બુનવેલ, લૂઈ (જ. 22 ફેબ્રુઆરી 1900, કાલાન્ડા, સ્પેન; અ. 1983) : અતિવાસ્તવવાદી (Surrealistic) ફ્રેન્ચ ચલચિત્રદિગ્દર્શક. પિતા જમીનદાર હતા. મૅડ્રિડ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન સાલ્વાડોર ડાલી, ગાર્સિયા લૉરકા અને સ્પેનના અન્ય આશાસ્પદ બુદ્ધિજીવીઓ સાથે મિત્રતા થઈ. સિનેમામાં રસ જાગતાં 1920માં તેમણે સિને-ક્લબ સ્થાપી, જે યુરોપની પ્રારંભની સિને-ક્લબોમાંની એક ગણાઈ. 1925માં તેઓ પૅરિસની સિનેમા અકાદમીમાં જોડાયા અને એક જ વર્ષમાં ઝયૉ એપ્સ્ટિનના સહાયક બન્યા. બે વર્ષ પછી 1927માં બીજા ખ્યાતનામ સર્જક મારિયો નાલ્પાસના સહાયક બન્યા.

લૂઈ બુનવેલ

અતિવાસ્તવવાદી સિનેમા અંગેની ત્રણ દિવસની એક કાર્યશાળા દરમિયાન બુનવેલ અને ડાલીએ એક પટકથા લખી. તેના પરથી બનેલું 24 મિનિટનું ચિત્ર ‘એન ઍન્ડૉલુસિયન ડૉગ’માં અસંબદ્ધ તસવીરો શ્રેણીબદ્ધ રીતે રજૂ કરાઈ હતી. જોનારને આઘાત આપે એવી તસવીરો પૈકી એક તસવીરમાં કીડીઓ માણસનો હાથ ખાતી દર્શાવાઈ હોય તો એ પછીની તસવીરમાં એક સ્ત્રીના આંખના ડોળાને અસ્ત્રા વડે રહેંસી નખાતો દર્શાવ્યો હોય. અતિવાસ્તવવાદી ગણાયેલું આ લઘુચિત્ર આજે પણ ફિલ્મ સોસાયટીઓ અને યુનિવર્સિટીઓમાં દર્શાવવામાં આવે છે.

1930માં બુનવેલે તેમના પ્રશિષ્ટ ગણાયેલા ચિત્ર ‘ધ ગોલ્ડન એજ’નું દિગ્દર્શન કર્યું. ચર્ચ, સમાજ અને મધ્યમવર્ગીય નૈતિકતા પર તેમણે તેમાં પ્રહારો કર્યા. તેમનાં પછીનાં ચિત્રોમાં પણ આ પ્રહારો ચાલુ રહ્યા. 1932માં બુનવેલે ‘લૅન્ડ વિધાઉટ બ્રેડ’નું સર્જન કર્યું. ગરીબાઈમાં જકડાયેલા અને ઉપેક્ષાનો ભોગ બનેલા ખેડૂતોની દયનીય સ્થિતિનું તેમાં અતિવાસ્તવવાદી નિરૂપણ કરાયું હતું.

એ પછી તેઓ વર્ષો સુધી અમેરિકન ફિલ્મોના ડબિંગ સાથે સંકળાયેલા રહ્યા. 1947માં મૅક્સિકો જઈને ફરી દિગ્દર્શન શરૂ કર્યું. પહેલાં એવું લાગતું હતું કે તેમણે વ્યાવસાયિક ચિત્રો સાથે સમાધાન કર્યું છે, પણ અતિવાસ્તવવાદ એક યા બીજી રીતે એમાં આવી જ જતો. ‘નાઝારિન’ (1959) અને ‘વિરિદિયાના’(1961)માં તે પૂર્ણપણે પ્રગટ થયો હતો. એમાંય ‘વિરિદિયાના’ તો સ્પૅનિશ સરકારની સહાયથી તૈયાર થઈ હતી અને સેન્સરની ઝીણી નજરમાંથી પસાર થઈ હતી; પણ તે પ્રદર્શિત થયા બાદ સરકારને જ્યારે તેના અર્થની ખબર પડી ત્યારે તેના પર પ્રતિબંધ લાદી દીધો હતો.

ચિત્રોમાં ચર્ચ પરના પ્રહારો અને જાતીય નિરૂપણના કારણે બુનવેલનાં ચિત્રો પ્રારંભથી જ વિવાદોમાં સપડાતાં રહ્યાં; પણ તેમણે અંત સુધી આ વિચારધારા છોડી નહોતી. ‘ડાયરી ઑવ્ એ ચેમ્બરમેઇડ’ (1964), ‘સિમોન ઑવ્ ધ ડેઝર્ટ’ (1965), ‘બેલા દુ જુઅર’ (1967), ‘ધ મિલ્કી વે’ (1969), ‘ત્રિસ્તાના’ (1970), ‘ધ ડિસ્ક્રિટ ચાર્મ ઑવ્ ધ બુઝર્વા’ (1972) વગેરેમાં તેમની વિચારધારા મુખર થઈ હતી.

હરસુખ થાનકી