બુદ્ધ (જ. ઈ. પૂ. 563; અ. ઈ. પૂ. 483) : બૌદ્ધ ધર્મના સ્થાપક. ભારતમાં કપિલવસ્તુ નામે નગરની નજીક લુમ્બિની ઉપવનમાં ઈ. પૂ. 563માં વૈશાખી પૂર્ણિમાના પવિત્ર દિવસે બુદ્ધનો જન્મ થયો. તેમના પિતાનું નામ શુદ્ધોદન; માતાનું નામ માયાદેવી. તેમના જન્મથી માતાપિતાની ઇચ્છા પૂર્ણ થઈ તેથી તેમનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું. તેમનું ગોત્રનામ ગૌતમ હોઈ તેઓ એ નામે, તેમજ શાક્ય નામની ક્ષત્રિય શાખાના શિરોમણિ થયા હોવાથી ‘શાક્યસિંહ’ નામે પણ ઓળખાય છે. રાજ્યના વૈભવશાળી મહેલમાં લગભગ 29 વર્ષ સુધી તેમણે નિવાસ કર્યો. તેમની પત્નીનું નામ ભદ્રકૃત્યા (યશોધરા?) તથા પુત્રનું નામ રાહુલ હતું.
ચાર નિમિત્તો (વાર્ધક્ય, રોગ, મૃત્યુ ને પ્રવ્રજ્યા)ને જોઈને તેમના મન પર બહુ ઊંડી અસર પડી અને તેમણે આ ક્ષણભંગુર એવા સંસાર-જીવનનો ત્યાગ કર્યો (મહાભિનિષ્ક્રમણ). છ વર્ષ સુધી સત્યપ્રાપ્તિ માટે તેમણે કઠોર તપસ્યા કરી. તત્કાલીન સંતપુરુષો તથા દાર્શનિકો એવા આલાર કાલામ અને ઉદ્રક રામપુત્ર જેવા બ્રાહ્મણ વિદ્વાનો પાસે તેમણે દર્શનશાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો. શાંતિની ખોજમાં મગધ પ્રદેશમાં ફરતાં ફરતાં તેઓ ઉરુવેલા સેનાની–નિગમમાં પહોંચ્યા. ધ્યાન માટે આ જગ્યા તેમને ઉત્તમ લાગી. નિરંજના નદીને તીરે પીપળાના એક વૃક્ષ નીચે તેમણે ધ્યાન ધર્યું. તેમને માર નામની આસુરી શક્તિ સાથે સંઘર્ષ પણ ખેડવો પડ્યો; પરંતુ અંતે તેનો સંપૂર્ણ પરાજય થતાં તેમનું ચિત્ત નિર્મળ બન્યું. તેમને સત્યની પ્રાપ્તિ થઈ; પરમ જ્ઞાન (બોધિ) પ્રાપ્ત થયું. આમ તેઓ ‘બુદ્ધ’ બન્યા.
તેમણે દેહદમનની કઠિન પ્રક્રિયાઓ છોડી મધ્યમમાર્ગનું અનુસરણ કર્યું. ઉરુવેલામાં ઇચ્છાનુસાર વિહાર કરી તેમણે વારાણસી તરફ પ્રયાણ કર્યું. વારાણસીમાં પંચવર્ગીય ભિક્ષુઓને ઉપદેશ આપ્યો. કોલિત અને સારિપુત્ર તેમના પ્રધાન શિષ્યો બન્યા. આનંદ તેમના સેવક-શિષ્ય હતા. ક્ષેમા અને ઉત્પલવર્ણા તેમની શિષ્યાઓ હતી. કાશી નજીક સારનાથમાં પ્રથમ ઉપદેશ આપી તેમણે ‘ધર્મચક્રપ્રવર્તન’ માટેની કામગીરી શરૂ કરી. સ્વજનોથી માંડીને અનેક લોકોને તેમણે બૌદ્ધધર્મી બનાવ્યા. તેમણે ધર્મપ્રસારમાં 40 વર્ષ પસાર કર્યાં. મગધનો રાજા અજાતશત્રુ તેમનો ભક્ત બન્યો. તેમણે ઉપદેશ આપ્યો કે સ્વસ્થ અને શિસ્તબદ્ધ શરીર વિના બધું જ નકામું છે. જીવન ક્ષણભંગુર છે. સતત ઉત્સાહથી નિર્વાણ માટે મથ્યા રહેવું જોઈએ. મનોનિગ્રહ – આત્મસંયમ અને સદાચારથી મોક્ષ – નિર્વાણ – પ્રાપ્ત થાય છે. મુમુક્ષુએ દેવ, પૂજા, કર્મકાણ્ડ કે બીજી માન્યતાઓ, પુરોહિતોની મદદ અથવા દૈવી તત્વોની સહાય ઇત્યાદિ રૂઢ થયેલી ધર્મની બાબતોમાં ચિત્ત પરોવવા કરતાં પોતાની ચિત્તવૃત્તિ ઉપર જય મેળવવો એ વધુ સારું છે. નિર્વાણ માટે પ્રયત્નશીલ વ્યક્તિએ અભિનિવેશનો ત્યાગ કરવો જોઈએ અને તૃષ્ણાને તિલાંજલિ આપવી જોઈએ. શીલ, સમાધિ અને પ્રજ્ઞા જ વિશુદ્ધિમાર્ગના ખરા ઘટકો છે. 80 વર્ષની ઉંમરે તેમનું શરીર જીર્ણ થઈ ગયું, જોકે તેમનો આત્મા બળવાન અને અજેય હતો. વૈશાલી પાસે કુશીનારા નજીક વૈશાખી પૂર્ણિમાને દિવસે ઈ. પૂ. 483માં તેઓ નિર્વાણ પામ્યા.
