બુથિયા દ્વીપકલ્પ : ઉત્તર અમેરિકા ખંડની મુખ્ય ભૂમિનો છેક ઉત્તર તરફનો ભાગ. ભૌગોલિક સ્થાન : 71° 58´ ઉ. અ. અને 95° 00´ પૂ. રે. આજુબાજુનો વિસ્તાર. તે કૅનેડાની વાયવ્ય સરહદ પરના ફ્રૅન્કલિન પ્રાંતમાં આવેલો છે. તેની ઉત્તરે સોમર્સ ટાપુ, પૂર્વમાં બુથિયાનો અખાત, દક્ષિણે કૅનેડાનો વાયવ્ય પ્રાંતનો ભૂમિભાગ, નૈર્ઋત્યમાં કિંગ વિલિયમ ટાપુ, તથા વાયવ્યમાં ફ્રૅન્કલિનની સામુદ્રધુની અને દૂર વાયવ્યમાં પ્રિન્સ ઑવ્ વેલ્સ ટાપુ આવેલાં છે. (ફ્રૅન્કલિન પ્રાંતની લગભગ મધ્યમાં 70° ઉ. અ. અને 90° પૂ. રે. પર બુથિયાનો અખાત પથરાયેલો છે.) આ પ્રદેશ 1829માં સર જેમ્સ રૉસે શોધેલો. આ અભિયાન માટે નાણાં ખર્ચનાર સર ફેલિક્સ બૂથના માનમાં રૉસે આ પ્રદેશને બૂથિયા ફેલિક્સ નામ આપેલું. વળી રૉસે તેના પશ્ચિમ કિનારા પર ઉત્તર ચુંબકીય ધ્રુવ(North Magnetic Pole)નું સ્થાન પણ સર્વપ્રથમ વાર સ્થાપિત કરી આપેલું (1831). સર જૉન ફ્રૅન્કલિન અને રોઆલ્ડ આમુંડસન જેવા અન્ય અભિયાનકારોએ પણ પછીનાં વર્ષોમાં આ પ્રદેશની મુલાકાત લીધેલી. આ પ્રદેશ વૃક્ષવિહીન ઉચ્ચપ્રદેશીય ભૂપૃષ્ઠ ધરાવે છે અને તેનો વિસ્તાર 32,330 ચોકિમી. જેટલો છે. તેની પહોળાઈ 195 કિમી. જેટલી છે અને તે 272 કિમી.ની લંબાઈ સુધી અહીંના આર્ક્ટિક મહાસાગરમાં વિસ્તરેલો છે. અહીં વસ્તીનું પ્રમાણ તદ્દન જૂજ છે. સ્પેન્સ બે (Spence Bay) અને થૉમ બે (Thom Bay) નામની માત્ર બે જ વસાહતો અહીં જોવા મળે છે. અહીં તૈયાર કપડાંનો એકમાત્ર ઉદ્યોગ વિકસ્યો છે.

ગિરીશભાઈ પંડ્યા