બૃહત્કલ્પભાષ્ય : જૈન ધર્મનું જાણીતું ભાષ્ય. ‘કલ્પસૂત્ર’ કે ‘બૃહત્કલ્પસૂત્ર’ જૈનોનું એક છેદસૂત્ર છે. તેને ‘કલ્પાધ્યયન’ પણ કહે છે. તેના ઉપરનું આ ભાષ્ય વિ. સં. 645(ઈ. સ. 589)માં સંઘદાસગણિ ક્ષમાશ્રમણે રચ્યું. આ ભાષ્ય તથા તેના ઉપરની મલયગિરિ અને ક્ષેમકીર્તિની ટીકાઓનું સંપાદન મુનિ પુણ્યવિજયજીએ કર્યું છે અને તે આત્માનન્દ જૈન સભા, ભાવનગરે 1933–34માં પ્રકાશિત કર્યું છે.
શ્રમણોની પ્રાચીનતમ આચારસંહિતાનું સંક્ષિપ્ત શૈલીમાં લખાયેલું આ મહાશાસ્ત્ર ‘નિશીથભાષ્ય’ તથા ‘વ્યવહારભાષ્ય’ની સાથે અતિમહત્વપૂર્ણ બની રહ્યું છે. પ્રાચીન અનુશ્રુતિઓ અને લોકકથાઓ તેમાં પુષ્કળ છે. છ ઉદ્દેશકોમાં વહેંચાયેલું આ ભાષ્ય પ્રાકૃત ગાથાઓમાં લખાયું છે. કુલ ગાથાઓ 6,490 છે. તેમાં લૌકિક પરિષદના 5 પ્રકાર દર્શાવ્યા છે. કાલિકાચાર્યકથામાં શિષ્યોના બોધ માટે ઉજ્જયિનીથી સુવર્ણભૂમિ (બ્રહ્મદેશ–મ્યાનમાર) તરફના તેમના પ્રસ્થાનનો મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ છે. તેમાં પાષાણ, ઈંટ, માટી, કાષ્ઠ, વાંસ અને કાંટાના પ્રાકારો વર્ણવ્યા છે. કામની દસ અવસ્થાઓ ગણાવી છે. વિહારમાર્ગમાં ઉપયોગી ચામડાનાં તથા લોખંડનાં ઉપકરણોનો ઉલ્લેખ મળે છે. શૈલપુરનું ઋષિતળાવ, ભરૂચમાં કુંડલમેંઠ વ્યન્તરની યાત્રા, પ્રભાસ, આબુપર્વત વગેરેનો નિર્દેશ પણ કરાયો છે. વહાણમાં બધું ધન ડૂબી જાય ત્યારે દેવું ચૂકવવાનું બંધન નથી એવું ઠરાવતો ‘વણિકન્યાય’ અહીં આપેલો છે. ત્રિકાળનું જ્ઞાન આપનાર ‘ચૂડામણિ’ નિમિત્તશાસ્ત્રનો ઉલ્લેખ પણ ધ્યાન ખેંચે એવો છે.
ઘી માટે ‘તુપ્પ અને ઘઉં માટે ‘ગોર’ તથા શ્રીખંડ માટે ‘સિહિરિણી’ શબ્દો પ્રયોજાયા છે. જિનશાસનનો સાર એક ગાથામાં સમાવ્યો છે :
‘जं इच्छसि अप्पणतो, जं च ण इच्छसि अप्पणतो ।
तं इच्छ परस्स विया, एतियगं जिणसासणंयं ।।’
‘પોતાને માટે જે ગમે કે ન ગમે, તેવું બીજા માટે પણ ઇચ્છવું – આટલું જિનશાસન છે.’
સદા જાગ્રત રહેવાનો ઉપદેશ પણ નોંધપાત્ર છે :
‘जागरह नरा । णिच्चं, जागरमाणस्स बड्ढते बुद्धी ।
जो सुवति ण सो धण्णो, जो जग्गति सो सया धण्णो ।।’
‘હે મનુષ્યો! જાગો! હમેશાં જાગતા રહેનારની બુદ્ધિ વધે છે; જે સૂઈ રહે તે ધન્ય નથી; જે જાગે છે તે સદા ધન્ય છે.’
આ ગાથાઓમાં મુખ્ય છન્દ આર્યા છે.
જયન્ત પ્રે. ઠાકર