ભગવાન બુદ્ધે કર્મનો અવિચળ નિયમ લોકોને સમજાવી એક તરફ મોટા મોટા યજ્ઞયાગોનું ધતિંગ બંધ કરાવ્યું તો બીજી તરફ આત્મા-પરમાત્માની શુષ્ક ચર્ચાની પ્રતિષ્ઠા ઓછી કરી. દેહપીડનનો કેફ વખોડ્યો; અને વર્ણનો મદ પણ તોડ્યો. સુખલાલસાને લીધે લોકોને પામર થયેલા જોઈ બ્રહ્મચર્ય અને ત્યાગનું મહત્વ લોકોને સમજાવ્યું અને પોતાના ધર્મનું ચુસ્ત રીતે આચરણ કરનાર લોકોનો એક વિશાળ સંઘ બનાવી તેમની મારફતે ભોગ અને ભ્રમથી દૂષિત થયેલા સમાજ ઉપર જાણે ચઢાઈ કરી. સદાચાર એ જ ધર્મનો પાયો છે, અહિંસા અને ત્યાગની ભાવના એ જ ધર્મનો આધાર છે, એવો ઉપદેશ લોકભાષામાં બધાંને કર્યો. તેમણે માનવીના સ્વયંભૂ વિવેક(reason)ને આહવાન કર્યું; મૂઢ વહેમોમાં અને ફલાસક્ત કર્મકાંડોમાં થીજી ગયેલા અધ્યાત્મનો તેમણે ‘અવ્યાકૃત’ વિષય તરીકે નિર્દેશ કર્યો. તેમણે જાતે તપપૂર્વક ‘બોધિ’ પ્રાપ્ત કરી અને સતત કરુણાપૂર્વક નરસમુદાયસ્વરૂપ પરમાત્મામાં લીન બનીને વિચરણ કર્યું. તેમણે પરમાત્મતત્વનો ન સ્વીકાર કર્યો, ન ઇન્કાર. ઇહલોકમાં અને ઇહલૌકિક કર્મમાં સર્વત્ર વસતા ઈશ્વરી તત્વની જીવન દ્વારા જનમાનસમાં પ્રતિષ્ઠા કરી.
બુદ્ધનો મુખ્ય ઉદ્દેશ દર્શનશાસ્ત્ર નહિ, પણ ધર્મનું વિજ્ઞાન શીખવવાનો હતો. જે વિષય પ્રત્યક્ષ નથી તેની મીમાંસા તર્ક દ્વારા કરવાનો શો અર્થ ? દાર્શનિક વિવાદોમાં પડવાનો તેમને અણગમો હતો. ચાર આર્ય સત્યોને તેમણે વધુ મહત્વનાં માની તેનો ઉપદેશ કર્યો. ‘આર્ય’ એટલે જેનાં બધાં અકુશલ પાપ-કર્મો દૂર થઈ ગયાં હોય તે. પાપકર્મોથી જે ખૂબ જ દૂર ચાલ્યો ગયેલ છે તે ઉત્તમ શ્રેષ્ઠ અર્હતને આર્ય કહેવાય. ધમ્મપદમાં આવા આર્યને જ ‘ખરો બ્રાહ્મણ’ કહ્યો છે. ‘સત્ય’ એટલે જેમાં અનુભવનો બાધ ન આવે તે. દેશ, કાળ કે જાતિના મર્યાદિત બંધનથી પર થઈ આધ્યાત્મિક સાધના કરતો પુરુષ તે આર્ય અને તે જેને વફાદારીપૂર્વક અનુસરે તે સત્ય. તે આર્યસત્ય. પ્રથમ આર્યસત્ય તે દુ:ખ (suffering), બીજું આર્ય સત્ય તે દુ:ખસમુદય–અર્થાત્ દુ:ખનું મૂળ-કારણ (cause of suffering), ત્રીજું આર્યસત્ય તે દુ:ખનિરોધનો ઉપાય (cessation of suffering), ચોથું આર્યસત્ય તે દુ:ખનિરોધમાર્ગ (The path leading to the cessation of suffering [misery]).
આ ચાર આર્યસત્યો બૌદ્ધ ધર્મનો પાયો છે, જેનો ઉપદેશ બુદ્ધે વારાણસીમાં પોતાના પહેલા પાંચ શિષ્યોને કર્યો હતો.
બૌદ્ધ ગ્રંથોમાં આપેલ કથાનક અનુસાર બુદ્ધ સમક્ષ બ્રહ્મદેવ પ્રગટ થયા અને તેમનાં ચાર મુખમાંથી જે ચાર મહાસત્યો પ્રગટ થયાં તે : મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા.
વૈદિક કર્મકાંડ અને હિંસા વિરુદ્ધ બૌદ્ધ ધર્મની સ્થાપના કરવાનું શ્રેય ગૌતમ બુદ્ધને ફાળે જાય છે. અંતે તેમને પુરાણોમાં વિષ્ણુના અવતાર પણ માનવામાં આવ્યા છે.
ચીમનલાલ વલ્લભરામ રાવળ