બુરુન્ડી : આફ્રિકામાં આવેલો અતિગીચ વસ્તી ધરાવતો નાનામાં નાનો દેશ. ભૌગોલિક સ્થાન : 3° 15´ દ. અ. અને 30° 00´ પૂ. રે. તેનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 241 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 217 કિમી. તથા કુલ વિસ્તાર 27,834 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે રુઆન્ડા, પૂર્વમાં તાન્ઝાનિયા, દક્ષિણ અને નૈર્ઋત્યમાં ટાંગાનિકા સરોવર, તથા પશ્ચિમે ઝાયર આવેલાં છે. બુજુમ્બુરા દેશનું મોટામાં મોટું શહેર તથા પાટનગર છે.

પ્રાકૃતિક રચના : બુરુન્ડીની પશ્ચિમ સીમા આફ્રિકાની મહાફાટખીણ(Great Rift Valley of Africa)ની ધારે ધારે ચાલી જાય છે. આ વિભાગ ટાંગાનિકા સરોવર તથા રુસીઝી નદીનો ઉત્તર ભાગ રચે છે. દેશનો વાયવ્ય વિભાગ ખીણપ્રદેશમાંથી 2,680 મીટરની ઊંચાઈવાળો છે. પશ્ચિમ બુરુન્ડીનો ઘણોખરો પ્રદેશ જ્વાળામુખી-ખડકોથી બનેલો હોઈ ત્યાંની જમીનો જ્વાળામુખીજન્ય, ફળદ્રૂપ છે, પરંતુ ભારે વરસાદથી તે ધોવાણ પામેલી છે, તેમાં જરૂરી રાસાયણિક ઘટકો રહ્યાં નથી, તેથી તે બિનઉપજાઉ બની રહી છે; વળી ખેતી માટે અયોગ્ય પદ્ધતિઓ અપનાવવાથી તે નબળી પડી ગઈ છે. મધ્ય અને પૂર્વ બુરુન્ડીમાં સમુત્પ્રપાતો(escarpments)થી ઘેરાયેલા ઉચ્ચપ્રદેશો આવેલા છે. સમુત્પ્રપાતોના તળેટીભાગો કળણભૂમિથી આચ્છાદિત છે. અહીંની જમીનો ઉપજાઉ હોઈ ઠીક ઠીક પ્રમાણમાં કૃષિપેદાશો આપે છે. દક્ષિણ બુરુન્ડીમાં પણ ઊંચાણવાળો ભૂમિપ્રદેશ આવેલો છે.

આબોહવા : બુરુન્ડી વિષુવવૃત્તની નજીક દક્ષિણે આવેલું હોવા છતાં પહાડી પ્રદેશ હોવાથી ઠંડી ખુશનુમા આબોહવા ધરાવે છે. ટાંગાનિકા સરોવરને ઈશાન ખૂણે આવેલા પાટનગર બુજુમ્બુરાની આજુબાજુના ફાટખીણ વિસ્તારનું સરેરાશ તાપમાન 23° સે. જેટલું રહે છે તથા સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 750 મિમી. જેટલો પડે છે. પશ્ચિમી પહાડી પ્રદેશમાં સરેરાશ તાપમાન 17° સે. રહે છે તથા સરેરાશ વાર્ષિક વરસાદ 1500 મિમી. જેટલો પડે છે. ઉચ્ચપ્રદેશીય વિસ્તારમાં સરેરાશ તાપમાન 20° સે. તથા સરેરાશ વાર્ષિક વરસાદ 1200 મિમી. પડે છે.

બુરુન્ડીના લોકસંગીતમાં અતિ લોકપ્રિય વાદ્યનું સ્થાન ધરાવતા પરંપરાગત ‘ડૂમ’ વાદન સાથે કલાકારોનું વૃન્દગાન – એક ર્દશ્ય

અર્થતંત્ર : કૃષિયોગ્ય જમીનોમાં લોકો કૉફી, કપાસ, કેળાં, કસાવા, વાલ, મકાઈ, શકરિયાં તથા ચાની ખેતી કરે છે. કેટલાક લોકો પશુધન–ઢોરઉછેરમાંથી તેમનો જીવનનિર્વાહ કરે છે. ટાંગાનિકા સરોવરમાંથી વાર્ષિક આશરે 9,000 ટન જેટલી માછલીઓ મેળવવામાં આવે છે. કેટલાક ખેડૂતો 1,400 મીટર સુધીની ઊંચાઈવાળા ભાગોમાં રોબુસ્ટા નામથી ઓળખાતી ત્વરિત કૉફી(instant coffee)નું તથા 1,400થી 1,800 મીટરની ઊંચાઈવાળા ભાગોમાં વધુ મૂલ્યવાન અરેબિકા નામની કૉફીનું વાવેતર કરે છે. પીટ (કનિષ્ઠ કોલસો) અને નિકલનાં ખનિજો પણ અહીં મળે છે. કૉફી, કપાસ, ચા અને માછલી મુખ્ય નિકાસી ચીજો છે.

