બૃહત્ કાવ્યદોહન : મધ્યકાલીન ગુજરાતી પદ્યરચનાઓનો અષ્ટગ્રંથી સંગ્રહ : ગ્રંથ 1 (1886), ગ્રંથ 2 (1887), ગ્રંથ 3 (1888), ગ્રંથ 4 (1890), ગ્રંથ 5 (1895), ગ્રંથ 6 (1901), ગ્રંથ 7 (1911), ગ્રંથ 8 (1913). સંપાદક : ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (1853–1912). પ્રકાશન : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ.

કુલ 10 ગ્રંથમાં પ્રગટ કરવા ધારેલ આ ‘બૃહત્ કાવ્યદોહન’ના સંપાદકની હયાતી દરમિયાન 7 ગ્રંથ પ્રગટ થયા હતા. એમણે તૈયાર કરેલો આઠમો ગ્રંથ એમના પુત્રો મણિલાલ (1880–1942) તથા નટવરલાલે (1886–1965) પ્રગટ કર્યો હતો. ઇચ્છારામે બધા દેશોમાં ભાષાનો પ્રારંભ કવિતાથી થયો છે અને ગુજરાતી ભાષાનું પ્રારંભિક સ્વરૂપ કવિતામાં છે, તેથી અપ્રસિદ્ધ અને સુપ્રસિદ્ધ મધ્યકાલીન પદ્યરચનાઓને ખોળી કાઢી ગુજરાતી પ્રજામાં ફેલાવવાના આશયથી 10 મોટા ગ્રંથોમાં તે પ્રગટ કરવાની યોજના કરેલી. આ ‘બૃહત્ કાવ્યદોહન’ના ગ્રંથોમાં નાના, મોટા, પરિચિત, અલ્પપરિચિત, અપરિચિત, પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ કવિઓ(સ્ત્રી કવિઓ અને જૈન કવિઓ સહિત)ની નાનીમોટી પદ્યરચનાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સંપાદકના મતાનુસાર નરસિંહ, પ્રેમાનંદ, શામળ, દયારામ જેવા પ્રથમ વર્ગના કવિઓની; વલ્લભ, રત્નો, ધીરો, ભોજો, મુક્તાનંદ આદિ બીજા વર્ગના કવિઓની; મીરાં, ગૌરીબાઈ, કૃષ્ણાબાઈ, જેઠીબાઈ, માનબાઈ આદિ સ્ત્રી-કવિઓની; તેમજ જશવિજય, ઉદયરત્ન આદિ જૈન કવિઓની રચનાઓ આમાં ઉપલબ્ધ છે. કોઈની એકાદ રચના મળી તો તેવી અને કવિઓનાં નામ વગરની રચનાઓ પણ અહીં મળે છે. અત્યંત ઉત્સાહ અને પરિશ્રમથી મધ્યકાલીન ગુજરાતી કવિતાનો વિશાળ ભંડાર ગુજરાતી પ્રજા આગળ મૂકવાનો સંપાદકનો પુરુષાર્થ નોંધપાત્ર છે. આ ગ્રંથોની સામગ્રી એકઠી કરવાને ઇચ્છારામે પત્રવ્યવહાર કર્યો હતો અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં જાતે ફરીને પુષ્કળ શોધખોળ અને પૂછપરછ કરી હતી.

જુદા જુદા ગ્રંથોમાં સંપાદકે કેટલાક કવિઓનાં ચરિત્રો પણ અધિકારી વિદ્વાનો પાસે લખાવી સામેલ કર્યાં છે. એ રીતે નરસિંહ, અખો, દયારામ, મીરાં, નાકર આદિનાં ચરિત્રો મૂકેલાં છે. મધ્યકાલીન કવિઓનાં જીવન તથા કાવ્યોનો ઇતિહાસ ગુજરાતી સાહિત્યને સૌપ્રથમ આમ ઇચ્છારામે પૂરો પાડ્યો છે. આઠમા ગ્રંથ સિવાય પ્રત્યેક ગ્રંથમાં અંતે કઠિન શબ્દોના અર્થો પણ આપ્યા છે અને દરેક ગ્રંથ તત્કાલીન મહાનુભાવોને અર્પણ કરવામાં આવ્યો છે.

આ ગ્રંથોમાં સામગ્રી થોડી વેરવિખેર છે, કારણ કે એક કવિની જુદી જુદી કૃતિઓ એકથી વિશેષ ગ્રંથોમાં સંકલિત કરવામાં આવી છે. રચનાઓ કે કૃતિઓ સંશોધન કરીને છાપી નથી એટલે કેટલીય સામગ્રી અશુદ્ધ અને સંદિગ્ધ સ્વરૂપે મળે છે. ડેમી સાઇઝના પ્રત્યેક ગ્રંથમાં 800થી વિશેષ પૃષ્ઠો છે. માત્ર આઠમા ગ્રંથમાં 770 પૃષ્ઠો છે. ગ્રંથને લોકપ્રિય કરવાને પુષ્કળ કાળજી રાખી છે એવો સંપાદકે એકરાર કર્યો છે અને ‘સામાજિક આવૃત્તિ’ ગણાવી કિંમત પણ અઢી, ત્રણ, ચાર રૂપિયાથી વિશેષ નથી રાખી, જ્યારે તે જ સમયે 100થી 200 પૃષ્ઠોનાં પાઠ્યપુસ્તકોની કિંમત પ્રમાણમાં વધારે હતી. પહેલા ગ્રંથની 7, બીજાની 3 અને ત્રીજાની 2 આવૃત્તિઓ થઈ હતી. બધા પ્રકારના ખૂબ મોટી સંખ્યામાં કવિઓ અને તેમની રચનાઓને સમાવી લેતો આવો અનેક ગ્રંથી બૃહત્ સંગ્રહ અદ્વિતીય છે.

મનોજ દરુ