ગબળ, સ્ત્રીજાતકનું ફળ, નષ્ટયોગ, નષ્ટજાતક અને મૃત્યુયોગ જેવા જાતકના જીવનચક્રમાં વારાફરતી આવતા યોગો સુપેરે વર્ણવ્યા છે.
વિદ્વદ્જનો પ્રતિ એમનો આદર અપૂર્વ હતો. તેઓ પોતાના આ ગ્રંથમાં પૂર્વાચાર્યોના ઋણનો સ્વીકાર નમ્રભાવે કરે છે.
બટુક દલીચા