બુનિયાદી શિક્ષણ : ગાંધીવિચાર અનુસારનું પાયાનું શિક્ષણ. આ શિક્ષણને મહાત્મા ગાંધીજીની ભારતને દેન માનવામાં આવે છે. ગાંધીજીએ શિક્ષણવિષયક પોતાના વિચારો 1937ના જુલાઈ માસના ‘હરિજન’માં રજૂ કર્યા હતા અને પછી તે વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા 1937ના ઑક્ટોબર માસમાં રાષ્ટ્રીય કેળવણીકારોનું એક સંમેલન વર્ધા મુકામે યોજવામાં આવ્યું હતું. એ સંમેલનમાં ગાંધીજીના વિચારો પર ચર્ચા કરી નીચેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.
(1) રાષ્ટ્રીય ધોરણે સાત વર્ષ સુધી દરેક બાળકને શિક્ષણ મળે તેવી જોગવાઈ કરવી.
(2) શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ.
(3) પૂરા શિક્ષણગાળા દરમિયાન કેન્દ્રસ્થાને કોઈ પ્રકારનું શ્રમઉત્પાદનકાર્ય રહેવું જોઈએ અને તે હસ્તઉદ્યોગ મારફતે અન્ય કૌશલ્યોનો વિકાસ કરવો જોઈએ.
આ ઠરાવોના અમલ માટે ડૉ. ઝાકિરહુસેનના અધ્યક્ષપદે કેળવણીકારોની એક સમિતિ નીમવામાં આવી, જેણે વિગતવાર અભ્યાસક્રમ ઘડવાનો હતો. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે જ્યારે આઠ રાજ્યોમાં પ્રાંતિક સ્વરાજ્યની સ્થાપના કરી ત્યારે બુનિયાદી શિક્ષણનો તે રાજ્યોમાં અમલ કરવા વિચાર રાખ્યો. પ્રાયોગિક ધોરણે તેની અજમાયશ કરવા મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, આસામ અને ઓરિસાના થોડા ભાગોમાં બુનિયાદી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું. 1938ના જાન્યુઆરી માસમાં તે સમયના મુંબઈ પ્રાંતના મુખ્યપ્રધાન શ્રી બાળગંગાધર ખેરના પ્રમુખપદે મધ્યસ્થ કેળવણી સલાહકાર-મંડળની એક બેઠકે વર્ધા યોજનાને તપાસી જઈ નક્કી કર્યું કે આ યોજના કેળવણી માટેની છે અને નહિ કે ઉત્પાદન માટે. તેથી જે ઉદ્યોગો કેન્દ્રસ્થાને રાખવામાં આવે તે કેળવણીની ર્દષ્ટિએ ઉત્કૃષ્ટ અને સહેતુક હોવા જોઈએ. એ પ્રમાણે જે કેટલાક ઉદ્યોગોની ભલામણ કરવામાં આવી તેમાં મુખ્યત્વે કાંતણ-વણાટ અને ખેતી હતા. સ્વાતંત્ર્ય પછી ભારતનાં ઘણાં રાજ્યોમાં મોટે પાયે બુનિયાદી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું. પણ તેના અમલમાં ઘણી ક્ષતિઓ જોવા મળી. આથી જ્યારે 1964માં કોઠારી કમિશન ભારતની શિક્ષણ-સુધારણા માટે નીમવામાં આવ્યું ત્યારે તેણે ‘બુનિયાદી શિક્ષણ’ શબ્દો વાપરવાને બદલે ‘સામાજિક રીતે ઉત્પાદક શ્રમ’ શબ્દો વાપરી તેને એક વિષય તરીકે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણમાં દાખલ કર્યો. આથી હાલ કેટલીક બુનિયાદી અને ઉત્તર બુનિયાદી શાળાઓ સિવાય અન્ય ભાગ્યે જ કોઈ શાળામાં બુનિયાદી શિક્ષણ અમલમાં છે.
