બુલ્દાણા : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 19° 51´ થી 21° 17´ ઉ. અ. અને 75° 57´થી 76° 50´ પૂ. રે. વચ્ચેનો 9,661 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મધ્યપ્રદેશનો પૂર્વ નિમાડ જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્રનો અકોલા, દક્ષિણે પરભણી અને જાલના તથા પશ્ચિમે જાલના અને જલગાંવ જિલ્લાઓ આવેલા છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લાનો ઉત્તર વિભાગ તાપી નદીના થાળામાં અને દક્ષિણ વિભાગ ગોદાવરી નદીના થાળામાં આવેલો છે. પાયન ઘાટ (Payan Ghat) નામથી ઓળખાતો જિલ્લાનો ઉત્તર તરફનો અડધો ભાગ તાપીની શાખાનદી પૂર્ણાના ખીણવિસ્તારને આવરી લે છે. બાળાઘાટ તરીકે ઓળખાતો બાકીનો દક્ષિણ તરફનો અડધો ભાગ ગોદાવરીની શાખાનદીઓ પેણગંગા તેમજ કતીપૂર્ણાની ખીણથી આવરી લેવાયેલો છે.

આ જિલ્લાને 3 રચનાત્મક-પ્રાકૃતિક એકમોમાં વહેંચેલો છે : (1) સાતપુડા ટેકરીઓ ધરાવતા જળગાંવ તાલુકામાં આવેલી ઉત્તર તરફની સાંકડી ભૂમિપટ્ટી; (2) મલકાપુર, ખામગાંવ અને જળગાંવ તાલુકાઓનો સમાવેશ કરતાં મધ્યનાં પૂર્ણા નદીનાં મેદાનો; (3) દક્ષિણ તરફ ચીખલી તથા મેહેકર તાલુકાઓનો સમાવેશ કરતો બુલ્દાણા ઉચ્ચપ્રદેશ. જિલ્લાનાં સ્થળર્દશ્ય-લક્ષણોમાં ખૂબ વિવિધતા જોવા મળે છે. અહીંની ફળદ્રૂપ નદીખીણોએ જિલ્લાને ખેતીથી સમૃદ્ધ બનાવ્યો છે.

મલકાપુર, ખામગાંવ અને જળગાંવ તાલુકાઓની ઊંચાઈ આશરે 262 મીટર અને 275 મીટર વચ્ચેની છે, તો ચીખલી અને  મેહેકર તાલુકાઓની ઊંચાઈ આશરે 525 અને 730 મીટર વચ્ચેની છે. બુલ્દાણા જિલ્લામથક 663 મીટર ઊંચાઈ પર આવેલું છે. અજન્ટા હારમાળાને રચતો બાળાઘાટ ઉચ્ચપ્રદેશ આ જિલ્લાનું મુખ્ય ભૂમિલક્ષણ ગણાય છે. તે જિલ્લાના મેહેકર અને ચીખલી તાલુકાઓવાળો દક્ષિણ ભાગ બનાવે છે. બાળાઘાટને વીંધતી વાયવ્યમાંથી આવતી નીચી ટેકરીઓથી બનેલી ડુંગરધાર પેણગંગા અને કતીપૂર્ણા નદીઓ વચ્ચેનો જળવિભાજક રચે છે. અજન્ટાની મુખ્ય હારમાળા દખ્ખણના ઉચ્ચપ્રદેશની ઉત્તરતરફી દીવાલ રચે છે; એટલું જ નહિ, તે ગોદાવરી અને તાપી નદીઓ વચ્ચેનો જળવિભાજક પણ રચે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રને અલગ કરતી સાતપુડા હારમાળાની શાખા જલગાંવ તાલુકાની ઉત્તર તરફ આવેલી છે.

જળપરિવાહ : પેણગંગા આ જિલ્લાની મુખ્ય નદી છે. અન્ય મહત્વની નદીઓમાં પૂર્ણા, કતીપૂર્ણા, નાલગંગા, વિશ્વગંગા, જ્ઞાનગંગા અને બાણગંગાનો સમાવેશ થાય છે પૂર્ણા નદી પાયન ઘાટનાં મેદાનોમાં વહે છે. તેને બાદ કરતાં આ બધી સહાયક નદીઓ ઉનાળાની મોસમમાં સુકાઈ જાય છે.

બુલ્દાણા જિલ્લો

ખેતી-પશુપાલન : ઉત્તર તરફ જળગાંવ, મલકાપુર અને ખામગાંવ તાલુકાઓની જમીન ઘેરા કાળા રંગની છે. જુવાર અને કપાસ આ વિસ્તારના મુખ્ય પાક છે. પૂર્ણા નદીની બંને બાજુ પર આશરે 12–13 કિમી.ના પટ્ટામાં ભારે કસવાળી જમીન આવેલી છે. અહીંથી દક્ષિણ તરફ જતાં જમીન ઓછા કસવાળી તેમજ પથરાળ બને છે, તેમ છતાં વચ્ચે ફળદ્રૂપ ટુકડાઓ જોવા મળે છે ખરા. ચીખલી અને મેહેકર તાલુકાઓની જમીન મોટેભાગે છીછરી તથા આછા રંગની છે; ક્યાંક ક્યાંક મધ્યમ કાળા રંગની જમીન પણ છે. અહીંના મુખ્ય કૃષિપાકો કપાસ, જુવાર, કઠોળ અને બાજરી છે. ચીખલી-મેહેકર તાલુકાઓ ઉચ્ચપ્રદેશના વચ્ચેના નીચાણવાળા ભાગોમાં થતા ઘઉંના વાવેતર માટે જાણીતા બનેલા છે. આ ઉપરાંત અહીં મગફળી, અડદ, તુવેર, સૂરજમુખી તથા થોડાક પ્રમાણમાં શેરડી પણ થાય છે. તળાવો અને જળસંગ્રહસ્થાનો ખેતીમાં સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે. ગાય, ભેંસ અહીંનાં મુખ્ય પશુઓ છે. જ્યાં જ્યાં નદીઓ, તળાવો જેવાં જળાશયો છે ત્યાં વર્ષના અણુક ગાળા પૂરતો માછલીઓ પકડવાનો વ્યવસાય ચાલે છે.

