બુરા, એડવર્ડ (જ. 1905, લંડન; અ. 1976, લંડન) : આધુનિક બ્રિટિશ ચિત્રકાર. મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ. પિતા બૅરિસ્ટર. બાળપણમાં જ વા અને પાંડુતાના રોગનો તેઓ ભોગ બનેલા. નબળી તબિયત છતાં આજીવન વિપુલ ચિત્રસર્જન અને પ્રવાસો કરતા રહ્યા.

શાળાના શિક્ષણ પછી 1921માં તેઓ લંડનની ‘ચેલ્સિપા પૉલિટૅકનિક’માં કલાના અભ્યાસ માટે દાખલ થયા. અભ્યાસ પૂર્ણ કર્યા વિના તે છોડી તેઓ લંડનની ‘રૉયલ કૉલેજ ઑવ્ આર્ટ’માં દાખલ થયા અને 1925માં અભ્યાસ પૂર્ણ કર્યો. 1927માં તેમણે ફ્રાન્સના મેડિટરેનિયન સમુદ્રકાંઠે ખૂબ ભ્રમણ કર્યું હતું. અહીંના નગરજીવનથી તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. આ પ્રભાવ આજીવન રહ્યો. અહીંની પચરંગી પ્રજા, દરિયાખેડુ જીવનની રંગ-મસ્તી, અલગારી જીવનપદ્ધતિ તેમનાં ચિત્રસર્જનોના મુખ્ય વિષય બની રહ્યા. આ ચિત્રોમાં મોજીલા નવજવાનો, વારાંગનાઓ, ગુનેગારો, ગુંડાઓ તથા દરિયાખેડુ જેવાં પાત્રો જોવા મળે છે.

1927 પછી તેમને જાઝ સંગીતમાં ખૂબ રસ પડ્યો અને તેની પરોક્ષ અસરો પણ તેમનાં ચિત્રોમાં ઊતરવા લાગી. જાઝ સંગીત જેટલું પ્રશિષ્ટ સંગીતથી જુદું પડે છે તેટલી જ તેમની કલા પ્રશિષ્ટ ચિત્રકલાથી જુદી પડે છે. 1934માં તેમણે સ્પેન, મૅક્સિકો અને ન્યૂયૉર્કનો પ્રવાસ ખેડ્યો. અહીં અશ્વેત ત્વચા ધરાવતા નિગ્રો લોકોના સંઘર્ષો અને રોજિંદી જીવનશૈલીથી તેઓ પ્રભાવિત થયા. તેમનાં ચિત્રોમાં પણ મુખ્ય વિષય તરીકે નિગ્રોનાં પાત્રો અગ્રેસર બની રહ્યાં.

સ્પેન અને ન્યૂયૉર્કમાં તેમણે ઑપેરા તથા નાટકનાં પડદા અને ર્દશ્યો ચીતરવાનું કામ કર્યું. મૅક્સિકોમાં તેઓ સ્થાનિક પ્રાચીન અમેરિકન સંસ્કૃતિ અને કલાથી પ્રભાવિત થયા; તેની પણ તેમનાં ચિત્રો પર અસર પડી.

તેમનાં ચિત્રો પશ્ચિમના જગતના સામાન્ય જનજીવનનાં હાસ્ય અને કટાક્ષમય પ્રતિબિંબો આપે છે. તેમાં કાળી મજૂરી કરતા શ્વેત અને અશ્વેત લોકો, રોફ અને દમામ દાખવતા ધનિકો, રેસ્ટોરાં અને બારના મુલાકાતી યુવાનો, બેરરો તથા નૃત્યો અને શેરીનાં ર્દશ્યો આલેખી તેમણે સામાન્ય જીવનનું દર્શન કરાવ્યું છે. જોકે તેમાં વિકૃત ચિત્રણને કારણે ભરપૂર કટાક્ષ અને વ્યંગ્ય અનુભવાય છે. આ પ્રકારનાં તેમનાં ચિત્રો તેમને ગ્રૉઝ અને ડિક્સ જેવા જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકારોની, તો કલ્પનાવિહારનો વિનિયોગ કરીને સર્જેલાં કેટલાંક ચિત્રો તેમને ડાલી જેવા પરાવાસ્તવવાદી ચિત્રકારોની હરોળમાં મૂકે છે. કચડાયેલા અશ્વેત લોકોના રોજિંદા જીવનનું આલેખન બુરાને આ ક્ષેત્રમાં વિશિષ્ટ સ્થાન અપાવે છે.

અમિતાભ મડિયા