બુફોન, જ્યૉર્જિસ – લૂઈ લકલેર્ક (જ. 7 સપ્ટેમ્બર 1707, મૉન્ટબાર્ડ, ફ્રાન્સ; અ. 16 એપ્રિલ 1788, પૅરિસ) : ફ્રેન્ચ પ્રકૃતિવિજ્ઞાની. તેમને પ્રકૃતિવિજ્ઞાન પરના વિસ્તીર્ણ લેખો અને પરાગવાહિની પરનાં સંશોધનો માટે યાદ કરવામાં આવે છે. કાયદાકીય કારકિર્દીની નિષ્ફળ શરૂઆત કર્યા પછી તેઓ પ્રકૃતિવિજ્ઞાન અને ગણિતની દિશામાં વળ્યા. 1739થી તેમણે જાર્ડીન ડ્યુ રૉય અને તેના સંગ્રહાલયના રખેવાળ તરીકે કાર્ય કર્યું અને ત્યાંની ચીજવસ્તુઓની સૂચિ કરવાના પ્રયત્ન રૂપે ‘ઇસ્તુઆર નેચરલે, જનરલે એટ પર્ટિક્યુલરે’ (Histoire naturelle, generale et particuliere) 50 ખંડોમાં તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. તે રીતે 1749–67માં તેના 15 ખંડો અને 1774–89માં 7 ખંડો [જેમાં ‘ઇપૉક્સ દ લા નેચર’ (Epoques de la nature) (1778)નો સમાવેશ થાય છે] પ્રકાશિત થયા. તે પછીના 9 ખંડો (1770–83) પક્ષીઓને લગતા હતા, જ્યારે પછીના 5 ખંડો (1783–88) ખનિજોને લગતા હતા. તેમના અવસાન બાદ 8 ખંડો પ્રગટ થયા. આમ કુલ 44 ખંડો પ્રકાશિત થઈ શક્યા.
તેઓ ફ્રેંચ એકૅડેમીમાં ચૂંટાયા ત્યારે 25 ઑગસ્ટ 1753ના રોજ તેમણે ‘ડિસ્કોર્સ સુર લે સ્ટાઇલ’ (Discours sur le style) નામનું વિખ્યાત વ્યાખ્યાન આપ્યું હતું.
બળદેવભાઈ પટેલ