ઉદ્યોગો : આ જિલ્લાની ભૂમિ ડેક્કન ટ્રૅપ-બૅસાલ્ટ ખડકોથી બનેલી હોવાથી તેનો ઉપયોગ બાંધકામ-નિર્માણ-સામગ્રી તૈયાર કરવામાં થાય છે. થોડાક પ્રમાણમાં મળી રહેતાં અકીક, કાર્નેલિયન અને કૅલ્સાઇટ સિવાય આર્થિક ર્દષ્ટિએ અગત્યનાં અન્ય કોઈ ખનિજો અહીં મળતાં નથી. અહીં કપાસ અને મગફળીના મુખ્ય કૃષિપાકો થતા હોઈ કપાસ લોઢવાનાં જિન અને પ્રેસિંગ મિલો તથા તેલમિલો વિકસ્યાં છે. પિંપરાલા ખાતે રેશમી કાપડની એક મિલ પણ આવેલી છે. આ ઉપરાંત કુંભારો લાલ-કાળી માટીમાંથી જાતજાતનાં માટીનાં વાસણો બનાવે છે.

વેપાર : ખામગાંવ આ જિલ્લાનું તેમજ મહારાષ્ટ્ર રાજ્યનું રૂ માટેનું મુખ્ય બજાર ગણાય છે. અહીંથી રૂની ગાંસડીઓની મોટે ભાગે મુંબઈ ખાતે નિકાસ કરવામાં આવે છે. કપાસમાંથી, મગફળીમાંથી અને સૂરજમુખીમાંથી તેલ કાઢવામાં આવે છે. કપાસ રૂ, ખોળ, મરચાં, જુવાર, ચામડાં-ખાલ, હાડકાં અહીંની મુખ્ય નિકાસી વસ્તુઓ છે. કાપડ, ખાંડ, ગોળ, ચોખા, મીઠું, તમાકુ, સોપારી, લાકડાં, ધાતુઓ વગેરેની આયાત થાય છે.

પરિવહન-પ્રવાસન : જિલ્લાનાં આશરે 62 % ગામડાં રેલમથકો કે બસમથકોની સુવિધા ધરાવે છે. 538 જેટલાં ગામડાં પાકા રસ્તાઓથી જોડાયેલાં છે. જિલ્લાના શેગાંવ નગરમાં આવેલી ગજાનન મહારાજની સમાધિનાં દર્શનાર્થે મહારાષ્ટ્ર રાજ્યના બધા જ ભાગોમાંથી શ્રદ્ધાળુઓની ખૂબ અવરજવર રહે છે. આ ઉપરાંત દેઉળગાંવનું બાલાજી મંદિર, પિંપળગાંવની સૈલાની શાહમિયાં દરગાહ, સિંદખેડ ખાતેનો લખુજી જાધવનો મહેલ, રામેશ્વર મંદિર, નીલકંઠેશ્વર મંદિર, રેણુકા મંદિર, જાધવરાવ કુટુંબની સમાધિઓ, બાલસમુદ્ર, ગંગાસાગર કૂવો, લોનાર સરોવર, પલાસી સિદ્ધ મઠ વગેરે પ્રવાસીઓ માટેનાં આ જિલ્લાનાં આકર્ષણ-સ્થળો છે. વર્ષભર વારતહેવારે જુદા જુદા ઘણા મેળાઓ ભરાય છે.

વસ્તી : 1991ની વસ્તીગણતરી મુજબ, આ જિલ્લાની વસ્તી 18,86,299 જેટલી છે. તે પૈકી 9,66,017 પુરુષો અને 9,20,282 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 14,97,964 અને 3,88,335 જેટલું છે. જિલ્લામાં મરાઠી, હિન્દી તથા ઉર્દૂ ભાષાઓ બોલાય છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 13,96,044; મુસ્લિમ : 2,20,338; ખ્રિસ્તી : 1,304; શીખ : 710; બૌદ્ધ : 2,56,992; જૈન : 10,126; અન્ય- ધર્મી : 618 તથા અનિર્ણીત ધર્મવાળા : 167 જેટલા છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ 9,40,109 જેટલું છે. તે પૈકી 5,96,765 પુરુષો અને 3,43,344 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 7,00,610 અને 2,39,499 જેટલું છે. જિલ્લાનાં નગરો અને ગામડાંઓમાં જુદા જુદા તબક્કાની શિક્ષણસંસ્થાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. બુલ્દાણા ખાતે ઉચ્ચ શિક્ષણની 4 કૉલેજો આવેલી છે. હૉસ્પિટલો, પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો કે ચિકિત્સાલયોનું પ્રમાણ મધ્યમસરનું છે. જિલ્લાને વહીવટી સરળતા માટે 13 તાલુકાઓમાં વહેંચેલો છે. જિલ્લામાં એક લાખથી વધુ વસ્તીવાળું એક પણ નગર નથી. જિલ્લામાં 11 નગરો અને 1,427 (128 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા