બુલ્ગાનિન, નિકોલાઇ (જ. 11 જૂન 1895, નોવગોરડ, રશિયા; અ. 24 ફેબ્રુઆરી 1975, મૉસ્કો, રશિયા) : સોવિયેટ સંઘના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, રાજનીતિજ્ઞ તથા આર્થિક વહીવટકર્તા. જાસૂસી પોલીસ અધિકારી તરીકે 1918માં કારકિર્દીની શરૂઆત કરનાર બુલ્ગાનિન 1931માં મૉસ્કો સમિતિ(સોવિયેત)ના અધ્યક્ષ તથા 1937માં રશિયન પ્રજાસત્તાકના વડાપ્રધાન બન્યા. 1938માં સ્ટેલિને તેમને સોવિયેત સંઘના નાયબ વડાપ્રધાનપદે નીમ્યા અને દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન સોવિયેત લશ્કરી દળોનો હવાલો તેમને સોંપવામાં આવ્યો. સ્ટેલિનના મૃત્યુ (1953) બાદ થોડો સમય તેઓ મલિનકોવના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળમાં રહ્યા, પણ ત્યારબાદ નિકિતા ખ્રુશ્ચેવનો મલિનકોવ સાથે સત્તાસંઘર્ષ શરૂ થતાં તેમણે ખ્રુશ્ચેવને સમર્થન આપ્યું.
1955માં ખ્રુશ્ચેવ સત્તારૂઢ થતાં તેઓ દેશના વડાપ્રધાન નિમાયા. ખ્રુશ્ચેવના ખાસ વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે તેમણે મહત્વની મંત્રણાઓ અને વિદેશયાત્રાઓમાં ખ્રુશ્ચેવ સાથે હિસ્સો લીધો. આવી જ એક વિદેશયાત્રા દરમિયાન 1955માં તેમણે ભારતની મુલાકાત લીધેલી. તેઓ વડાપ્રધાન તરીકે માર્ચ 1958 સુધી અને પક્ષના અધ્યક્ષમંડળના સભ્ય તરીકે સપ્ટેમ્બર 1958 સુધી ચાલુ રહ્યા. પક્ષના ખ્રુશ્ચેવવિરોધી જૂથે તેમને હઠાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો ત્યારે તેમણે આ જૂથની ખ્રુશ્ચેવવિરોધી પ્રવૃત્તિમાં સક્રિય ભાગ ભજવ્યો; પરંતુ આ સંઘર્ષમાં ખ્રુશ્ચેવવિરોધી જૂથ પરાસ્ત થતાં તેમને તમામ સરકારી અને પક્ષનાં પદો પરથી હઠાવવામાં આવ્યા.
અમિત ધોળકિયા