બુલે, એતિયેને લૂઈ (જ. 12 ફેબ્રુઆરી 1728, પૅરિસ; અ. 6 ફેબ્રુઆરી 1799) : ફ્રાંસમાં નૂતન પ્રશિષ્ટ સ્થાપત્યવાદના અગ્રણી પ્રસારક સ્થપતિ. તે મૂળમાં ચિત્રકાર બનવા માગતા હતા પણ તેમના પિતાની ઇચ્છાને અનુસરીને સ્થાપત્યવિદ્યા તરફ વળ્યા. પ્રારંભમાં જે. એફ. બ્લોન્ડેલ અને જર્મેન બોફ્રેન્ડ સાથે અને પછી જે. એલ. લૅગી સાથે મળીને પ્રશિષ્ટ સ્થાપત્યનાં સ્વપ્નો સાકાર કરવાનો ભારે પુરુષાર્થ કર્યો.

ફ્રાન્સના સ્થાપત્યના ઇતિહાસમાં સી. એન. લિડૉક્સના સહયોગમાં તેમણે કરેલી કામગીરી પ્રભાવક બની. સંખ્યાની ર્દષ્ટિએ તેમનું શિલ્પસર્જન ભલે ઓછું હોય પરંતુ તે ફ્રાંસમાં નૂતન પ્રશિષ્ટ સ્થાપત્યવાદના દ્યોતક હોઈ તે વિશિષ્ટ મહત્વ ધરાવે છે. તેઓ સ્થાપત્યકલાના મહાન શિક્ષક હતા. 50 વર્ષ સુધીના તેમના શિક્ષણકાર્ય દરમિયાન તેમની કલાશાળામાં અનેક નામાંકિત સ્થપતિઓ તૈયાર થયા હતા. તેમાં બ્રૉન્ગનિ આર્ટ, ચાલગ્રીન, ડુરાન્ડ, પેર અને થીબોલ્ટનો સમાવેશ થાય છે.

પ્રૌઢકાળની તેમની રચનાઓનું તરી આવતું લક્ષણ એ છે કે તેમાં પ્રાચીન ઇમારતોમાં પ્રયોજાયેલ ભૌમિતિક સ્વરૂપોનું નવા બાંધકામમાં કુશળતાપૂર્વક સંયોજન કરવામાં આવ્યું  છે. ‘લ થિયરી દેસ કૉર્પ્સ’ નામના તેમના પ્રસિદ્ધ નિબંધમાં તેમણે ત્રિપરિમાણવાળી ઘનાકૃતિઓ દર્શકના ચિત્ત પર પડતો પ્રભાવ દર્શાવી, ચોરસ, પિરામિડ, નળાકાર અને ગોળાકાર પૈકી ગોળાકાર આદર્શ સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે. આ સંદર્ભમાં સ્થાપત્ય પરત્વે તેમણે તેજછાયાની પદ્ધતિ અપનાવી. ‘છાયા સ્થાપત્ય’(shadow architecture)ની શોધ કર્યાનો તેમનો દાવો હતો.

1784માં બ્રિટનના નામાંકિત ભૌતિકવિજ્ઞાની આઇઝેક ન્યૂટનના દફનસ્થાન માટેના સ્મારકભવન અંગે તેમણે એ વૈજ્ઞાનિકની વિચાર-ધારાને અભિવ્યક્ત કરતું ગોળાકાર સ્વરૂપ પ્રયોજ્યું. એમાં અંદરનો ગોળાકાર વિશ્વનું સૂચન કરવા માટે મધ્યમાંથી પોલો રાખવામાં આવ્યો છે. તેમની આવાં ભૌમિતિક પ્રતીકો પ્રયોજવાની નૂતન સ્થાપત્યશૈલીનો ઓગણીસમી સદીમાં વ્યાપક પ્રચાર થયો.

બળદેવભાઈ કનીજિયા