બુદ્ધચરિત : બુદ્ધના જીવન વિશે સંસ્કૃત ભાષામાં મહાકવિ અશ્વઘોષે રચેલું મહાકાવ્ય. પ્રસ્તુત મહાકાવ્ય (ઈ.સ.ની પ્રથમ સદી) ભગવાન બુદ્ધના જીવન અને ઉપદેશને રજૂ કરે છે. ‘બુદ્ધચરિત’ના તિબ્બતી અને ચીની ભાષામાં જે અનુવાદો થયા છે તેમાં 28 સર્ગો છે. જ્યારે મૂળ સંસ્કૃતમાં 17 સર્ગો છે. જોકે કેવિલ 13 અને 14મા સર્ગના કેટલાક ભાગ સુધીના ‘બુદ્ધચરિત’ને જ અશ્વઘોષરચિત માને છે. આમ, સંસ્કૃતમાં સર્ગ 2થી 13 પૂર્ણ છે અને પ્રથમનો ¾ ભાગ અને 14માનો ¼ ભાગ (31 પદ્યો પર્યંત) પ્રાપ્ત થાય છે. ચીની ભાષા કરતાં તિબ્બતીનું ભાષાન્તર મૂળ સંસ્કૃત મહાકાવ્યની વધુ નજીક જણાય છે. મહાકાવ્યનો પ્રારંભ રાજકુમારના જન્મથી અને અંત અવશેષ સંબંધી યુદ્ધ અને અશોકના સમયમાં મળેલી પ્રથમ સંસદથી આવે છે. સંસ્કૃત મહાકાવ્ય બુદ્ધ ભગવાનના માર સાથેના યુદ્ધ અને એમને પ્રાપ્ત થયેલ ‘જ્ઞાનપ્રકાશ’ પર્યંત ઉપલબ્ધ થાય છે. આ કૃતિ બુદ્ધના સાચા ભક્ત અને કવિનું સર્જન છે. ભગવાન બુદ્ધના ચરિત અને ઉપદેશને જનસમાજ સુધી કવિતાના માધ્યમ દ્વારા પહોંચાડવો એ એનો હેતુ છે. આથી આંજી નાખે તેવી ભાષાશૈલી કે અભિવ્યક્તિ એમાં નથી, બલકે સરળ, સાદી અને ગાઢ શ્રદ્ધાપૂર્ણ અભિવ્યક્તિ છે. કથાવસ્તુ ભાવકને જકડી રાખે તેવું સરસ છે.
બુદ્ધચરિતની વાર્તા માટે ‘લલિતવિસ્તર’, ‘પાલીનિદાનકથા’, ‘મહાપરિનિર્વાણસૂત્ર’ અને ‘નાલકસુત્ત’ પ્રેરણાસ્રોત છે. રામાયણનો આ બુદ્ધચરિત પર ઘણો પ્રભાવ છે. ‘લલિતવિસ્તર’માં ‘બુદ્ધચરિત’ના 1–20 સર્ગો સુધીની કથા પ્રાપ્ત થાય છે. ક્યાંક તો શબ્દસામ્ય પણ છે. ‘બુદ્ધચરિત’માં કુમાર સિદ્ધાર્થનું લગ્ન યશોધરા સાથે થાય છે, જ્યારે ‘લલિતવિસ્તર’માં ગોપા નામની કન્યા સાથે થાય છે તેવું નિરૂપણ છે અને ‘બુદ્ધચરિત’ના મુકાબલે એ પ્રસંગ તેમાં વિસ્તારથી આપ્યો છે. ‘નિદાનકથા’ અશ્વઘોષના સમય પછીની મળે છે. પરંતુ બની શકે કે અશ્વઘોષને તેની કોઈ જૂની પ્રત મળી હોય. ‘બુદ્ધચરિત’માં ગોઠવાયેલા ક્રમે જ બુદ્ધનું જીવન ‘નિદાનકથા’માં પ્રાપ્ત થાય છે. ‘બુદ્ધચરિત’ના 22થી 28 સર્ગોનો આધાર ‘મહાપરિનિર્વાણસૂત્રો’ છે. ‘સુત્તનિપાત્ત’ના ‘નાલકસુત્ત’ની પ્રારંભની વત્થુગાથા પણ ‘બુદ્ધચરિત’ માટે પ્રેરણાસ્રોત બની હોવાનો સંભવ છે. બાકી સાહિત્યિક વર્ણનો, દર્શનશાસ્ત્ર, રાજનીતિ, રાજાનાં કર્તવ્યો, કટુ સત્યો વગેરે બાબતો માટે અશ્વઘોષને રામાયણમાંથી સહાય મળી છે તે સ્પષ્ટ છે.