બુનિયાદી શિક્ષણની મુખ્ય બાબતો નીચે મુજબ છે. (1) માધ્યમ : બુનિયાદી શિક્ષણની યોજના પ્રમાણે શિક્ષણનું માધ્યમ બાળકની માતૃભાષા – પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે – રહેવી જોઈએ. (2) મનોવૈજ્ઞાનિક પાયો : બાળકોની વિશિષ્ટતાઓ, કુદરતી શક્તિઓ, જેવી કે બુદ્ધિ, અભિયોગ્યતાઓ વગેરે તથા તેનાં વલણો અને વ્યક્તિત્વનાં સર્વ લક્ષણોનો વિકાસ શિક્ષણ દ્વારા જ થવો જોઈએ. (3) સામાજિક જવાબદારી : બાળકો સારા નાગરિક બને તથા સમાજને ઉપયોગી થાય તે માટે પ્રવૃત્તિઓ દ્વારા તેમના સહકાર અને બંધુત્વ જેવા ગુણો વિકસાવવાનું લક્ષ્ય કેળવણીમાં રહેલું હોવું જોઈએ.
(4) કેન્દ્રસ્થાને ઔદ્યોગિક પ્રવૃત્તિ : શિક્ષણના કેન્દ્ર સાથે કોઈ પસંદ કરેલા ઉદ્યોગને રાખી અન્ય પ્રવૃત્તિઓ તેની સાથે વણી લેવી જોઈએ. બધા વિષયોનું શિક્ષણ ઉદ્યોગની પ્રવૃત્તિ સાથે સમવાય સાધે તેવું હોવું જોઈએ. (5) ધંધાકીય કૌશલ્ય : યોજનામાં ફેરફારો થયા પછી કેળવણીના કેન્દ્રસ્થાને રાખવાની ઔદ્યોગિક પ્રવૃત્તિ માત્ર શિક્ષણના વિકાસ માટે જ રાખવાની રહી હતી. એ દ્વારા ઉત્પાદન કરી શિક્ષકોના પગાર તથા શાળાના અન્ય ખર્ચાઓ માટેનાં નાણાં પ્રાપ્ત કરવાના ઉદ્દેશ છોડી દેવાયા હતા. (6) સમવાય : કેળવણીની બધી પ્રવૃત્તિઓ કેન્દ્રના ઉદ્યોગની પ્રવૃત્તિ સાથે સમવાય સાધે તે માટે કેન્દ્રીય ઉદ્યોગને ધ્યાનમાં રાખી દરેક વિષયમાં શી શી પ્રવૃત્તિઓ કરવી જોઈએ તેની વિશદ યોજના ઘડવામાં આવી હતી.
શિક્ષક-પ્રશિક્ષણ : બુનિયાદી શિક્ષણ સારી રીતે અપાય તે માટે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકોની તાલીમ વિશિષ્ટ રીતે અપાવી જોઈએ. પ્રથમ તો તેમને વિવિધ કેન્દ્રીય ઉદ્યોગોનું જ્ઞાન હોવું જોઈએ. વળી ભાષા, ગણિત, સમાજવિદ્યા, વિજ્ઞાન, ચિત્રકળા, સંગીત જેવા વિષયોના શિક્ષણનો કેન્દ્રીય ઉદ્યોગ સાથે કેવી રીતે સમવાય સાધવો તે અંગેનું તેમને શિક્ષણ અપાવું જોઈએ.
હાલની પરિસ્થિતિ : બુનિયાદી શિક્ષણને માટે ખાસ તાલીમ પામેલા શિક્ષકો પ્રથમ તૈયાર કરવા પડે. તેને બદલે ઘણીખરી તાલીમી સંસ્થાઓમાં શિક્ષકોને કાંતણ-વણાટ તથા કૃષિ જેવા વિષયો ફરજિયાત શીખવવામાં આવે છે. વળી, વિવિધ વિષયો સાથે ઉદ્યોગનો કેવી રીતે સમવાય સાધવો તે ભાગ્યે જ શીખવવામાં આવે છે. વળી, આવી કૉલેજોના કર્મચારીગણના સભ્યો માધ્યમિક શિક્ષકોમાંથી પસંદ કરવામાં આવે છે; જેમને ભાગ્યે જ બુનિયાદી શિક્ષણના હાર્દને સમજાયું હોય છે. આથી હાલ ચાલતી કેટલીક બુનિયાદી પ્રાથમિક શાળાઓ તથા ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળાઓમાં પરિસ્થિતિ સંતોષજનક નથી.
કૃષ્ણકાંત ગો. દેસાઈ