બુલ્લે શાહ (જ. 1680, પંડોક, પંજાબ; અ. 1758) : પંજાબી લેખક. તેઓ જાણીતા સૂફી સંત અને કવિ હતા. પંજાબી સૂફી કવિતાના એ અગ્રણી હતા. એમની કવિતામાં પરંપરાગત રહસ્યવાદ તથા આધુનિકતાનું સુખદ મિશ્રણ છે. એ સૂફી સંત એનાયત શાહના શિષ્ય અને સૂફીઓના કાદરી સંપ્રદાયના અનુયાયી હતા. આ વાત એમણે જ એમની કાફીમાં જણાવી છે. એમનું મૂળ નામ અબદુલ્લાહ હતું અને એમના પિતાનું નામ શાહી મહમદ દરવેશ હતું. બુલ્લે શાહની કવિતાની હસ્તપ્રત પંજાબ વિશ્વવિદ્યાલયના પુસ્તકાલયમાં સુરક્ષિત છે. એનું સંપાદન મોહનસિંહે કર્યું છે અને એ પુસ્તકોનું નામ ‘સુફીયાં દા કલામ’ રાખ્યું છે. એમનાં કાવ્યોનું એ પર શોધપ્રબંધ લખનાર લાજવંતી રામકૃષ્ણાએ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. અંગ્રેજ વિદ્વાન ઑસબૉર્ને અંગ્રેજીમાં બુલ્લે શાહ પર એક પુસ્તક લખ્યું છે. તેમણે એમનાં કાવ્યો વિશે વિસ્તારથી ભિન્ન ભિન્ન ર્દષ્ટિએ ચર્ચા કરી છે. એ ઉપરાંત એમની રચનાઓ પર અનેક પંજાબી સંશોધકોએ શોધપ્રબંધ લખ્યા છે. બુલ્લે શાહે કાફીઓ, બારમાસા, ગંધમ, દોહા અને અષ્ટવારનાં કાવ્યો લખ્યાં છે.
લાજવંતીએ એમને વિશે જે અભ્યાસગ્રંથ લખ્યો છે, તેમાં બુલ્લે શાહનું જીવન ત્રણ ભાગમાં વહેંચ્યું છે. પહેલા ભાગમાં, એનાયત શાહના શિષ્ય તરીકે વાત કરવામાં આવી છે. બીજા ભાગમાં એમના પર થયેલા વૈષ્ણવ સંપ્રદાયના સાહિત્યની તથા વેદાંતની અસર વિશે વિશ્લેષણ કર્યું છે અને ત્રીજા ભાગમાં બુલ્લે શાહનો જીવાત્મા, પરમાત્મામાં શી રીતે વિલીન થયો તેનો વિગતથી અહેવાલ આપ્યો છે. બુલ્લે શાહને જે દિવ્યાનુભૂતિ થઈ તે કોઈને પણ નહિ જણાવવા તેમના ગુરુ એનાયત શાહે અનુરોધ કર્યો હતો, પણ બુલ્લે શાહે જ એમની એક કાફીમાં કહ્યું છે કે ‘હું મારી જાત પર સંયમ રાખી શક્યો નહિ, ને મારી અનુભૂતિ જાહેરમાં જણાવું છું.’ એનાયત શાહ એમની પર ચિડાયા, અને ત્યારે બુલ્લે શાહે એમની ભૂલની માફી માગી.
એમનો યુગ એ મુઘલ સલ્તનતના પતનનો યુગ હતો. એ સમયે સર્વત્ર અરાજકતા હતી. બુલ્લે શાહના શીખો તરફના કુમળા વલણને લીધે મુસલમાનો એમની તરફ નારાજ હતા.
ચન્દ્રકાન્ત મહેતા