પરિવહન : દેશભરમાં મોટાભાગના સડકમાર્ગો કાચા છે, રેલમાર્ગો નથી. ટાંગાનિકા સરોવર દ્વારા હોડીઓ મારફતે બુજુમ્બુરા અને ટાન્ઝાનિયાના કિગોમા તથા ઝાયરના કાલેમી વચ્ચે માલની હેરફેર કરવામાં આવે છે. પાટનગર બુજુમ્બુરા ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની સગવડ છે. બુરુન્ડી હિન્દી મહાસાગર તથા આટલાન્ટિક મહાસાગરથી દૂર અંદરના ભૂમિભાગમાં આવેલું હોવાથી, દરિયાપારના દેશો સાથેના વેપારમાં, માલને તેના લક્ષ્યસ્થળે પહોંચાડવા માટે વહાણો કે રેલડબ્બાઓમાં વારંવાર ચઢાવવા-ઉતારવાની કામગીરી ખર્ચાળ અને મુશ્કેલ બનતી હોવાથી પોષાતી નથી.

વસ્તી-લોકો : બુરુન્ડીની વસ્તી 56,09,000 (1991) હતી, જે 1996માં વધીને આશરે 64,82,000 જેટલી થવાની શક્યતા હતી. આફ્રિકામાં અતિગીચ વસ્તીવાળા ગણાતા આ દેશમાં વસ્તી-ગીચતા દર ચોકિમી. 202 વ્યક્તિ જેટલી છે. શહેરી વસ્તી 7 % અને ગ્રામીણ વસ્તી 93 % જેટલી છે. વિવિધ જાતિ-સમુદાયોમાં 85 % હુતુ જાતિના, 14 % તુત્સી જાતિના અને 1 % અન્ય છે. 1 % અન્ય લોકોમાં ત્વા જાતિની પિગ્મી પ્રજા, અરબો, એશિયાઈ તથા યુરોપીય લોકોનો સમાવેશ થાય છે. વસ્તીની તુલનામાં હુતુઓ કરતાં તુત્સીઓનું પ્રમાણ છથી સાતગણું ઓછું હોવા છતાં સરકારી, રાજકીય અને લશ્કરી ક્ષેત્રે દેશભરમાં તુત્સીઓ વર્ચસ્ ધરાવે છે. તેઓ મોટી સંખ્યામાં પશુધન પણ ધરાવે છે. હુતુઓનો મોટો ભાગ ખેડૂતો છે, તે પૈકીનાં ઘણાંખરાં કુટુંબો તેમનો જીવનનિર્વાહ થઈ શકે એટલી ખેતી કરે છે. ત્વા લોકો મૂળ શિકારીઓ હતા, જંગલોમાં ફરીને બોર એકઠાં કરતા અને ત્યાં ઊગતો ખોરાક મેળવી ગુજરાન ચલાવતા; પરંતુ હવે તેઓ થોડીઘણી ખેતી, મજૂરી તથા માટીનાં વાસણો બનાવવાનું કામ કરતા થયા છે.

ફ્રેન્ચ અને કિરુન્ડી (બાન્ટુ ભાષાનો એક પ્રકાર) અહીંની સત્તાવાર ભાષાઓ છે. મોટાભાગના લોકો તેમના વ્યવહારમાં કિરુન્ડી ભાષાનો ઉપયોગ કરે છે. વસ્તીનો મોટો ભાગ રોમન કૅથલિક છે. ધર્મપ્રચારકો તથા પાદરીઓ શાળાઓમાં શિક્ષણનું કાર્ય પણ કરે છે.

વહીવટ : દેશભરમાં એક જ રાજકીય પક્ષ છે. દર 5 વર્ષે ચૂંટણી થાય છે. તેમાંથી પ્રમુખની વરણી થાય છે. પ્રમુખ દેશના વહીવટી વડા ગણાય છે. નૅશનલ ઍસેમ્બ્લીમાં 65 સભ્યો હોય છે. 52 સભ્યો જનતા દ્વારા ચૂંટાય છે, બાકીના 13 પ્રમુખ દ્વારા નિમાય છે. પ્રમુખ 19 સભ્યોની કૅબિનેટ રચે છે. નૅશનલ ઍસેમ્બ્લી પ્રમુખને વહીવટ ચલાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત પ્રમુખ દ્વારા વરણી પામેલા લશ્કરી અધિકારીઓથી રચાયેલી રાષ્ટ્રીય લશ્કરી સમિતિ પ્રમુખને જરૂરી સલાહ આપે છે.