કાવ્યનો પ્રારંભ સર્વાર્થસિદ્ધિ(કુમાર સિદ્ધાર્થ)ના જન્મથી થાય છે. જેમ પવનથી વહાણ હાલી ઊઠે તેમ કુમારના જન્મથી ધરણી કંપી ઊઠી. વાદળ વગરના આકાશમાંથી ચંદનવાસિત વૃષ્ટિ થઈ અને નીલ અને શ્વેતકમળ વરસ્યાં. અસિત મુનિ ગદગદિત થઈ ગયા. પિતા શુદ્ધોદને વિનંતી કરી ત્યારે તેમણે કુમાર માટેનું ભવિષ્ય ભાખ્યું, ‘બાળક પૃથ્વીને દુ:ખના સાગરમાંથી પાર ઉતારશે.’ પિતાને ચિંતા થઈ કે બાળક તેમને છોડીને જતો રહેશે એટલે કુમારને દુ:ખ થાય તેવા સઘળા પ્રસંગોથી તેને દૂર રાખવામાં આવ્યો. યશોધરા સાથે કુમારનાં લગ્ન પણ થયાં અને તેમને રાહુલ નામે એક પુત્ર પ્રાપ્ત થયો. એક વખત કુમારે હરિયાળા ઘાસવાળાં અને કોયલના કૂજનવાળાં, કમળ-સરોવરવાળાં વનની વાત સાંભળી ત્યાં વિહારયાત્રા કરવાની ઇચ્છા વ્યક્ત કરી. એ માટેની તૈયારીઓ થઈ. આખું નગર શણગારવામાં આવ્યું અને માર્ગમાંથી લૂલાં-લંગડાં-રોગી વગેરેને હઠાવી લેવામાં આવ્યાં. પરંતુ જગતના ઉદ્ધાર માટે અવતરેલા કુમારને સખત બંદોબસ્ત વચ્ચે પણ શુદ્ધાધિવાસ દેવોની પ્રેરણાથી જરા, મરણ અને રોગ – એમ ત્રિવિધ દુ:ખનાં દર્શન થયાં. ત્રણેત્રણ વખતના વિહારમાં કુમારને એવાં દર્શન થતાં તેના કોમળ હૃદયને ભારે ચોટ લાગી. શુદ્ધોદને કુમારને પાછો ન વાળતાં પદ્મખણ્ડવનમાં લઈ જવાનું કહ્યું. ત્યાં અનેક વારાંગનાઓએ ગીત-સંગીતની સહાયથી સિદ્ધાર્થને વિષયાભિમુખ કરવા યત્ન કર્યો, પરંતુ તેના મન પર કશી અસર ન થઈ. અંતે કુમારે સહુ કોઈને નિદ્રાધીન છોડીને રાત્રિના અંધકારમાં મહાભિનિષ્ક્રમણ કર્યું. તે અરાડ ઋષિના આશ્રમે ગયા. આ બાજુ રાજા, રાજમાતા અને યશોધરા શોકગ્રસ્ત બન્યાં. પુરોહિત અને સચિવે આશ્રમે આવીને કુમારને સમજાવ્યા. પરંતુ કુમાર તો તાપસવેશે બીજા નગરમાં ચાલી ગયા. અનેક વર્ષો સુધી તેમણે ઘોર તપ કર્યું, પણ તેથી અર્થ સર્યો નહિ. એક ગોવાલણ પાસેથી ખીર ખાઈને તેમણે ધ્યાન કર્યું. કામદેવ તેની સઘળી સેના સાથે કુમારનો ધ્યાનભંગ કરવા આવ્યો, પણ અંતે તે (માર) અને તેની સેના પરાસ્ત થયાં અને કુમારને ધ્યાનમાં પરમજ્ઞાન પ્રાપ્ત થયું.
