બૃહદ્ દેવતા (ઈ. પૂ. આઠમી સદી) : વૈદિક દેવતાઓ વિશે માહિતી આપતો ગ્રંથ.

‘બૃહદ્દેવતા’માં ઋગ્વેદની દેવતાઓ(‘દેવતા’ શબ્દ સ્ત્રીલિંગ છે)ની બૃહદ્ એટલે કે સવિસ્તર, લગભગ સંપૂર્ણ સૂચિ ઉપલબ્ધ છે; પરંતુ ‘દેવતાનુક્રમણી’ ગ્રંથની જેમ, આ ગ્રંથ, દેવતા-સૂચિ પૂરતો જ મર્યાદિત નથી. મહદંશે અનુષ્ટુપ છંદમાં, કૌશિક નામના વૈદિક પંડિતે રચેલા મનાતા ‘બૃહદ્ દેવતા’માં 8 અધ્યાયો અને 1,200 શ્લોકો છે; જેમાં ઋગ્વેદની દેવતાઓની નામ-ગણના, એમનાં સ્થાન-સ્વરૂપ કાર્યક્ષેત્ર અને વર્ગીકરણની વિગતો ઉપરાંત, ઋગ્વેદ સાથે સંબદ્ધ એવા અન્ય અનેક વિષયોની શાસ્ત્રીય વિવેચના કરવામાં આવી છે.

બે ભિન્ન વાચનામાં ઉપલબ્ધ અને લગભગ ઈ. પૂ. પાંચમા શતકમાં રચાયેલા ‘બૃહદ્ દેવતા’ના શ્લોકોને, પાંચેક શ્લોકોના બનેલા ‘વર્ગો’માં વિભાજિત કરવામાં આવ્યા છે અને પ્રત્યેક અધ્યાયમાં આવા આશરે 30 વર્ગો છે. અલબત્ત, આ ‘વર્ગ’-વિભાજન સંપૂર્ણત: વ્યવસ્થિત જણાતું નથી. એ જ રીતે, ગ્રંથના 8 અધ્યાયોને પણ ઋગ્વેદનાં 8 ‘અષ્ટકો’ સાથે કશો સંબંધ નથી : હકીકતમાં, અધ્યાયો–વર્ગોનું આ વિભાજન યાંત્રિક અને કૃત્રિમ છે.

સમગ્ર પ્રથમ અધ્યાય અને દ્વિતીય અધ્યાયના મોટાભાગમાં નિરૂપિત, પ્રારંભિક સુદીર્ઘ ‘પ્રસ્તાવના’માં અને ત્યારપછીના ગ્રંથ-વિભાગમાં, મહદંશે, ઋગ્વેદનાં સૂક્તો અને મંત્રોમાંની દેવતાઓની સ-વિગત અને પ્રસ્તુત માહિતીસભર સૂચિ, તે તે સૂક્તોના અધિશબ્દોથી નિર્દિષ્ટ અસંખ્ય પ્રતીકો સાથે, આપવામાં આવી છે. અને આ જ સંદર્ભમાં, ઋગ્વેદ-સૂક્તોમાં ઉલ્લિખિત 40 જેટલાં વિવિધ કથાનકોનું નિરૂપણ પણ, ગ્રંથકારે, મહત્વની વ્યાકરણવિષયક ચર્ચા સાથે કર્યું છે. આ ઉપરાંત, ઋગ્વેદમાંનાં ‘આપ્રી’-સૂક્તો, ‘વૈશ્વદેવ’-સૂક્તો અને વધારાનાં ગણાયાં હોવાથી પરિશિષ્ટોમાં સમાવિષ્ટ ‘ખિલ’-સૂક્તોની આલોચના પણ તેમણે અહીં આવરી લીધી છે.

તેમાં પ્રસ્તાવનાના અંતભાગમાં સમાસ, સર્વનામ, સંજ્ઞા, નિપાત, અવ્યય વગેરેની ચર્ચાની સાથે યાસ્કના ખોટા શબ્દપ્રયોગોની ચર્ચા પણ છે. આખ્યાનોને લીધે તે જગતભરનો સર્વપ્રથમ વાર્તાગ્રંથ છે, મહાભારતમાં પણ ‘બૃહદ્ દેવતા’માંથી આખ્યાનો લેવામાં આવ્યાં છે. એમાં મધુક, શ્વેતકેતુ, ગાલવ, ગાર્ગ્ય વગેરે આચાર્યોના મતો આપ્યા છે. પરમાત્માને મહાદેવતા માનવાની વાત છે.

સાયણાચાર્યે પોતાના ઋગ્વેદ-ભાષ્યમાં બૃહદ્ દેવતામાંથી અનેક અવતરણો આપ્યાં છે એ હકીકત, ઋગ્વેદનાં સંરક્ષણ અને અર્થઘટનના અનુસંધાનમાં, ‘બૃહદ્ દેવતા’નાં મહિમા અને મૂલ્યવત્તાને અધોરેખાંકિત કરે છે.

જયાનંદ દવે