ઇતિહાસ : આજના બુરુન્ડી વિસ્તારના પ્રથમ નિવાસીઓ કદાચ ત્વા લોકો હતા, સંભવત: પ્રાગ્-ઐતિહાસિક કાળથી તેઓ અહીં વસતા હોવા જોઈએ. ત્યારપછીથી હુતુઓ અહીં આવતા ગયા અને વસતા ગયા, તેમની સંખ્યા વધતી ગઈ. 1400ના અરસા સુધીમાં ઇથિયોપિયાથી તુત્સી લોકો અહીં આવ્યા. તુત્સીઓ હુતુઓ કરતાં વધુ શક્તિશાળી નીવડ્યા, તથા વર્ચસ્ જમાવતા ગયા. તેમની દોરવણી હેઠળ હુતુઓ ખેતી કરતા, તેના બદલામાં તુત્સીઓ તેમનું રક્ષણ કરતા. પરંતુ તુત્સીઓમાંથી ઊતરી આવેલા ગાનવા (Ganwa) નામથી ઓળખાતા એક નાના સમૂહના સમર્થ લોકોએ બુરુન્ડી પર શાસન કરવાનું ચાલુ કર્યું તથા ઘણી સંપત્તિ એકઠી કરી. તેમાંથી રાજાશાહી પ્રવર્તી રહી. તેમનો રાજા મ્વામી (Mwami) કહેવાતો, પરંતુ પછીથી આ પ્રકારની સત્તા પર ગાનવાઓેએ અંકુશ મૂકી દીધો.

1897માં જર્મનોએ બુરુન્ડી-રુઆન્ડાનો વિસ્તાર જીતી લીધો, ત્યારથી તે આખો પ્રદેશ રુઆન્ડા-ઉરુન્ડી તરીકે જાણીતો થયો અને તે ‘જર્મન પૂર્વ આફ્રિકા’નો એક ભાગ બની રહ્યો. 1916માં આ પ્રદેશ બેલ્જિયમને કબજે ગયો. 1923માં તે બેલ્જિયમ અંકુશ હેઠળનો પ્રશાસિત વિસ્તાર બન્યો. 1946માં રાષ્ટ્ર સંઘે તેને બેલ્જિયમના વાલીપણા હેઠળનો પ્રદેશ બનાવ્યો. 1961માં ઉરુન્ડીએ બુરુન્ડી તરીકે સ્વતંત્ર–રાજાશાહી શાસન કરવા માટે તથા રુઆન્ડાએ પ્રજાસત્તાક રચવા માટે પોતપોતાના હકોની માગણી કરી. 1962ના જુલાઈની પહેલી તારીખે આ બંને દેશો સ્વતંત્ર બન્યા. ત્યારથી બુરુન્ડી પર તુત્સીઓ શાસન કરતા આવ્યા છે.

સ્વતંત્રતા મળ્યા પછી દેશમાં હુતુઓ અને તુત્સીઓ વચ્ચે સંઘર્ષો થતા રહ્યા છે, પરિણામે રાજકીય અસ્થિરતા પ્રવર્તે છે. હુતુઓ તુત્સીઓના શાસનનો વિરોધ કરતા આવ્યા છે. 1965માં તત્કાલીન વડાપ્રધાનની હત્યા કરવામાં આવેલી. તે પછી તેમના અનુગામીની પણ હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ થયેલો. છેવટે લશ્કરી નેતા મિકોમ્બેરોને વડાપ્રધાન બનાવાયા. તેમણે 1966માં રાજાને ઉથલાવ્યા, બુરુન્ડીને પ્રજાસત્તાક તથા પોતાને પ્રમુખ તરીકે ઘોષિત કર્યા. 1972માં હુતુઓએ તુત્સીઓ વિરુદ્ધ અસફળ બળવો કર્યો, તેમાં એક લાખ માણસો (મોટાભાગના હુતુઓ) મૃત્યુ પામ્યા. તત્કાલીન સરકાર સામે કર્નલ જિન બેપ્ટિસ્ટ બૅગેઝા લશ્કરી અધિકારીઓની સહાયથી પ્રમુખ બન્યા. 1981માં બુરુન્ડીના મતદાતાઓએ નવું બંધારણ ઘડીને માન્ય કર્યું. 1982માં નૅશનલ ઍસેમ્બ્લીની રચના કરી. બૅગેઝાના નેતૃત્વ હેઠળ બુરુન્ડીની સરકાર અને રોમન કૅથલિક ચર્ચ વચ્ચેના સંબંધો કથળ્યા. સરકારી મંજૂરી વિના ધાર્મિક સેવાઓ પર પ્રતિબંધો મુકાયા. આ પ્રકારે પ્રવર્તતા અસંતોષને કારણે 1987માં છેવટે બૅગેઝા ફેંકાઈ ગયા અને નવા નેતૃત્વ હેઠળ ધાર્મિક સ્વતંત્રતા પાછી મળી.

ગિરીશભાઈ પંડ્યા