કુમાર બુદ્ધ થયા. જ્ઞાનનો ઉપદેશ કરતા બુદ્ધ સર્વત્ર વિચરણ કરવા લાગ્યા. તેમના અનેક શિષ્યો થયા. રાજા બિંબિસાર પણ તેમના શિષ્ય થયા. ફરતાં ફરતાં તેઓ પિતાના નગરમાં આવ્યા. ત્યાં સૌને ઉપદેશ આપ્યો અને જેતવનમાં ગયા. ગાંડો હાથી, અજાતશત્રુ રાજા, આમ્રપાલી સૌ કોઈ બુદ્ધને શરણે ગયાં. અનેક લોકોને ઉપદેશ આપી તેઓ નિર્વાણ પામ્યા. તેમના અંતિમ સંસ્કાર થયા અને તેમના સ્મરણમાં અનેક સ્તૂપો રચાયા. રાજા અશોકે પણ સ્તૂપો બંધાવ્યા. આ સાથે 28 સર્ગનું આ મહાકાવ્ય સમાપ્ત થાય છે.
સંસ્કૃત મહાકાવ્યનાં ધોરણો અનુસાર પ્રસ્તુત મહાકાવ્ય સર્ગબદ્ધ છે. નમસ્ક્રિયાથી તેનો આરંભ થાય છે. સર્ગને અંતે આવતા છંદવૈવિધ્યથી કાવ્ય સુંદર બન્યું છે. તેમાં ઉપજાતિ, વંશસ્થ, રુચિરા, માલ્યભારિણી, પ્રહર્ષિણી વગેરે અનેક છંદો છે. કુમારની વિહારયાત્રા, તેમને જોવા ટોળે મળતી સ્ત્રીઓ, પદ્મખણ્ડવન, વારાંગનાઓની સુપ્તદશા વગેરેનાં વર્ણનોથી પ્રસ્તુત મહાકાવ્ય સમૃદ્ધ બન્યું છે. અશ્વઘોષ મોક્ષાર્થી કવિ છે. તેથી કાવ્ય પ્રબોધાત્મક પ્રયોજનવાળું છે. તેનો મુખ્ય રસ શાંત છે. બીભત્સાદિ રસોથી તે પુષ્ટ થાય છે. આમ, સંસ્કૃત મહાકાવ્યનાં લક્ષણો ધરાવતા આ કાવ્યને સંસ્કૃતના પંચમહાકાવ્યમાં સ્થાન મળ્યું નથી, તેનું કારણ કાવ્યતત્વની ન્યૂનતા છે. જોકે આ કાવ્ય સાવ શુષ્ક પણ નથી. આ કૃતિનું રામાયણ સાથેનું સામ્ય ધ્યાનપાત્ર છે. સિદ્ધાર્થનો ગૃહત્યાગ અને રામનો રાજત્યાગ, શુદ્ધોદનનો રાજવહીવટ અને રામનો રાજવહીવટ અને ‘બુદ્ધચરિત’માં યશોધરાનો શોક અને રામાયણમાં તારાનો શોક તથા ‘બુદ્ધચરિત’માં પાંચમા સર્ગમાં કુમારે જોયેલી નિદ્રાધીન સ્ત્રીઓ અને ‘રામાયણ’માં હનુમાને લંકામાં જોયેલી તેવી જ સ્ત્રીઓ વગેરેમાં કથા, ભાવો અને વર્ણનોનું સામ્ય છે. વળી આશ્રમ અને પર્વત, વનાદિના પ્રકૃતિ-નિરૂપણમાં પણ રામાયણ સાથેનું શબ્દ-ભાવ-ઊર્મિઓ બાબતનું સામ્ય સ્પષ્ટ છે.
સંસ્કૃત મહાકાવ્યના પ્રારંભિક તબક્કામાં આ મહાકાવ્યનું સ્થાન નિરાળું તો છે જ.
પારુલ માંકડ